રાજકોટમાં તસ્કરોનો તરખાટ : છ દિવસ બંધ રહેલા ત્રણ ફ્લેટમાંથી 7.77 લાખની ચોરી
રાજકોટમાં તહેવારો દરમિયાન તસ્કરોને રેઢું પડ મળી ગયું હોય તેમ રજાની મજા માણવા ગયેલા ત્રણ ફ્લેટધારકોના ફ્લેટમાં ઘૂસી 7.77 લાખની ચોરીને અંજામ આપતા યુનિવર્સિટી પોલીસ મથક ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી સહિતની ટીમે તસ્કરોની ભાળ મેળવવા કસરત શરૂ કરી હતી.
આ અંગે મુંજકા ગામે હરિવંદા કોલેજ સામે શ્રી સિટી એપાર્ટમેન્ટની ‘એ’ વિંગમાં બ્લોક નં.901માં રહેતા નિલેશ વાસાભાઈ કારોતરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ 14 થી 17 ઓગસ્ટ સુધી મોરબી ગયા હતા એ દરમિયાન તસ્કરોએ તેમના ઘરમાંથી 70,000ની રોકડ સહિત 5.81 લાખની મત્તાની ચોરી કરી હતી. તેમની બાજુના ફ્લેટ નં.902માં કોઈ રહેતું ન હોય તેનો દરવાજો ખોલી તસ્કર તેની ગેલેરીમાં ઘૂસ્યા હતા અને ત્યાંથી નિલેશની ગેલેરીમાં ફિટ કરેલી કબૂતર જાળી કાપી બેડરૂમમાં રહેલી તીજોરી ‘સાફ’ કરી નાખી હતી.
આ પણ વાંચો : નિવડેલા જગદીશ બાંગરવાને હવે પુરા રાજકોટ શહેરની જવાબદારી : નવા 3 DCP પૈકી બે હૈદરાબાદ ટ્રેનિંગમાં
આ ઉપરાંત આ જ એપાર્ટમેન્ટના આઠમા માળે બ્લોક નં.803 રહેતા નરેન્દ્રભાઈ હિંમતરાય અગ્રાવતના પણ એક દિવસ માટે બંધ પડેલા ફ્લેટમાંથી 86300, ફ્લેટ નં.801માં રહેતા મયુર સુરેશભાઈ લાવડિયાના ફ્લેટમાંથી 1.10 લાખની ચોરી થવા પામી હતી. આમ 12 થી 18 ઓગસ્ટ સુધી બંધ રહેલા ત્રણ ફ્લેટને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા.
તસ્કરે બે દિ’માં એક જ કારખાનાને બે વખત બનાવ્યું નિશાન
ભક્તિનગર પોલીસ મથકમાં ઈમરાન અબ્દુલભાઈ સોરઠિયાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યા પ્રમાણે 80 ફૂટ રોડ પર સોમનાથ પેટ્રોલ પંપ સામે પોપ્યુલર પિસ્ટન નામનું કારખાનું કે જે તે ભાડેથી ચલાવે છે ત્યાં બે દિવસમાં બે વખત તસ્કરે ચોરી કરી 1.21 લાખની મત્તાની ચોરી કરી હતી.
