એશિયા કપ પહેલા DREAM-11 એ લીધો મોટો નિર્ણય : ટીમ ઈન્ડિયાને સ્પોન્સર કરવાનો કર્યો ઈનકાર
સંસદે તાજેતરમાં જ ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ, 2025 પસાર કર્યું છે. આ બિલ હેઠળ, ભારતમાં વાસ્તવિક પૈસાથી થતા ગેમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે ડ્રીમ11ના વ્યવસાયને ખરાબ અસર થઈ છે. એક તરફ સંસદમાં આ બિલ પસાર થયું તો એક તરફ સમગ્ર દેશ અને ભારતના ખેલાડીઓ એશિયા કપ માટે એક્સાઈટેડ છે ત્યારે એશિયા કપ 2025 પહેલા, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને મોટો ઝટકો લાગ્યો છે. ડ્રીમ11 એ BCCI ને જાણ કરી છે કે તે હવે ભારતીય ક્રિકેટ ટીમને સ્પોન્સર કરશે નહીં.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ડ્રીમ11 ના પ્રતિનિધિઓ મુંબઈમાં BCCI ઓફિસમાં આવ્યા હતા અને CEO હેમાંગ અમીનને આ નિર્ણય વિશે જાણ કરી હતી. હવે BCCI ટૂંક સમયમાં એક નવું ટેન્ડર બહાર પાડશે. એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાત (UAE) માં શરૂ થવાનો છે. હવે ડ્રીમ11એ સ્પોન્સરશીપ પાછી ખેંચી લીધા પછી, BCCI ને ટૂંક સમયમાં એક નવો સ્પોન્સર શોધવો પડશે.
BCCI ના એક અધિકારીએ આ અંગ્રેજી અખબારને જણાવ્યું હતું કે, ‘ડ્રીમ11 ના પ્રતિનિધિઓએ BCCI ઓફિસની મુલાકાત લીધી હતી. તેમણે CEO હેમાંગ અમીનને જાણ કરી હતી કે ડ્રીમ11 હવે આ સોદો ચાલુ રાખી શકશે નહીં. આ કારણે, તે એશિયા કપ માટે ભારતીય ટીમનું સ્પોન્સર રહેશે નહીં. BCCI ટૂંક સમયમાં નવું ટેન્ડર બહાર પાડશે.’
કંપનીએ એક મોટું પગલું ભર્યું
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, તાજેતરમાં પસાર થયેલા ઓનલાઈન ગેમિંગ બિલને કારણે, પૈસાથી સંબંધિત કોઈપણ રમત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડ્રીમ11 નો મુખ્ય વ્યવસાય ફેન્ટસી ગેમિંગ છે, જે આ કાયદાથી સીધી અસર પામે છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે Dream11 ના પ્રતિનિધિઓએ BCCI ના CEO હેમાંગ અમીનને મળ્યા હતા અને જાણ કરી હતી કે તેઓ હવે ટીમ ઈન્ડિયાની જર્સી સ્પોન્સરશિપ ચાલુ રાખી શકશે નહીં.
ટીમ ઈન્ડિયા સ્પોન્સર વિના એશિયા કપમાં પ્રવેશ કરી શકે છે
BCCI ના અધિકારીએ જણાવ્યું હતું કે Dream11 ના પાછી ખેંચી લીધા પછી, ભારતીય ટીમ પાસે હજુ સુધી કોઈ નવો સ્પોન્સર નથી. આવી સ્થિતિમાં, જો સમયસર નવો સોદો નહીં થાય, તો ટીમ ઈન્ડિયા જર્સી સ્પોન્સર વિના એશિયા કપમાં પ્રવેશ કરશે તેવી શક્યતા છે. BCCI ટૂંક સમયમાં નવા સ્પોન્સર માટે ટેન્ડર બહાર પાડવાની તૈયારી કરી રહ્યું છે.
ડ્રીમ11 એ કેટલામાં સોદો કર્યો?
ડ્રીમ11 એ જુલાઈ 2023 માં BCCI સાથે 358 કરોડ રૂપિયાનો મોટો સોદો કર્યો હતો. આ અંતર્ગત, ડ્રીમ11 એ ભારતીય મહિલા ટીમ, ભારતીય પુરુષ ટીમ, ભારત અંડર-19 ટીમ અને ભારત-A ટીમના કિટ માટે સ્પોન્સર અધિકારો મેળવ્યા. પછી ડ્રીમ11 એ Byju’sનું સ્થાન લીધું.
આ પણ વાંચો : ગણપતિ બાપ્પા મોરિયા : હાથમાં ચક્ર, માથા પર મુગટ… લાલબાગચા રાજાની પહેલી ઝલક આવી સામે
કરાર તોડવા છતાં, ડ્રીમ11 ને કોઈપણ પ્રકારનો દંડ ચૂકવવો પડશે નહીં. કરારમાં સ્પષ્ટપણે લખ્યું છે કે જો ભારત સરકારનો નવો કાયદો કંપનીના મુખ્ય વ્યવસાયને અસર કરે છે, તો કંપની બોર્ડને કોઈ દંડ ચૂકવશે નહીં. ડ્રીમ11 18 વર્ષ પહેલા શરૂ થયું હતું અને આજે તેનું મૂલ્ય લગભગ 8 અબજ ડોલર છે.
ડ્રીમ11 એ IPLમાં પણ મોટું રોકાણ કર્યું
ડ્રીમ11 એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં પણ મોટું રોકાણ કર્યું હતું. તેણે એમએસ ધોની, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. વર્ષ 2020 માં, ડ્રીમ11 એ IPL ટ્રોફીને પણ સ્પોન્સર કરી. ડ્રીમ11 કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) નું સત્તાવાર ફેન્ટસી પાર્ટનર છે. તે ન્યુઝીલેન્ડમાં યોજાયેલી સુપર સ્મેશનું ટાઇટલ સ્પોન્સર પણ રહ્યું છે. તે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ (પુરુષો અને મહિલા બંને) સાથે પણ સંકળાયેલું છે. વર્ષ 2018 માં, તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) સાથે પણ ભાગીદારી કરી. ક્રિકેટ ઉપરાંત, તેણે અન્ય રમતોમાં પણ રોકાણ કર્યું છે.
