ઓનલાઈન સટ્ટો રમતા હોય તો ચેતજો! લોકસભામાં ગેમિંગ બિલ પાસ, કાયદો તોડનારને થશે 3 વર્ષની જેલ
કેન્દ્ર સરકારે બુધવારે લોકસભામાં “ઓનલાઇન ગેમિંગ સંવર્ધન અને નિયમન વિધેયક, 2025” રજૂ કર્યું હતું. આ વિધેયકને એક દિવસ પહેલાં જ કેબિનેટમાંથી મંજૂરી મળી હતી. કાયદાના હેતુઓમાં ઈ-સ્પોર્ટ્સ અને સામાજિક ગેમિંગને ઉત્તેજન આપવું તેમજ જોખમી અને લત લાગતી મની ગેમિંગ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવો સમાવિષ્ટ છે.
કેન્દ્રિય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ કાયદો “નાગરિકોની સુરક્ષા” સાથે “નવ વિચારોને પ્રોત્સાહન” આપશે. મંત્રાલયના જણાવ્યા મુજબ ડિજિટલ ટેક્નોલોજીના કારણે અનેક લાભ મળ્યા છે, પરંતુ કેટલાક જોખમ પણ ઉભા થયા છે જેને ધ્યાને લેવા જરૂરી છે.
આ પણ વાંચો : રેખા ગુપ્તા, કેજરીવાલ અને ચિદમ્બરમ સહિતના નેતાઓ પર થયા છે હુમલા, ગુજરાતના અનેક નેતાઓના નામ પણ સામેલ
આ કાયદો અમલમાં આવ્યા પછી, ઓનલાઈન મની ગેમિંગ ઓફર કરવા અથવા તેને સુવિધા આપવા બદલ, નિયમોનું પાલન ન કરવા પર 3 વર્ષ સુધીની જેલ અથવા 1 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. મની ગેમ્સની જાહેરાત કરવા પર 2 વર્ષ સુધીની જેલ અથવા 50 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
મની ગેમ્સ સંબંધિત નાણાકીય વ્યવહારો પર 3 વર્ષ સુધીની જેલ અથવા 1 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. વારંવાર ગુનાઓ પર 3-5 વર્ષની જેલ અને 2 કરોડ રૂપિયા સુધીનો દંડ સહિતની સજામાં વધારો થઈ શકે છે. મુખ્ય કલમો હેઠળના ગુનાઓ સંજ્ઞાનપાત્ર અને બિન-જામીનપાત્ર રહેશે.
બિલ શા માટે છે મહત્વપૂર્ણ ?
* આ વિધેયક ઈ-સ્પોર્ટ્સ અને ઑનલાઇન સોશિયલ ગેમ્સ જેવા સકારાત્મક ક્ષેત્રોને આગળ વધારશે.
* આ સાથે તે મની ગેમિંગ, સટ્ટા અને જુગાર જેવી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદશે — જેમ કે પોકર, રમી, ઑનલાઇન લોટરી વગેરે.
* લોભામણા ‘પૈસા કમાવવાના વચનો’આપતાં પ્લેટફોર્મ્સથી યુવાઓને બચાવવાનો પ્રયાસ છે, જેનાથી પરિવાર પર આર્થિક અને માનસિક અસર થાય છે.
* ગેરકાયદેસર મની ગેમિંગ ઘણીવાર આતંકવાદી પ્રવૃત્તિઓ અને રાષ્ટ્રસુરક્ષા માટે જોખમરૂપ પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાય છે
