Gandhinagar: દેશના સૌથી મોટા ‘ડિજિટલ અરેસ્ટ’ કાંડનો મામલો : ગુજરાતીઓ સહિત 100થી વધુ ભારતીયોની કંબોડિયામાં ધરપકડ
ગાંધીનગરના એક મહિલા ડોક્ટરને 123 દિવસ જેટલા લાંબા સમય સુધી ડિજીટલ એરેસ્ટ કરીને 19 કરોડથી વધુ રકમ પડાવવાના મામલાની તપાસમાં એક મોટા આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી અને સાયબર ક્રાઇમ કેસનો પર્દાફાશ થયો છે. કંબોડિયાના અધિકારીઓએ ચીની સિન્ડિકેટ દ્વારા સંચાલિત ગેરકાયદેસર કોલ સેન્ટરોમાં કામ કરવા માટે ફરજ પાડવામાં આવેલા 100થી વધુ ભારતીય નાગરિકોની અટકાયત કરી છે.
ભારતીય અધિકારીઓએ ચીની માસ્ટરમાઇન્ડ્સને શોધવા માટે ઇન્ટરપોલની મદદ માંગી છે. તેઓ કંબોડિયામાં ધરપકડ કરાયેલા લોકોને પ્રત્યાર્પણ કરવા માટે પણ કામ કરી રહ્યા છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ સાથે મળીને કામ કરતી ગુજરાત સીઆઈડી ક્રાઈમ માને છે કે આ ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું ડિજિટલ ખંડણી રેકેટ હોઈ શકે છે.આ તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ જોડાયું છે.

ગુજરાત પોલીસે વિદેશ મંત્રાલય સાથે મહત્વપૂર્ણ ગુપ્ત માહિતી શેર કર્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. કંબોડિયામાં જેની અટકાયત કરવામાં આવી છે તેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીના લોકો છે. આ તમામને ઉચ્ચ પગારવાળી નોકરીના વચનો આપીને કંબોડિયા લાવવામાં આવ્યા હતા.
સીઆઈડી ક્રાઈમનાં એક સીનીયર અધિકારીએ કહ્યું કે, કૌભાંડકારોએ સોશિયલ મીડિયાની પ્રોફાઈલના આધારે પોતાના લક્ષ્ય નક્કી કર્યા હતા. આવા લોકોની ઓળખ કંબોડિયામાં ભારતીય અમલીકરણ અધિકારી તરીકે આપવામાં આવતી હતી. આ તમામે પોતાના શિકારને સમજાવ્યા હતા કે તેમણે ભવિષ્યમાં ગંભીર ગુનાનો સામનો કરવો કરવો પડી શકે છે. આવા લોકો જો શિકાર કરવામાં સફળ થાય તો તેમને પગાર ઉપરાંત કેટલાક ઇન્સેન્ટીવ પણ આપવામાં આવતા હતા. ઘણા લોકોએ ડિજીટલ એરેસ્ટથી બચવા માટે મોટી રકમ ચૂકવી પણ હતી.
આ પણ વાંચો : ગલવાન અથડામણ બાદ પહેલીવાર ચીન જશે PM મોદી : SCO સમિટમાં લેશે ભાગ, ટ્રેમ્પની ટેરિફની ધમકીઓ વચ્ચે વડાપ્રધાનનો મોટો નિર્ણય
આ કૌભાંડ સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના પ્રી-એક્ટિવેટેડ ભારતીય સિમ કાર્ડ્સ પર આધારિત હતું. આ વિસ્તારોમાંથી ખરીદેલા સીમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો અને જેનો શિકાર કરવાનો હોય તેને ફોન વિદેશથી કરતા હતા પરંતુ તેને નંબર સ્થાનિક દેખાતો હતો.
આ પણ વાંચો : સિરાજને ઇંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શનનો થયો ફાયદો : ક્રિકેટર કારકિર્દીના શ્રેષ્ઠ રેન્કિંગ પર પહોંચ્યો, જયસ્વાલને થયો ફાયદો તો ગિલને નુકસાન
એક અધિકારીએ કહ્યુ કે, સ્થાનિક નંબર જોઇને જે વિકટીમ છે તેને વિશ્વાસ બેસતો હતો અને તે ફસાઈ જતો હતો. આ અંગે ફરિયાદો ઉઠ્યા બાદ પોલીસે નંબર ટ્રેસ કરવાનો પ્રયાસ કર્યો તો બધા સીમ બંધ કરી દેવામાં આવ્યા હતા અને ફેંકી દેવામાં આવ્યા હતા.તપાસમાં જાણવા મળ્યું કે રાજ્યના સ્થાનિક બેંક ખાતાધારકો વચેટિયાઓ દ્વારા સિન્ડિકેટને તેમના ખાતા “ભાડે” આપતા હતા. તેઓ થાપણો પર 2% કમિશન મેળવતા હતા. ખાતાધારકોએ ખંડણીમાંથી લીધેલા પૈસા પાછા ખેંચી લીધા અને તેને દિલ્હીની આંગડિયા કંપનીઓને આપી દીધા, જેનાથી ઓડિટ ટ્રેલ તૂટી ગયો.
તપાસકર્તાઓએ આ કંપનીઓને ઓળખી કાઢી છે અને CCTV ફૂટેજ સુરક્ષિત કર્યા છે. ટૂંક સમયમાં વધુ ધરપકડો થવાની છે. ચીનમાં લોન્ડરિંગ કરતા પહેલા દિલ્હીથી જટિલ ક્રોસ-બોર્ડર નેટવર્ક દ્વારા પૈસા ખસેડવામાં આવ્યા હતા.
