ગણપતિ બાપ્પા મોરયા…બાપ્પાના આગમન સાથે રાજકોટની બજારમાં રિદ્ધિ-સિદ્ધિ: ઉત્સવમાં 75 કરોડનો વેપાર
ગણપતિ બાપ્પા મોરયા, મંગલમૂર્તિ મોરયા….રાજકોટમાં ગણપતિ દાદાની સવારી રિદ્ધિ અને સિદ્ધિ સાથે આવશે. શહેરમાં દર વર્ષે ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. મહારાષ્ટ્રની જેમ આખું શહેર ગણપતિમય બની જાય છે. એક અંદાજ મુજબ રાજકોટમાં સાડા ત્રણસોથી પણ ગણપતિ મહોત્સવના આયોજનો થાય છે. આ મહોત્સવ મંડપ ડેકોરેશન થી લઈને મીઠાઈના વેપારીઓ માટે રિદ્ધિ-સિદ્ધિ સમાન છે. 5 દિવસથી 11 દિવસ સુધીની ઉજવણી દરમિયાન મંડપ ડેકોરેશન થી લઈને મીઠાઈના વેપાર સુધીમાં 75કરોડથી ટર્નઓવર થાય છે.
ગણપતિ ઉત્સવ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એડવાન્સ ગણપતિજીની મૂર્તિ માટેના ઓર્ડરો અપાઈ ગયા છે. આ વખતે રાજકોટમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદા ની મૂર્તિ સાથે ત્રિશુલ સાથે ગજાનન મહારાજ જોવા મળશે. એક ફૂટ થી લઈને આઠ ફુટ સુધીની ગણપતિ બાપાની મૂર્તિ બનાવાય છે. રાજકોટમાં છેલ્લા 30 વર્ષથી ગણેશ મહોત્સવ પૂર્વે બાલભવન ખાતે મૂર્તિ તૈયાર કરતા દીપકભાઈ એ જણાવ્યું હતું કે, જૂન મહિનાથી ગણપતિ બાપાની મૂર્તિ બનાવવાનું કામ શરૂ થઈ જાય છે જેમાં બંગાળમાંથી કારીગરોને બોલાવવામાં આવે છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી સોસાયટીઓમાં અને અલગ અલગ વિસ્તારોમાં ગણપતિ મહોત્સવનું આયોજન થયું હોવાથી તેઓ એડવાન્સ ગણપતિ બાપાની મૂર્તિ માટેના ઓર્ડરો આપે છે.
આ પણ વાંચો : દર ત્રણ મહિને રિવ્યુ, મારા નહીં સારા હશે એ ક્રાઈમ બ્રાન્ચમાં રહેશે : નવનિયુક્ત DCP ક્રાઈમ જગદીશ બાંગરવા
આ વર્ષે સિંહાસન પર ગણપતિ બાપા, શિવજીના સ્વરૂપમાં, મોરપીંછ આસન પર,શેષનાગ પર, લાલ બાગ કા રાજા, બાલ સ્વરૂપ ગણેશજી સહિત અનેક મુદ્રાઓ પર ગણપતિબાપાનાં અલગ અલગ સ્વરૂપમાં દર્શન થશે. 1500 રૂપિયાથી શરૂ કરીને 50000 રૂપિયા સુધીની ગણપતિ બાપાની મૂર્તિ મળે છે. હવે તો ભાવિકો અને આયોજકો પોતાની રીતે કસ્ટમાઈઝ ગણપતિ બાપાની મૂર્તિ બનાવડાવે છે.
સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત ગણપતિદાદા એસી જર્મન ડોમમાં બિરાજસે
સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત રાજકોટ ખાતે જે.કે.ચોક યુની.રોડ ખાતે એસી જર્મન ડોમમાં ગણપતિ દાદા બિરાજશે. રાજકોટ મંડપ કોન્ટ્રાક્ટર એસોસિએશનના ચેરમેન દીપકભાઈ પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં રાજકોટ અને મોરબી ખાતે પ્રથમવાર ગણપતિ પંડાલમાં જર્મન ડોમ બનાવ્યો છે. રાજકોટના જે કે ચોક ખાતે 50 ફૂટ બાય 125 ફૂટનો વિશાળ પ્રીમિયમ કક્ષાનો જર્મન ડોમ બનાવાયો છે.જે.કે.ચોક કા રાજા મહોત્સવનાં આયોજક કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,દર વર્ષ અમે ગણપતિ બાપ્પાનું સ્વરૂપ એક જ રાખીએ છીએ પણ પંડાલમાં નવીનતા લાવીએ છીએ,આ વર્ષે જર્મન ડોમ જ્યાં મોટી સંખ્યામાં ભાવિકો એક સાથે દર્શન કરી શકશે.
આ પણ વાંચો : ડ્રીમ11 સહિતની રિયલ-મની ગેમિંગ એપ્સ બંધ : કરોડોનો ઉદ્યોગ સંકટમાં,મોટુ નુકસાન જવાની શક્યતા
સજાવટ સાથેનાં બાપ્પાનાં રેડીમેઈડ સિંહાસનનું આકર્ષણ
આ વખતે ઘરે ગણપતિ બાપાના સ્થાપન માટે રેડીમેઇડ ડેકોરેશન સાથેના જાજરમાન બાપ્પાનું સ્થાપન કરી શકાશે. રાજકોટમાં ગણપતિ બાપાના સિંહાસનનો ડેકોરેશન કરતા આરતીબેન મહેતાએ જણાવ્યું હતું કે, ગણપતિ બાપા ની સ્થાપના માટે અલગ અલગ પંડાલ કે માંડવી ડેકોરેશન કરવાની થતી હોય છે જે આ વખતે તૈયાર મળી જશે જેમાં ફલાવર,ફોમ, લાઈટ વાળી,રજવાડી સહિત સુંદર સજાવટ સાથે તૈયાર ડેકોરેશનનું સિંહાસન મળી જશે.જે ફોલ્ડિંગ પણ હોય છે.
