સદ્દભાવના વૃદ્ધાશ્રમના 251 ભાઈઓની લાડકી બહેન ‘ખુશી’ : કોર્પોરેટ સેકટરની જોબ મૂકીને 6 વર્ષથી વડીલોની કરે છે સેવા
ખુશી..રે..ખુશી…આઈ….ખુશી…રાજકોટનાં 251 ભાઈઓની આ છે લાડકી ખુશી…નામ પણ ખુશી અને જીવન સંધ્યાનો આધાર એવી બહેન પણ ખુશી…આજે ભાઈ બહેનની લાગણી સુતરના તાંતણે બંધાય છે,ત્યારે સદ્દભાવના વૃદ્ધાશ્રમમાં રહેતાં 251 ભાઈઓરક્ષાબંધન માત્ર લોહીનો સંબંધ નહીં પરંતુ લાગણીઓનો તાંતણો છે, તેનો જીવંત દાખલો છે રાજકોટની ખુશી પટેલ. 6 વર્ષથી તેઓ સદ્દભાવના વૃદ્ધાશ્રમના 251 વડીલ ભાઈઓને પોતાની સગાભાઈ જેવી સ્નેહપૂર્વક રાખડી બાંધે છે.

ભાઈઓની લાડકી બહેન એટલે ખુશી પટેલ,6 વર્ષથી આ બહેન પહેલાં વડીલ ભાઈઓને રાખડી બાંધે છે ત્યારબાદ પોતાનાં સગા ભાઈને રાખડી બાંધવા માટે જાય છે.આજે રાખીનું પર્વ છે,બહેન ભાઈની રક્ષા માટે રાખડી બાંધી તેના માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે,જ્યારે રાજકોટનાં સદ્દભાવના વૃદ્ધાશ્રમમાં 250 થી વધુ વડીલ ભાઈઓ રહે છે.જેમાં અનેક વડીલોને બહેન નથી તો અમુક ભાઈઓની બહેનો વયસ્થ હોવાથી આવી શકતાં નથી,રક્ષાબંધનનાં પર્વ પર ભાઈઓની કલાઈ ખાલી ન રહેવી જોઈએ,એવું વિચારીને આ વૃદ્ધાશ્રમમાં સેવા આપતાં ખુશી પટેલએ રાખડી બાંધવાનું શરૂ કર્યું તો વડીલો ભાઈઓની આંખમાં ખુશીનાં આંસુ સરી પડ્યા ને એક નાનકડી બહેનનો સંબંધ આ સુતરનાં તાંતણે બંધાઈ ગયો.

સંચાલક વિજયભાઈ ડોબરીયાએ કહ્યું કે,અમે દરેક તહેવારો ધામધૂમથી ઉજવીએ છીએ,જેથી વડીલોને પણ પોતાનાં ઘરે જ ઉજવણી કરતાં હોય એવો આનંદ આવે.જ્યારે રક્ષાબંધનની તો રાહ જોઈને ભાઈઓ બેઠા હોય છે. ખુશીબેન રાખડી બાંધે તો ભાઈઓ તેને માટે સરસ ભેટ પોતાને હાથે બનાવતાં હોય છે.ખુશીબેન ક્યારેક દીકરી,ક્યારેક બહેન તો ક્યારેક દાદી પણ બની જાય અને વડીલો માને નહિ તો કાલાવાલા કરીને સમજાવી દે છે.અમારાં આ માતા પિતાની સવાર ખુશીનાં નામ થી શરૂ થાય છે.

કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરી ચુકેલી ખુશી પટેલને કંઈક એવાં ક્ષેત્રમાં કામ કરવું હતું જ્યાં સેવા અને સંતોષ મળે કે લોકો માટે કંઈક કરી રહી છે.પુત્રનાં જન્મ પછી ખુશીને જે તક જોઈતી હતી એ મળી ગઈ ને 6 વર્ષથી સદ્દભાવના વૃદ્ધાશ્રમનાં ત્રણેય આશ્રમમાં સુપેરે કામગીરી નિભાવે છે.સવારે પોતાનાં પરિવારનું કામ પૂરું કરી સેવા માટે પહોંચી જાય,તે કહે છે કે મારા હસબન્ડ, સાસુ અને સસરાનો સહયોગ છે એટલે જ મારું મનગમતું કામ કરી શકું છું.
આ પણ વાંચો : પેંડાથી બકલાવા સુધી: રક્ષાબંધન પર રાજકોટમાં 10 કરોડની મીઠાઈનું વેચાણ! ડ્રાયફ્રૂટ્સ સ્વીટ્સ,ચોકો પીઝા, ઘેવરની વધુ ડિમાન્ડ
આજે રક્ષાબંધન પર સવારે 251 ભાઈઓને વહેલી સવારે તિલક કરી મીઠું મોં કરાવી વિધિવત પૂજા કરી રાખડી બાંધે છે.આ ભાઈઓ પ્રત્યેની લાગણી વ્યક્ત કરતાં ખુશી કહે છે કે,આજનાં દિવસે હાથ પર રાખડી ન હોય તો કેવું લાગે..!! એ લોકોનાં ચહેરા કરમાઈ ગયા હોય..બસ ત્યારે વિચાર્યું કે આ બધા જ ભાઈઓને હું રાખડી બાંધીશ.આખો દિવસ મારે રક્ષાબંધનમય બની જાય છે. ક્યારેક તો આ મારા ભાઈઓ પહેલાં હું રાખડી બંધાવું…!! નાના બાળકોની જેમ લડી પડે છે.ત્યારે મને મારા નિર્ણય માટે ખુશી થાય છે કે ઘણી બહેનો પાસે એક ભાઈ નથી ત્યારે મારી પાસે 251 જેટલા ભાઈઓ છે.
