પેંડાથી બકલાવા સુધી: રક્ષાબંધન પર રાજકોટમાં 10 કરોડની મીઠાઈનું વેચાણ! ડ્રાયફ્રૂટ્સ સ્વીટ્સ,ચોકો પીઝા, ઘેવરની વધુ ડિમાન્ડ
રક્ષાબંધનના તહેવારે આ વર્ષે મીઠાઈના વેચાણે ગત વર્ષની તુલનામાં સારી એવી માંગ છે. સ્વીટ વેપારીઓના જણાવ્યા મુજબ માત્ર એક જ દિવસે અંદાજે 10 કરોડ રૂપિયાની મીઠાઈનું વેચાણ થયું. શહેરભરમાં મીઠાઈની દુકાનો પર ભાઈ-બહેન અને પરિવારોની ભારે અવરજવર જોવા મળી હતી.
આ પણ વાંચો : બોગસ વિઝાનું રેકેટ પકડાયું : ATSએ 4 ભેજાબાજોને દબોચ્યા, એમ્બેસીમાં તપાસ કરાવાતા ખૂલ્યું સમગ્ર કારસ્તાન
શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ તહેવારોની મોસમ શરૂ થઈ જાય છે. ભાઈ-બહેનના સ્નેહ અને લાગણીનું પ્રતિક એવા રક્ષાબંધનમાં પરંપરાગત પેંડા સાથે બીજી મીઠાઈઓનું પણ ચલણ વધી રહ્યું છે. રાજકોટના યુફ્રેશના કલ્પેશભાઈ ડોબરીયાએ જણાવ્યું કે, બહેનને આપવામાં આવતી ડ્રાય મીઠાઈ ઉપરાંત પરિવારીક જમણવારમાં શ્રીખંડ, મઠો અને બાસુંદી જેવી લિક્વિડ મીઠાઈઓની માંગ ખાસ વધી છે. તેમણે કહ્યું કે, સિઝન ચોખ્ખી હોવાથી આ વર્ષે બંને પ્રકારની મીઠાઈની ખપતમાં સરસ એવો વધારો થયો છે. ખાસ કરીને ડ્રાયફ્રૂટ્સવાળી નવીન મીઠાઈઓ જેમ કે ડ્રાયફ્રૂટ લાડુ, અંજીર રોલ અને કાજુ-પિસ્તા બર્ફીને લોકોએ ઉત્સાહપૂર્વક પસંદ કરી છે.
યુફ્રેશ દ્વારા બહેનો માટે ખાસ પેંડા પર ડિસ્કાઉન્ટ ઓફર મુકવામાં આવી હતી, જેને ગ્રાહકો તરફથી ઉમદા પ્રતિસાદ મળ્યો.ઘણા લોકોએ પૂર્વ-બુકિંગ પણ કરાવ્યું હતું.એસ.એસ. સ્વીટ્સના જગદીશ અકબરીએ જણાવ્યું કે, પેંડા ઉપરાંત એક્ઝોટીકા, ચોકોપિત્ઝા, કાજુ કતરી, બકલાવા, મલાઈ ઘેવર અને રાજસ્થાની મીઠાઈઓની માંગ પણ આ વર્ષે ચઢતી રહી છે. તેમણે ઉમેર્યું કે, રક્ષાબંધનથી શરૂ થયેલી આ મીઠાઈની સિઝન હવે ગણેશ ચતુર્થી, નવરાત્રી અને દિવાળી સુધી ચાલુ રહેશે, જેથી વેપારમાં સતત તેજી રહેવાની શક્યતા છે.
