ગોંડલના બે શખ્સોએ સાયબર ફ્રોડ માટે એકાઉન્ટ ભાડે આપી લાખો કમાઇ લીધા : 16.50 લાખની છેતરપિંડીના કેસમાં ધરપકડ
રાજકોટ સહિત આખા દેશમાં સાયબર ફ્રોડના કિસ્સામાં ચિંતાજનક વધારો થઈ જતા સરકાર પણ આ દિશામાં ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરાવી રહી છે. જાગૃતિ માટેના અનેક પ્રયાસ છતાં લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. બીજી બાજુ લોકોને છેતર્યા બાદ તે નાણાં અલગ-અલગ ખાતામાં જમા કરાવી લેવા માટે એકાઉન્ટ ભાડે આપી કમાણી કરવાનો સિલસિલો પણ શરૂ થયો હોય ત્યારે આવા જ બે શખસોને રાજકોટ સાયબર ક્રાઈમે દબોચી યુવક સાથે થયેલી 16.50 લાખની છેતરપિંડી મુદ્દે વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો : જવેલર્સ અને આંગડીયા પેઢીના વાહનોમાં CCTV ફરજિયાત : રાજકોટ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામ પ્રસિદ્ધ કરાય
ગત મે મહિનામાં અલ્કાપુરી સોસાયટીમાં રહેતા 39 વર્ષીય જય નટવરસિંહ રાઠોડ કે જે નોકરી કરે છે તેના ફેસબુક એકાઉન્ટ ઉપર શેર બજારમાં રોકાણ કરી સારો નફો કમાઈ આપવાની લાલચ આપતી જાહેરાત આવી હતી. ત્યારબાદ જાહેરાત પર ક્લિક કરતા ફિન વોલ્ટ નામના એક વોટસ એપ ગ્રુપમાં એડ થઈ ગયા બાદ તેના પાસેથી રોકાણના નામે પૈસા લેવામાં આવ્યા હતા. રોકાણ કર્યા બાદ વોલેટમાં રકમ જોવા મળતી હતી જે ઉપાડવાનો પ્રયાસ કરતા સાયબર ગઠિયાઓએ પૈસા ઉપાડવાના બદલામાં સર્વિસ ચાર્જની માંગણી કરતા પોતે છેતરાયો હોવાનું ભાન થયું હતું. આ પછી તેણે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : આરોપીને સજા થાય તો જ ગુનાનો સાચો ભેદ ઉકેલાયો ગણાય – DCP પ્રદીપસિંહ જાડેજા
ફરિયાદ નોંધાતા જ સાયબર ક્રાઈમ પોલીસ મથકના ઈન્ચાર્જ એસીપી સી.એમ.પટેલ, પીઆઈ જે.એમ.કૈલા સહિતની ટીમે ગોંડલના ચરખડી ગામે રહેતા અને મજૂરી કામ કરતા પરેશ ગોવિંદભાઈ મકવાણા (ઉ.વ.34) અને મોનેક મહેશદાસ દુધરેજીયા (ઉ.વ.33, રહે.વોરાકોટડા)ને પકડી પાડયા હતા. આ બન્નેએ ધર્મિષ્ઠા યાદવ નામની મહિલાને પોતાના એકાઉન્ટ ભાડે આપ્યા હતા અને તેના બદલામાં બન્નેને 10-10 હજાર રૂપિયા કમિશન મળતું હતું. આ બે પૈકી પરેશના ખાતામાંથી એક લાખ અને મોનેકના ખાતામાંથી પાંચ લાખ રૂપિયા મળ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં બન્નેના ખાતામાં 1.15 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ફ્રોડની જમા થયાનું સામે આવ્યું હતું.
