79માં સ્વાતંત્ર્ય દિન પર PMની દેશવાસીઓને દિવાળી ભેટ: GSTના દરમાં થશે ઘટાડો, લાલ કિલ્લા પરથી કરી મોટી જાહેરાતો
15મી ઓગસ્ટના 79માં સ્વાતંત્ર્ય પર્વ પર લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની ભેટ આપતા GST ને લઈ મોટી જાહેરાત કરી હતી. તેમજ દેશના યુવાનો માટે પ્રધાનમંત્રી વિકસિત ભારત યોજનાની પણ જાહેરાત કરી હતી.
GST સ્લેબમાં ઘટાડો થશે
પ્રધાનમંત્રી મોદીએ લાલ કિલ્લા પરથી GST પર જાહેરાત કરતા કહ્યું કે, દિવાળીથી અમે જીએસટી રિફોર્મ લઈને આવી રહ્યા છીએ. જે હેઠળ હાલના જીએસટી દરોની સમીક્ષા કરવામાં આવશે. આ સાથે જ ટેક્સ સ્લેબને પણ તર્કસંગત બનાવવામાં આવશે. GST હેઠળ અનેક પ્રકારના ટેક્સ સ્લેબ છે, જે વસ્તુઓ પર અલગ-અલગ છે. નવા જીએસટી રિફોર્મ હેઠળ આ તમામ વસ્તુઓ પર લાગનારા GSTની સમીક્ષા કરવામાં આવશે, ત્યાર બાદ એ નક્કી કરવામાં આવશે કે, કઈ વસ્તુ પર કેટલો જીએસટી દર લાગુ થશે. હાલ જીએસટી સ્લેબ 0%, 5%, 12%, 18%, 28% લાગુ છે. આ સિવાય કિંમતી ધાતુ પર 0.25% અને 3% ના વિશેષ દર લાગુ છે. અહેવાલો અનુસાર, આ સ્લેબમાં ઘટાડો થઈ શકે છે.
વિકસિત ભારત રોજગાર યોજના
પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં કહ્યું કે દેશના યુવાનો માટે મોટા સમાચાર છે. આજે 15 ઓગસ્ટે, હું મારા દેશના યુવાનો માટે 1 લાખ કરોડ રૂપિયાની યોજના શરૂ કરી રહ્યો છું. આજથી પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના લાગુ કરવામાં આવી છે. ખાનગી ક્ષેત્રમાં પહેલી નોકરી મેળવનારા છોકરાઓ અને છોકરીઓને સરકાર દ્વારા 15,000 રૂપિયા આપવામાં આવશે. આનાથી 3.5 કરોડ યુવાનોને રોજગાર મળશે.
સુદર્શન ચક્ર મિશન લોન્ચ કરશે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશ સુદર્શન ચક્ર મિશન શરૂ કરવા જઈ રહ્યો છે. આ સુદર્શન ચક્ર એક શક્તિશાળી શસ્ત્ર પ્રણાલી હશે, જે ફક્ત દુશ્મનના હુમલાને જ નહીં, પણ દુશ્મન પર અનેક ગણો વળતો પ્રહાર પણ કરશે. અમે આગામી દસ વર્ષમાં સુદર્શન ચક્ર મિશનને પ્રખરતાથી આગળ લઈ જઈશું. આ હેઠળ, 2035 સુધીમાં દેશના તમામ મહત્ત્વપૂર્ણ સ્થળોને આ રાષ્ટ્રીય સુરક્ષા કવચથી આવરી લેવામાં આવશે. આ સુરક્ષા કવચનો વિસ્તાર થતો રહેશે. દેશના દરેક નાગરિકે સુરક્ષિત અનુભવ કરી શકશે. આ માટે, હું 2035 સુધીમાં આ રાષ્ટ્રીય સુરક્ષા કવચનો વિસ્તાર કરવા માંગુ છું, તેથી શ્રી કૃષ્ણ પાસેથી પ્રેરણા લઈને, અમે સુદર્શન ચક્રનો માર્ગ પસંદ કર્યો છે.
Prime Minister Narendra Modi hoisted the National Flag at the Red Fort in Delhi today, marking India’s 79th Independence Day.#IndiaIndependenceDay #PMModi #IndependenceDayWithDD #IndependenceDay2025 #स्वतंत्रता_दिवस #RedFort #August15@PMOIndia @narendramodi @PIB_India… pic.twitter.com/uZwPVQOOYB
— DD News (@DDNewslive) August 15, 2025
10 નવા પરમાણુ રિએક્ટર બનાવવાનું કામ શરૂ
રાષ્ટ્રને સંબોધન કરતી વખતે, વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યા છીએ. 10 નવા પરમાણુ રિએક્ટર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આપણે પરમાણુ ઊર્જાની ક્ષમતામાં 10 ગણો વધારો કરીશું. આ સેક્ટરમાં ખાનગી ક્ષેત્ર માટે પણ રસ્તા ખુલી ગયા છે.
આ પણ વાંચો : લાલ કિલ્લા પરથી મોદીની સિંદુરી ગર્જના : PMએ સતત 12મી વખત તિરંગો લહેરાવ્યો,સૌથી લાંબા ભાષણનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો
સેમિકન્ડક્ટર અને ઊર્જામાં ભારત આત્મનિર્ભર બનશે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી સ્થાપવાની યોજના 50-60 વર્ષ પહેલા આવી હતી, પરંતુ ફાઇલો અટવાઈ ગઈ, વિલંબ થયો અને ખોવાઈ ગઈ. 50 વર્ષ પહેલા સેમિકન્ડક્ટર ફાઇલ દફનાવવામાં આવી હતી. પરંતુ હવે મેડ ઇન ઈન્ડિયા સેમિકન્ડક્ટર બજારમાં આવશે. છ યુનિટ બનાવવામાં આવ્યા છે અને ચાર વધુ સેમિકન્ડક્ટર યોજનાઓને લીલી ઝંડી આપવામાં આવી છે. પરંતુ આ વર્ષના અંત સુધીમાં, ભારતમાં, ભારતના લોકો દ્વારા બનાવેલી, સેમિકન્ડક્ટર ચિપ બજારમાં આવશે. આપણે બધા જાણીએ છીએ કે આપણે ઊર્જા માટે ઘણા દેશો પર નિર્ભર છીએ. પેટ્રોલ, ડીઝલ, ગેસ માટે લાખો અને કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. આપણે આ કટોકટીમાંથી દેશને આત્મનિર્ભર બનાવવો પડશે. આજે, 11 વર્ષમાં, સૌર ઊર્જા 30 ગણી વધી ગઈ છે.
આ પણ વાંચો : 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી : રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું રાજકોટ, તરઘડી,પોલીસ હેડ ક્વાર્ટર, ચૌધરી હાઇસ્કૂલ, મનપા કચેરી ખાતે કરાયું ધ્વજવંદન
દામ કામ, પર દમ ઝ્યાદા
દુનિયા ગુણવત્તા સ્વીકારે છે. આપણી ગુણવત્તા શ્રેષ્ઠ હોવી જોઈએ. સરકાર કાચા માલની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે પણ પ્રયાસો કરી રહી છે. ઉત્પાદન ક્ષેત્ર સાથે સંકળાયેલા આપણે બધાએ એક મંત્ર અપનાવવો જોઈએ: ‘દામ કામ, પર દમ ઝ્યાદા’. ભારતમાં બનેલા ઉત્પાદનો, ભારતના નાગરિકોની મહેનતથી બનેલા, આપણી માટીની સુગંધથી રંગાયેલા, આત્મનિર્ભરતાના સંકલ્પને મજબૂત બનાવતા- આપણે ફક્ત તે જ ખરીદીશું, ફક્ત તે જ વાપરીશું અને તે દિશામાં આગળ વધીશું. આ આપણો સામૂહિક સંકલ્પ હોવો જોઈએ.
સ્થૂળતાની સમસ્યા, લોકોએ ઘરોમાં તેલનો ઉપયોગ 10% ઘટાડવો જોઈએ
સ્થૂળતા આપણા દેશ માટે એક મોટો પડકાર બની રહી છે. નિષ્ણાતોનો અંદાજ છે કે આવનારા વર્ષોમાં દર ત્રણમાંથી એક વ્યક્તિ સ્થૂળતાથી પ્રભાવિત થશે. આપણે પોતાને સ્થૂળતાથી બચાવવા પડશે. તેથી દરેક વ્યક્તિએ આમાં ભાગ લેવો પડશે, અને મેં એક નાનો ઉકેલ સૂચવ્યો. પરિવારોએ નક્કી કરવું જોઈએ કે જ્યારે રસોઈ તેલ ઘરમાં આવશે, ત્યારે તેઓ 10% ઓછું તેલ વાપરશે. આમ કરવાથી આપણે સ્થૂળતા સામેની લડાઈ જીતવામાં યોગદાન આપીશું.
આપણી પાસે આપણું પોતાનું મેડ ઇન ઇન્ડિયા જેટ એન્જિન હોવું જોઈએ
‘ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા ISS થી પાછા ફર્યા છે. તેઓ પોતાની તાકાત પર અવકાશમાં આગળ વધી રહ્યા છે. ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન પણ હશે, ભારત તેના પર કામ કરી રહ્યું છે. 140 કરોડ ભારતીયો 2047માં વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. આજે ભારત દરેક ક્ષેત્રમાં એક આધુનિક ઇકોસિસ્ટમ બનાવી રહ્યું છે. આ આપણને દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવશે. હું આપણા યુવાનો, પ્રતિભાશાળી યુવાનો, દરેક વિભાગને અપીલ કરું છું કે આપણી પાસે આપણું પોતાનું મેડ ઇન ઇન્ડિયા જેટ એન્જિન હોવું જોઈએ.’
