ટ્રમ્પ-પુતિનની બેઠકમાં યુદ્ધવિરામ પર ચર્ચા, પણ કોઈ સમજૂતી નહીં : રશિયન ઓઇલ ખરીદતા દેશો પર ટેરિફ લાદવાની મુદતમાં વધારો
આખા વિશ્વની જેના ઉપર નજર હતી તે અલાસ્કામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વચ્ચે યોજાયેલી ઐતિહાસિક બેઠકમાં યુક્રેન યુદ્ધ રોકવા અંગે કોઈ નક્કર સમજૂતી થઈ ન હતી. આ બેઠકમાં યુદ્ધ વિરામ અંગે ચર્ચા થઈ પરંતુ કોઈ અંતિમ કરાર ન થતાં હજુ પણ યુદ્ધના વાદળો યથાવત ઘેરાયેલા રહ્યા છે. જોકે બંને નેતાઓએ આ બેઠકને રચનાત્મક અને ફળદાયી ગણાવી હતી.ટ્રમ્પે હવે બધો આધાર યુક્રેન ના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી ઉપર છે તેવું ખૂબ સૂચક નિવેદન કર્યું હતું.તેમણે રશિયાની રાષ્ટ્રીય ચિંતાઓ પ્રત્યે ધ્યાન આપવાની જરૂરિયાત ઉપર પણ ભાર મૂક્યો હતો, જે યુક્રેનના સંભવિત નાટો પ્રવેશ તેમ જ સમગ્રપણે રશિયાની સુરક્ષા અને સલામતીના સંદર્ભમાં નાટો ની ભૂમિકા સાથે સંબંધિત છે.
અલાસ્કાના એન્કરેજમાં ત્રણ કલાક ચાલેલી બેઠક રચનાત્મક વાતાવરણમાં સંપન્ન થઈ હતી. બંને નેતાઓ વચ્ચે વન ટુ વન બેઠક થવાની અગાઉ ઘોષણા કરવામાં આવી હતી પરંતુ એ બેઠકમાં ટ્રમ્પ સાથે અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયો અને ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને પુતિન સાથે રશિયન વિદેશ મંત્રી સેરગેઈ લવરોવ, નાણામંત્રી એન્ટોન સિલુઆનોવ અને આર્થિક સલાહકાર કિરિલ દિમિત્રીવ ઉપસ્થિત રહ્યા હતા. રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના વડા દિમિત્રીવે બેઠકને ‘સારી’ ગણાવી હતી. રશિયન રક્ષા પ્રધાન આન્દ્રે બેલોસોવે પુતિનના મૂડને ‘ઉત્તમ’ ગણાવ્યો હતો.
અમેરીકી મીડિયાના જણાવ્યા અનુસર રશિયાએ 2014માં કબજે કરેલા ક્રીમિયા ઉપરાંત લુહાન્સ્ક, ડોનસ્ટેક, ઝેપોરીઝીયા અને કેર્સોન પ્રદેશો પર નિયંત્રણ જાળવવાની માંગ રાખી હતી. જો કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી એક કરતાં વધારે વખત સ્પષ્ટપણે જણાવી ચૂક્યા છે કે તેઓ ‘એક ઇંચ જમીન પણ નહીં આપે. બીજી તરફ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે યુદ્ધવિરામ માટે કેટલીક જમીનની અદલાબદલી શક્ય છે. પરંતુ આ મુદ્દે યુરોપ અને યુક્રેનનો વિરોધ ચાલુ છે.
આ મુદે મડાગાંઠ પડી હોવાનું ચિત્ર ઉપસ્યું છે. બેઠક બાદ ટ્રમ્પે કહ્યું કે,”કેટલાક મુદ્દાઓ પર સહમતી થઈ છે. કેટલાક મુદ્દાઓ પર નથી થઈ શકી. તેમાં કેટલાક મુદ્દાઓ મહત્વના નથી પરંતુ એક મુદ્દો ખૂબ મહત્વનો છે.” બાદમાં તેમણે ઉમેર્યું કે “જ્યાં સુધી સંપૂર્ણ સમજૂતી ન થાય ત્યાં સુધી કોઈ કરાર નથી. હવે બધો આધાર ઝેલેન્સકી અને નાટો સાથેની ચર્ચા પર છે.
“બીજી તરફ પુતિને વાટાઘાટોને ‘સઘન અને ઉપયોગી’ ગણાવી અને કહ્યું કે રશિયા યુદ્ધનો અંત લાવવા ઇચ્છે છે, પરંતુ તેની ‘રાષ્ટ્રીય સુરક્ષા’ની ચિંતાઓ ધ્યાને લેવી પડશે. તેમણે ચેતવણી આપી કે પડદા પાછળ ઉશ્કેરણી રશિયાને સ્વીકાર્ય નથી. પુતિને એમ પણ કહ્યું કે જો ટ્રમ્પ 2022માં રાષ્ટ્રપતિ હોત તો યુદ્ધ થયું ન હોત.એકંદરે, ટ્રમ્પ-પુતિન બેઠક યુક્રેન યુદ્ધના ઉકેલ માટે નિર્ણાયક હતી, પરંતુ કોઈ નક્કર પરિણામ વિના સમાપ્ત થઈ છે. સાથે જ બંને નેતાઓની રચનાત્મક ચર્ચાઓએ ભવિષ્યમાં વાટાઘાટોની આશા જગાવી છે
તોડી ફોડી નાખવાના ટ્રમ્પના હાકલા પડકારા વચ્ચે પુતિનનું ભવ્ય સ્વાગત
આ બેઠક પહેલા ટ્રમ્પે ખૂબ આક્રમક નિર્દેશો આપ્યા હતા. જો પુતીન યુદ્ધ ના અંત માટે સંમત ન થાય તો ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી હતી. મીટીંગમાં તેમની અપેક્ષાકૃત વલણ ન જોવા મળે તો બેઠક અધુરી છોડીને ચાલી નીકળવાની પણ તેમણે ધમકી આપી હતી. જો કે પુતીનનું આગમન થયું ત્યારે ટ્રમ્પ જાણે કે તેમની ઉપર ઓળઘોળ થઈ ગયા હતા.
પુતીનનું ત્રણ વખત તાળી પાડીને ટ્રમ્પે સ્વાગત કર્યું
પુતીનનું ત્રણ વખત તાળી પાડીને ટ્રમ્પે સ્વાગત કર્યું હતું. રાબેતા મુજબ કરતા વધારે સમય સુધી બંને નેતાઓએ હસ્તધૂન કર્યું હતું. મિટિંગના સ્થળે જવા માટે પુતીન માટે રશિયન ગાડી તૈનાત હતી પરંતુ ટ્રમ્પ અને પુતીન બંને એક સાથે ટ્રમ્પની લિમોઝિન કારમાં મીટીંગના સ્થળે પહોંચ્યા હતા અને એ દસ મિનિટ દરમિયાન બંને વન ટુ વન વાતો કરી હતી. બેઠક બાદ 12 મિનિટ ની પ્રેસ કોન્ફરન્સમાં પણ બંને નેતાઓ હળવા મૂડમાં જણાયા હતા. પુતીને હવે પછીની બેઠક મોસ્કોમાં યોજાશે તેમ જણાવી બંને દેશો વચ્ચે સંબંધો સામાન્ય થઈ રહ્યા હોવાનો નિર્દેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે દસ વર્ષ બાદ પુતીન અમેરિકાની મુલાકાતે આવ્યા હતા. તેમની આ મુલાકાત વૈશ્વિક રાજકારણમાં તેમના દબદબાભર્યા પુનરાગમનનો સંકેત આપે છે.
ટેરિફ મુદે ટ્રમ્પ કુણા પડ્યા ભારત માટે સારા સંકેત
બેઠક બાદ ફોક્સ ન્યુઝ સાથેની વાતચીતમાં ટ્રમ્પે રશિયા પાસેથી ઓઈલ ખરીદતા દેશો પરના ટેરિફ અંગે મહત્વનું સૂચક નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું કે હાલમાં ટેરીફનો નિર્ણય કરવાની જરૂર નથી. એ અંગે બે ત્રણ અઠવાડિયા પછી નિર્ણય કરવાની તેમણે ઘોષણા કરી હતી. અત્રે એ યાદ કરવું જરૂરી છે કે રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બદલ ટ્રમ્પે ભારત ઉપર વધારાનો 25% લગાવ્યો છે.એ ટેરિફ 27 ઓગસ્ટ થી લાગુ થવાનો છે, ત્યારે તેમનું આ નિવેદન ભારત માટે પણ સારા સંકેત સમાન માનવામાં આવે છે.
