રાજકોટ નજીક 37 લાખની લૂંટ થતા પોલીસમાં દોડધામ : આંગડિયા પેઢીના કર્મીએ નોંધાવી ફરિયાદ, આવી રીતે ફૂટ્યો ભાંડો
રાજકોટમાં આજથી જન્માષ્ટમી પર્વની ઉજવણી શરૂ થઈ ચૂકી છે બરાબર ત્યારે જ રાજકોટની ભાગોળે આંગડિયા પેઢીના માલિકને આંતરી 37 લાખની લૂંટનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા દોડધામ થઈ પડી હતી. જસદણ સ્થિત કે.મહેન્દ્ર આંગડિયા પેઢીના કર્મચારીને ત્રંબાથી થોડે જ દૂર આંતરીને ત્રણ શખસો લૂંટી ગયા હોવાની કેફિયતના આધારે ક્રાઈમ બ્રાન્ચે રાજકોટથી જસદણ સુધીના સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં ફરિયાદી રૂપિયા ભરેલો થેલો લઈ પોતાની કારમાં બેસતો જોવા મળ્યો હતો.ફરિયાદીના જણાવ્યા પ્રમાણે લૂંટારુઓ દ્વારા કોઈ પ્રકારનો હુમલો કર્યા વગર જ લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત અપાતા પોલીસને તે મુદ્દો થોડો શંકાસ્પદ લાગ્યો હતો. ત્યારે આ મામલે મોટો ખુલાસો થયો છે. આંગણિયા પેઢીનો કર્મચારી જગદીશ ચૌહાણે પોતેજ આ લૂંટનું ષડયંત્ર રચ્યું હતું.

શું છે સમગ્ર મામલો?
બુધવારે બપોરના સમયે જસદણમાં આંગડિયા પેઢીના કર્મચારી જગદીશભાઈ ચૌહાણ પોતાની પેઢીથી 37 લાખની રોકડ ભરી રાજકોટ તે પૈસાની ડિલિવરી કરવા માટે પોતાની સફેદ કલરની એસન્ટ કારમાં નીકળ્યા હતા. જગદીશભાઈ ત્રંબા ગામથી થોડે જ દૂર આવેલા ભારત પેટ્રોલિયમના પેટ્રોલપંપ પાસે પહોંચ્યા ત્યારે અચાનક જ કાળા રંગની ગાડી ઘસી આવી હતી જેમાંથી ત્રણ લોકોએ ઉતરી જગદીશભાઈની ગાડીને અટકાવી હતી અને ક્ષણભરમાં 37 લાખ ભરેલો થેલો લઈ પલાયન થઈ ગયા હતા. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે લૂંટારુઓ દ્વારા કોઈ પ્રકારનો હુમલો કર્યા વગર જ લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત અપાતા પોલીસને તે મુદ્દો થોડો શંકાસ્પદ લાગ્યો હતો ત્યારે આ મામલે ચોંકાવનારી હકીકત સામે આવી છે જગદીશભાઈએ પોતાના પર લૂંટ થવાનો નાટક રચી, લૂંટારૂં તરીકે ત્રણે શખ્સોની મદદથી 37 લાખની રોકડ રકમ લૂંટી હતી. પોલીસે લૂંટમાં સામેલ અન્ય આરોપીઓની પણ ઓળખ કરી લીધી છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો : રાજકોટના લોકમેળામાં જવાના હોય તો ખાસ વાંચજો : આ 14 સ્થળે તમે મફતમાં પાર્કિંગ કરી શકશો, જુઓ વાહનો માટે ચાલુ-બંધ રસ્તાનું લિસ્ટ
ફરિયાદી દ્વારા ગોળ ગોળ જવાબ આપતા પોલીસને શંકાસ્પદ જણાયું
આ ઉપરાંત ફરિયાદી દ્વારા ગોળ ગોળ જવાબ આપવામાં આવી રહ્યા હોવાથી તે પણ પોલીસને શંકાસ્પદ જણાયું હતું આમ છતાં ફરિયાદીને સાથે રાખી ક્રાઈમ બ્રાન્ચની ટીમ જસદણ દોડી ગઈ હતી અને આંગડિયા પેઢી કે જ્યાંથી પૈસા લઈને નીકળ્યા અને જ્યાં લૂંટનો બનાવ બન્યો ત્યાં સુધીના કેમેરા ચકાસવાનું શરૂ કર્યું હતું. બપોરે બનેલા આ બનાવની મોડી સાંજ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ ન્હોતી પરંતુ પોલીસે તમામ મુદ્દાને આવરી લઈ ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ હતી. વળી, રાજકોટમાં આ પૈસા જેને ડિલિવરી કરવાના હતા તેની પણ પૂછપરછ કરવામાં આવી હતી.પોલીસે પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ વાતો જણાઈ આવતા જગદીશને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. કડક પુછતાછ બાદ તેણે કબૂલ્યું હતું કે, નાણાંની તંગી અને ધિરાણ ભરવાના દબાણને કારણે તેણે લૂંટનું ષડયંત્ર રચ્યું હતું.
આ પણ વાંચો : રાજકોટ કલેક્ટરે લોકમેળામાં આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે યોજી મોકડ્રિલ : સ્થળ ચકાસણી કરી તૈયારીઓની સમીક્ષા કરી
તહેવારે ટાણે 37 લાખ જેવી માતબર રકમની લૂંટનો બનાવ બનતા લોકોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. તપાસમાં એવો પણ ખુલાસો થયો હતો કે રૂના પૈસાની ચૂકવણી બાબતે વેપારી દ્વારા આંગડિયા પેઢીમાં હવાલો પાડવામાં આવ્યો હતો. લૂંટ થયાનું ધ્યાન પર આવતાં જ DCP સજનસિંહ પરમાર, ACP (ક્રાઈમ) બી.બી. બસીયા, બી.વી.જાદવ, આજીડેમ પીઆઈ એ.બી. જાડેજા, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.એલ.ડામોર, આજીડેમ પીએસઆઈ જે.જી.રાણા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. આ મામલે પોલીસે જગદીશની આગવી સ્ટાઇલથી પૂછપરછ કરી અને જગદીશને નાણાંની જરૂરિયાત હોવાથી લૂંટનું નાટક કર્યાનું કબૂલ્યું હતું.
