આજે ‘શૌર્યનું સિંદૂર’ લોકમેળો રાઘવજી પટેલના હસ્તે ખુલ્લો મુકાશે : રૂ.8 કરોડનું વીમા કવચ, દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
આ વર્ષે અનેક વિઘ્નો વચ્ચે લોકમેળામાં પ્રથમ વખત જ અનેક સ્ટોલ ખાલી રહ્યા છે ત્યારે આજથી રેસકોર્સ મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર સાથે રાજ્યના કૃષિમંત્રીના હસ્તે ઉદઘાટન બાદ પાંચ દિવસીય શૌર્યનું સિંદૂર લોકમેળો પ્રજા માટે ખુલ્લો મુકાશે.લોકમેળાના ઉદઘાટન પૂર્વે બુધવારે રાજકોટ જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓએ લોકમેળાનું નિરીક્ષણ કરવાની સાથે મોકડ્રિલ પણ યોજી તંત્રની સજ્જતા ચકાસી હતી.

શહેરના રેસકોર્સ મેદાન ખાતે આજથી પાંચ દિવસીય લોકમેળાનો શુભારંભ થશે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે લોકમેળાને શૌર્યનું સિંદૂર નામકરણ થયું છે.આ વર્ષે લોકમેળામાં ખાણીપીણીના નાના 6 અને મોટા 46 સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે, આઈસ્ક્રીમના 16 અને રમકડાના 110 સ્ટોલ મેળામાં છે. સાથે જ મોતના કુવા સહિત મનોરંજન માટે નાની ચકરડીના 12 , મધ્યમ ચકરડીના 3 અને મોટી સાઈઝના ફજર-ફાળકા માટે 36 જેટલી યાંત્રિક રાઇડ્સ રાખવામાં આવી છે. લોકોના મનોરંજન માટે રોજ બપોરે 3.45 થી લઈને રાતે 10 વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત જામશે. જેમાં અઘોરી ગ્રૂપ, અલ્પાબેન પટેલ, રાજદાન ગઢવી સહિતના જાણીતા કલાકારોના મુખ્ય કાર્યક્રમો યોજાશે.
આ પણ વાંચો : આજથી રેસકોર્સની નવી ઓળખ : વોઈસ ઓફ ડે ‘સિંહ સર્કલ’
લોકમેળાની વ્યવસ્થા
- સહેલાણીઓ માટે 6 એન્ટ્રી-એક્ઝિટ ગેઇટ
- 16 -વોચ ટાવર
- કંટ્રોલરૂમ-04
- એક ઇમરજન્સી રૂટ-1
- 1640 પોલીસ જવાન તૈનાત રહેશે
- 100 સફાઈ કામદાર
- 400 રેવન્યુ કર્મચારીઓ
- 18-એનડીઆરએફના જવાન
- 22 -SDRFના જવાન
- 4 – એમ્બ્યુલન્સ
- રૂ.8 કરોડનું વીમા કવચ
તમામ ડોક્યુમેન્ટ રજૂ કરનાર રાઇડસ સંચાલકોને મંજૂરી અપાશે : DCP ક્રાઇમ
એસઓપી પાલન મુદ્દે વિવાદના ચકડોળે ચડેલા લોકમેળામાં રાજ્ય સરકાર દ્વારા ફાઉન્ડેશનના નિયમોમાં છૂટછાટ આપ્યા બાદ પણ બુધવારે મોડીસાંજ સુધી રાઈડસની મંજૂરીને લઈ રાઈડસ સંચાલકોની દોડધામ ચાલુ રહી હતી. લોકમેળામાં રાઈડસની મંજૂરીને લઈ ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જે જે રાઈડસ સંચાલકો પૂરતા ડોક્યુમેન્ટ રજૂ કરશે તેમને મંજૂરી આપવામાં આવશે.બુધવારે સાંજના સમયે લોકમેળા મેદાન ખાતે રાઈડસ સંચાલકો, પોલીસ અને માર્ગ અને મકાન વિભાગ યાંત્રિકના અધિકારીઓ સાથે બેઠક પણ યોજાઈ હતી.આજે બપોર સુધીમાં રાઈડસની મંજૂરી અંગેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે.
આ પણ વાંચો : રાજકોટના લોકમેળામાં જવાના હોય તો ખાસ વાંચજો : આ 14 સ્થળે તમે મફતમાં પાર્કિંગ કરી શકશો, જુઓ વાહનો માટે ચાલુ-બંધ રસ્તાનું લિસ્ટ
લોકમેળામાં પાંચ કવીક રિસ્પોન્સ ટીમ તૈનાત રહેશે : કલેકટર
રાજકોટમાં આજથી પાંચ દિવસ માટે શરૂ થઇ રહેલા શૌર્યનું સિંદૂર લોકમેળામાં લોકોની સુરક્ષા માટે પ્રથમ વખત જ કવીક રિસ્પોન્સ ટીમને તૈનાત કરવામાં આવી રહી હોવાનું જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું. તેમને ઉમેર્યું હતું કે, લોકમેળામાં ભીડ નિયંત્રણ અને પરિસ્થિતિ ઉપર નજર રાખવા પાંચ વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા છે.આ તમામ વોચ ટાવર નીચે એક કવીક રિસ્પોન્સ ટીમ તૈનાત હશે જેમાં એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ, ફાયર અને હેલ્થના કર્મચારીઓ હશે જે ત્વરિત કાર્યવાહી કરશે. સાથે જ લોકમેળામાં આંતરિક રસ્તાઓ પહોળા રાખી એમ્બ્યુલન્સ, ફાયર તેમજ પોલીસ વાહનોને પસાર થવા માટે ખાસ બેરિકેટિંગ વાળો રસ્તો રાખવામાં આવશે.

લોકમેળાના પ્રારંભ પૂર્વે જ રાઈડસ ધારકોનું દબાણ સામે આવ્યું
રેષકોર્ષ મેદાન ખાતે મેળાની તૈયારીઓના નિરીક્ષણ સમયે જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશના ધ્યાને આવ્યું હતું કે, કેટલાક રાઈડસ ધારકોએ રસ્તા ઉપર દબાણ કરી લીધું હોય આવાગમનનો રસ્તો સાંકળો થઇ ગયો હોવાથી જવાબદાર તંત્રને તાત્કાલિક અસરથી દબાણ દૂર કરવા માટે દોડાવ્યા હતા.
લોકમેળાના શુભારંભ પૂર્વ જ આગ લાગી, મોકડ્રિલ
રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાતા પાંચ દિવસીય ભાતીગળ લોકમેળાના ઉદઘાટન પૂર્વે જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓએ બુધવારે મેળાની તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું આ વેળાએ એક યાંત્રિક રાઈડસમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડ સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. જો કે, બાદમાં સમગ્ર ઘટના મોકડ્રિલ હોવાનું જાહેર કરાતા સંબંધિત વિભાગોએ રાહત અનુભવી હતી.
લોકમેળા મેદાનમાં ગારા-કીચડ ન થાય તે માટે કપચી નંખાઈ
મંગળવારે પોણો ઈંચ વરસાદમાં જ લોકમેળાના મેદાનમાં અનેક સ્થળોએ પાણી ભરાઈ જવાની સાથે જ ઠેક ઠેકાણે ગારા કીચડનું સામ્રાજ્ય છવાઈ જતા જિલ્લા કલેકટર દ્વારા તાત્કાલિક અસરથી લોકમેળામાં જ્યાં જ્યાં પાણી ભરાઈ છે તેવા સ્થળોએ કપચી ગ્રીટ પાથરી લોકોને મેળો મહાલવામાં મુશ્કેલી ન પડે તે અંતે ત્વરિત કાર્યવાહી કરી હતી.
