રાજકોટના લોકમેળો ‘સાફ’ રાખવા 260 સફાઇ કામદારોની ફૌજ ઉતરશે : 2 JCB, 4 ડમ્પર અને 10 મીની ટીપરવાન તૈનાત રખાશે
આજથી રાજકોટનો ભાતીગળ લોકમેળો કે જેને આ વર્ષે ‘શૌર્યનું સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે તેનો ઉત્સાહભેર પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં સફાઈનું પણ પૂરતું ધ્યાન રાખવા માટે મહાપાલિકા દ્વારા રાઉન્ડ ધ ક્લોક સફાઈ થઈ શકે તે માટે 260 સફાઈ કામદારોની ફૌજ ઉતારવામાં આવશે એવું જાહેર કરવામાં આવ્યું છે.

પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીના જણાવ્યા પ્રમાણે આજથી તા.15 ઓગસ્ટ સુધી લોકમેળામાં સફાઈનું ઝીણામાં ઝીણું ધ્યાન રાખવામાં આવશે. તંત્ર દ્વારા ફુલ ટાઈમ સફાઈ કામદારો કે જે 260 જેટલી સંખ્યામાં તૈનાત રખાશે. આ ઉપરાંત બે જેસીબી, ચાર ડમ્પર, દસ મીની ટીપર વાનને પણ તૈનાત રાખવામાં આવશે.
આ પણ વાંચો : તહેવાર પર રાજકોટમાં ઠલવાય તે પહેલાં 26 લાખનો દારૂ-બીયર પકડાયો : ગોવાથી જથ્થો રાજકોટ આવી રહ્યો’તો
બીજી બાજુ મેળા દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી હોય વરસાદ પડે અને ગારો થાય એટલે તુરંત જ મોરમ પાથરી રસ્તો સમથળ કરવા, કિચડ સાફ કરવા માટે સ્ટાફને ભારપૂર્વક સુચના આપવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ સુ કરવો પણ જરૂરી છે કે દર વર્ષે આ પ્રકારે મહાપાલિકા દ્વારા મેળાની સફાઈ માટે સ્ટાફ તેમજ સાધનો તૈનાત કરવામાં આવે છે પરંતુ જેવો મેળો શરૂ થાય એટલે કચરાનો મેળો પણ જામવા લાગતો હોય તંત્રના દાવાની હવા નીકળ્યા વગર રહેતી નથી!
