મોદી આગામી મહિને અમેરિકા જશે: ટ્રમ્પ સાથે ચર્ચાની તૈયારી, ઝેલેન્સ્કી સહિતના નેતાઓ સાથે પણ કરશે મુલાકાત
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાના સત્રમાં ભાગ લેવા અમેરિકાની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન, મોદી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠક યોજીને વેપાર સંબંધોમાં ચાલી રહેલા તણાવને ઉકેલવાનો પ્રયાસ કરશે. આ બેઠક ભારત-અમેરિકા સંબંધોમાં તાજેતરના વણસેલા સંજોગોને ધ્યાનમાં રાખીને ખૂબ મહત્વની માનવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ સાથેની બેઠક ઉપરાંત, વડાપ્રધાન મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સહિત અન્ય વૈશ્વિક નેતાઓ સાથે પણ ઉચ્ચસ્તરીય ચર્ચા કરશે. યુએનજીએનું સત્ર ન્યૂયોર્ક શહેરમાં સપ્ટેમ્બર મહિનામાં યોજાશે, જેમાં વિશ્વના નેતાઓ 23 સપ્ટેમ્બરથી આવવાનું શરૂ કરશે. મોદીનું યુએનજીએમાં ભાષણ 26 સપ્ટેમ્બરના રોજ સવારે નક્કી થયું છે, જ્યારે ટ્રમ્પ 23 સપ્ટેમ્બરે ભાષણ આપશે.

આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપારી સંબંધોમાં તણાવ વધ્યો છે. ટ્રમ્પે ભારતના ઉચ્ચ ટેરિફ અને રશિયન તેલની ખરીદીને કારણે ભારતીય ચીજવસ્તુઓ પર 50% ટેરિફ લાદ્યા છે, જેમાં 25% ટેરિફ 7 ઓગસ્ટથી અમલમાં આવ્યા છે અને બાકીના 25% 27 ઓગસ્ટથી લાગુ થશે. આ ટેરિફને લઈને ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે અને રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવાની વાત કરી છે. ભારતે અમેરિકા પર પણ રશિયાથી યુરેનિયમ, રસાયણો અને ખાતરની ખરીદીનો આરોપ લગાવ્યો છે, જેનાથી બંને દેશો વચ્ચે વિવાદ વધ્યો છે. આ મુદ્દાઓને ઉકેલવા માટે બંને દેશોના અધિકારીઓ 27 ઓગસ્ટ પહેલા તીવ્ર વાટાઘાટો કરી રહ્યા છે.
આ પણ વાંચો : ACBના ‘રડાર’માં આવેલા રાજકોટ મહાપાલિકાના ઈજનેરનો 2.31 કરોડના ટેન્ડરમાં કી-રોલ, જાણો શું છે સમગ્ર મામલો

ટ્રમ્પને ભારત આવવાનું આમંત્રણ આપશે
આ મુલાકાત દરમિયાન, જો મોદી-ટ્રમ્પ બેઠક સફળ રહેશે, તો મોદી ટ્રમ્પને ઓક્ટોબરમાં ભારતમાં યોજાનારા ક્વાડ સમિટ માટે આમંત્રણ આપી શકે છે, જેમાં ઓસ્ટ્રેલિયા અને જાપાન પણ સામેલ છે. આ મુલાકાતનો એક મહત્વનો મુદ્દો રશિયા-યુક્રેન યુદ્ધ પણ રહેશે. મોદીએ તાજેતરમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને ઝેલેન્સ્કી સાથે ફોન પર વાતચીત કરી છે, અને ભારતે આ યુદ્ધના ઉકેલની હિમાયત કરી છે. ટ્રમ્પ પણ 15 ઓગસ્ટે પુતિન સાથે અલાસ્કામાં યુદ્ધના ઉકેલ માટે ચર્ચા કરવાના છે, જેના પર ભારત નજર રાખી રહ્યું છે. આ મુલાકાત ટેરીફ અને રશિયન તેલ ની ખરીદીને કારણે ખરડાયેલા ભારત-અમેરિકા સંબંધોને ફરીથી મજબૂત કરવાની દિશામાં એક મહત્વનું પગલું હોઈ શકે છે
