રાજકોટના શ્વાનપ્રેમી શખ્સે મુખ્યમંત્રીને ફડાકો ઝીંકી દીધો : હુમલાના 24 કલાક પહેલા બંગલાની રેકી, હત્યાના પ્રયાસ સહિતની 3 કલમો હેઠળ FIR
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા આજે સિવિલ લાઈન્સ ખાતેના તેમનાં નિવાસસ્થાને લોક દરબારમાં લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા હતા ત્યારે તેમના ઉપર હુમલો થયો હતો. એક શખસે તેમને ફડાકો ઝીંકી દીધો હતો અને પથ્થર પણ ફેંક્યો હતો. આ ઘટના બનતા થોડી વાર અફડાતફડી મચી ગઈ હતી અને પોલીસે આ હુમલાખોરની ધરપકડ કરી લીધી હતી. સૌથી મોટા આશ્ચર્યની વાત એ છે કે હુમલો કરનાર શખસ રાજકોટનો હિસ્ટ્રીશીટર છે અને સોમવારે રાજકોટથી દિલ્હી પહોંચીને મુખ્યમંત્રીના સરકારી અને વ્યક્તિગત નિવાસસ્થાનની રેકી કરી હતી અને બુધવારે ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. પોલીસે તેની સામે હત્યાની કોશિશ સહિતની કલમો લગાડીને આ હુમલાનો હેતુ સહિતના જવાબ મેળવવા પૂછપરછ શરુ કરી છે. બીજી તરફ આ ઘટનાને લઈને રાજકીય નિવેદનો પણ આવી રહ્યા છે. ભાજપે કહ્યુ છે કે, એક કાવતરાના ભાગ રૂપે આ હુમલો કરાવવામાં આવ્યો છે જયારે કોંગ્રેસે કહ્યુ છે કે, દિલ્હીમાં મહિલાઓ પણ સુરક્ષિત નથી. આમ આદમી પાર્ટીએ આ હુમલાને વખોડ્યો છે.
જકોટમાં રીક્ષા ચલાવે છે અને હિસ્ટ્રીશીટર
મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરનાર આરોપી રાજકોટના કોઠારિયા રોડ વિસ્તારનો રહેવાસી છે અને તેનું નામ રાજેશભાઈ ખીમજીભાઈ સાકરિયા જાહેર થયું છે. તે રાજકોટમાં રીક્ષા ચલાવે છે અને હિસ્ટ્રીશીટર છે. તેની સામે અગાઉ પાંચ જેટલા ગુના પણ દાખલ થયેલા છે. તેના પરિવારજનોએ કહ્યું હતું કે, તે ડોગ લવર છે અને દિલ્હીમાં રખડતા કુતરાઓને શેલ્ટર હોમમાં રાખવાના આદેશથી તે નારાજ હતો અને આ નારાજગીને લીધે આવું પગલું ભર્યું હોઈ શકે છે. જો કે, આવા કારણોસર 1200 કિલોમીટર દુર રાજકોટ જેવા શહેરમાંથી કોઈ આવીને આવું પગલું ભરે તે પોલીસના ગળે ઉતરતું નથી. હાલમાં તો દિલ્હી પોલીસે તેની સામે બી.એન.એસ.ની કલમ 109, 132 અને 221 એટલે કે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી રેખા ગુપ્તા લોકોની ફરિયાદ સાંભળી રહ્યા હતા ત્યારે આ 30 વર્ષીય શખસ હાથમાં કાગળ લઈને આવ્યો હતો અને કાગળ આપીને બુમો પાડી હતી અને એક ઝાપટ મારી લીધી હતી. આ પછી સિક્યોરિટી કર્મચારીઓએ તેને તુરંત પકડી લીધો હતો અને કસ્ટડીમાં લીધો હતો.
હુમલાના 24 કલાક પહેલા બંગલાની રેકી કરી
🚨Pre-planned attack on Delhi Chief Minister Rekha Gupta?
— Nabila Jamal (@nabilajamal_) August 20, 2025
CCTV footage shows accused Rajesh Sakriya scouting her Shalimar Bagh residence a full day before the assault. Police have recovered videos of CM’s house from his phone
During a public hearing at her residence this… pic.twitter.com/F270zGKiY4
હુમલાખોર રાજેશ સાકરિયા રાજકોટથી દિલ્હી જવા નીકળો હતો અને દિલ્હી પહોંચ્યા બાદ પેડલ રીક્ષામાં બેસીને શાલીમાર વિસ્તારમાં આવેલા મુખ્યમંત્રીના નિવાસસ્થાન ગયો હતો અને ત્યાં વિડીયોગ્રાફી કરી હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, રાજેશે રીક્ષાચાલકને મુખ્યમંત્રીના ઘર અંગે પૂછ્યું અને પછી સીધો બંગલામાં દાખલ થયો હતો. અહી પ્રશ્ન એ થાય છે કે, બંગલામાં પ્રવેશતા પહેલા કોઈ સિક્યોરિટી ગાર્ડે તેની પૂછપરછ પણ કરી ન હતી.
‘મારો દીકરો કૂતરાના સમાચાર વાંચી દિલ્હી ગયો હતો’
મુખ્યમંત્રી પર હુમલો કરનાર રાજકોટનો રહેવાસી નીકળતા, મીડિયાકર્મીઓ તેમજ પોલીસ તેના ઘરે પહોંચ્યા હતા અને પરિવારની પૂછપરછ કરતાં માતાએ જણાવ્યું હતું કે, મારો દીકરો કૂતરા પ્રેમી છે, ગાય અને ચકલાઓ પ્રત્યે પણ પ્રેમ છે. તે પશુ-પક્ષીઓની સેવાનું જ કામ કરે છે. ઘરમાં રોટલા પડ્યા હોય તો કૂતરા માટે લઈ જાય. મેં ફોન કર્યો તો કહ્યું કે, હું દિલ્હી ગયો છું એટલે મેં કહ્યું કે તું ઉજ્જૈન ગયો હતો’ને તો તેણે કહ્યું કે, હું કૂતરા માટે દિલ્હી ગયો છું. દીકરો પરિણીત છે અને સંતાનમાં એક દીકરો છે.
ભાજપને કાવતરાની શંકા
ભાજપના દિલ્હી યુનીટે X પર પોસ્ટ કરીને જણાવ્યું કે સાપ્તાહિક જન સુનવાઈ દરમિયાન મુખ્ય મંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલાની દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવ સખત નિંદા કરે છે. દિલ્હી સરકારમાં પ્રધાન મનજિન્દર સિંહ સિરસાએ આ હુમલા પાછળ રાજકીય કાવતરું હોવાની શંકા વ્યક્ત કરી છે.
આતિશીએ હુમલાને વખોડ્યો:
દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અને આપ નેતા આતિશીએ આ હુમલાને વખોડી કાઢ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા પર હુમલો ખૂબ જ નિંદનીય છે. લોકશાહીમાં અસંમતિ અને વિરોધ માટે સ્થાન છે, પરંતુ હિંસા માટે કોઈ સ્થાન નથી. દિલ્હી પોલીસ હુમલાખોર સામે કડક કાર્યવાહી કરે એવી આશા છે.
દિલ્હીમાં મહિલા સુરક્ષિત નથી!
દિલ્હીના કોંગ્રેસના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે મુખ્ય મંત્રી પર થયેલા હુમલાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો અને આ ઘટનાને મહિલાઓની સુરક્ષા સાથે જોડી દીધી છે. તેમણે કહ્યું, “મુખ્યમંત્રી સમગ્ર દિલ્હીનું નેતૃત્વ કરે છે અને મને લાગે છે કે આવી ઘટનાઓની જેટલી નિંદા કરીએ એટલી ઓછી છે, પરંતુ આ ઘટના મહિલાઓની સુરક્ષાનો મુદ્દો પણ ઉજાગર કરે છે. જો દિલ્હીના મુખ્યમંત્રી સુરક્ષિત નથી, તો પછી એક સામાન્ય મહિલા કેવી રીતે સુરક્ષિત રહી શકે?”
જાતે જ હુમલો કરાવ્યો?
કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ ઘટનાની વાખોડી હતી અને ભાજપ સામે સવાલો પણ ઉઠાવ્યા હતાં. તેમણે કહ્યું આ ખૂબ જ દુઃખદ છે; રાજકારણમાં હિંસા માટે કોઈ સ્થાન નથી. પરંતુ ભાજપ હિંસાની જનની છે. લોકો ભાજપથી ગુસ્સે છે, જેણે પણ આ કર્યું છે તેની તપાસ થવી જોઈએ. જ્યારે અરવિંદ કેજરીવાલ પર હુમલો થયો હતો, ત્યારે ભાજપ દાવો કરતી કે તેમણે જાતે જ હુમલો કરાવ્યો છે છે. તો હવે ભાજપે જાતે જ તપાસવું પડશે કે આ માત્ર અકસ્માત હતો કે તેમણે જ હુમલો કરાવ્યો હતો?
