અનિરૂધ્ધસિંહ જાડેજાની આજીવન કેદ સજા માફી 7 વર્ષ બાદ થઇ રદ : વાંચો હત્યા અને સજા માફી સુધીનો સમગ્ર ઘટનાક્રમ
ગોંડલના રીબડા ગામના વતની અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજાની આજીવન કેદની સજા માફી બાદ કરાઈ 2018માં જેલવડાએ આપેલી સજા માફી સામે મૃતક ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠિયા દ્વારા 2024માં હાઈકોર્ટમાં રીટ કરાઈ હતી. જે રીટ સંદર્ભે કાનૂની કાર્યવાહી બાદ હાઈકોર્ટ દ્વારા અનિરૂધ્ધસિંહની સજા માફી ગેરલાયક ઠેરવીને અનિરૂધ્ધસિંહને ચાર સપ્તાહમાં હાજર થવા હુકમ કરાયો છે જેને લઈને હવે અનિરૂધ્ધસિંહ હાજર થશે ? શું થશે, ચૂકાદો સુપ્રીમ કોર્ટમાં પડકારાશે કે કેમ ? ગોંડલ પંથકમાં ભારે ચર્ચા ચાલી છે.

ગોંડલ સંગ્રામસિંહજી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં 15 ઓગસ્ટ-1988ના રોજ સ્વાતંત્ર્ય દિવસે કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયા દ્વારા ધ્વજવંદન કરાઈ રહ્યું હતું એ સમયે જ અનેક રાજકીય અગ્રણીઓ, સરકારી અધિકારીઓ, વ્યક્તિઓ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ કરીને અનિરૂધ્ધસિંહ જાડેજા દ્વારા પોપટભાઈની હત્યા કરાઈ હતી. જે તે સમયે અંદાજે 22 વર્ષની ઉંમરે અનિરૂધ્ધસિંહે સરેઆમ કરેલી હત્યાના પગલે રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે ભારે ખળભળાટ મચી ગયો હતો.
હત્યા બાદ બે વર્ષ જેવો સમય ફરાર રહેલા અનિરૂધ્ધસિંહની 1990માં ધરપકડ થઈ હતી. 1994માં અનિરૂધ્ધસિંહનો સેશન્સ કોર્ટમાં છૂટકારો થયો હતો. જે ચૂકાદાને સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો જેમાં 10-7-1997ના રોજ અનિરૂધ્ધસિંહને હત્યા કેસમાં આજીવન કેદની સજા થઈ હતી જેમાં બે વર્ષ બાદ 2000ની સાલમાં વોન્ટેડ અનિરૂધ્ધસિંહને ઝડપી લેવાયા હતા. 18 વર્ષ સુધી જેલમાં રહેલા અનિરૂધ્ધસિંહને વાણી, વર્તણૂંક સહિતના મુદ્દાઓને લક્ષ બનાવીને જેલવડા ટી.એસ. બીસ્ટ દ્વારા 2018માં અનિરૂધ્ધસિંહને આજીવન કેદમાંથી સજા માફી અપાઈ હતી અને તેમની જેલમુક્તિ થઈ હતી.
સજા માફી મળ્યાના છ વર્ષ બાદ ગત વર્ષે 2024માં ઓક્ટોબર માસમાં મૃતક પોપટભાઈના પૌત્ર હરીશભાઈએ હાઈકોર્ટમાં જે તે સમયના જેલવડાના સજા માફીના ઓર્ડરને પડકાર્યો હતો. હાઈકોર્ટ દ્વારા રીટ સંદર્ભે સરકાર તેમજ સંબંધિતોને નોટિસ કરાઈ હતી. બન્ને પક્ષે નવ માસથી વધુ સમયની કાનૂની લડાઈ બાદ હાઈકોર્ટ દ્વારા આરોપી અનિરૂધ્ધસિંહ જાડેજાની આજીવન કેદની સજા માફીને રદ કરાઈ છે. જે તે સમયે સૌરાષ્ટ્રમાં સામાજિક, રાજકીય તથા સહકારી ક્ષેત્રે મોટું નામ ધરાવતા રાજકોટના રહેવાસી ધારાસભ્ય પોપટભાઈની હત્યાથી ભારે ચકચાર મચી હતી. આરોપી અનિરૂધ્ધસિંહના પિતા મહિપતસિંહ જાડેજા એ સમયે તાલુકા પંચાયતમાં પ્રમુખ હતા. ત્યારબાદ અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતા. ગોંડલનું રાજકારણ છેલ્લા 35 વર્ષથી વધુ સમયથી ચડાવ-ઉતાર ગરમાયેલું રહ્યું છે.
ગોંડલ-રીબડાના રાજકારણમાં એક વર્ષથી વધુ સમયથી પ્રવાહ પલટાયો
ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને રીબડા અનિરૂધ્ધસિંહ જાડેજા વચ્ચે સારા સંબંધો હતા. એકાદ વર્ષથી વધુ સમયથી આ સંબંધોમાં કડવાહટ આવી છે તે જગજાહેર જેવું છે. ગત ધારાસભાની ચૂંટણી બાદ ગોંડલ અને રીબડા જૂથ વચ્ચેના સંબંધો વધુ વણસ્યા હતા અને સામસામા આક્ષેપો, પ્રતિઆક્ષેપો થયા રાખે છે. રીબડા જૂથ સામે ગુના નોંધાયા, તાજેતરમાં જ રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા તેમજ તેમના પુત્ર રાજદીપસિંહ સહિતના સામે રીબડા ગામના અમિત ખૂંટ નામના યુવકની આત્મહત્યાના બનાવમાં પોલીસ ફરિયાદ થયેલી છે, જે ગુનામાં પિતા-પુત્ર ફરાર છે. તાજેતરમાં ગોંડલ કોર્ટે આ કેસમાં આગોતરા જામીન અરજી રદ કરી છે.
