રાજકોટના રિક્ષાવાળાની મૂળ યોજના સુપ્રીમ કોર્ટ ઉપર હુમલો કરવાની હતી : દિલ્હીનાં મુખ્યમંત્રી પરના હુમલા કેસમાં ધડાકો
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર હુમલો કરનાર રાજકોટનો રીક્ષા ચાલક રાજેશ સાકરીયાનો મૂળભૂત ઈરાદો સુપ્રીમ કોર્ટ ઉપર હુમલો કરવાનો હતો પરંતુ ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા જોયા પછી તેણે મુખ્યમંત્રીને નિશાન બનાવવાનું નક્કી કર્યું હતું તેમ પોલીસ તપાસમાં ખુલ્યું છે.

વિશ્વાસપાત્ર સૂત્રોના જણાવ્યા મુજબ રખડતા કૂતરાઓને પકડીને પૂરી દેવાના સુપ્રીમ કોર્ટના આદેશથી નારાજ થયેલ આરોપીએ સુપ્રીમ કોર્ટની મુલાકાત લીધી હતી પણ ત્યાંની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા નિહાળ્યા બાદ તેણે મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર હુમલો કરવાની યોજના કડી કાઢી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 28 ઓગસ્ટના રોજ આરોપીએ રેખા ગુપ્તા પર છરીથી હુમલો કરવાનું કાવતરું ઘડયું હતું, તે છરી લઈને નિકળ્યો હતો પરંતુ જન સુનવણી દરમિયાન સુરક્ષાને જોતાં તેણે છરી ફેંકી દીધી હતી.અને બાદમાં શારીરિક હુમલો કર્યો હતો. તેણે ગુપ્તાને થપ્પડ મારી ધક્કો માર્યો હતો અને વાળ ખેંચ્યા હતા. પોલીસને આપેલા નિવેદનમાં સાકરીયાએ જણાવ્યું કે, તે દિલ્હીમાં રખડતા કૂતરાઓને દૂર કરવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યો હતો અને તેની અપીલને ગુપ્તાએ અવગણી હોવાનો આક્ષેપ કર્યો હતો. રેખા ગુપ્તાએ આ અગાઉ રખડતા કૂતરાઓના હુમલાઓને લઈને દિલ્હીના રહેવાસીઓની ચિંતાઓ વ્યક્ત કરી હતી.તેમના આ વલણને કારણે સાકરિયાએ હુમલો કરવાનું નક્કી કર્યું હતું.
