સિરાજને ઇંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શનનો થયો ફાયદો : ક્રિકેટર કારકિર્દીના શ્રેષ્ઠ રેન્કિંગ પર પહોંચ્યો, જયસ્વાલને થયો ફાયદો તો ગિલને નુકસાન
ઓવલ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન બાદ, ભારતના ઝડપી ફાસ્ટ મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ નવીનતમ ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ) ટેસ્ટ રેન્કિંગમાં જબરદસ્ત સુધારો કર્યો છે. બંનેને નવીનતમ ICC બોલિંગ રેન્કિંગમાં તેમની કારકિર્દીનો સૌથી મોટો ઉછાળો મળ્યો છે.

સિરાજ ICC ટેસ્ટ રેન્કિંગમાં તેના કારકિર્દીના શ્રેષ્ઠ રેન્કિંગ પર
ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં તેના શાનદાર પ્રદર્શનનો ફાયદો થયો છે અને તે નવીનતમ ICC ટેસ્ટ રેન્કિંગમાં તેના કારકિર્દીના શ્રેષ્ઠ રેન્કિંગ પર પહોંચી ગયો છે. સિરાજે પાંચમી ટેસ્ટ મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું, જેના કારણે તે બોલરોના રેન્કિંગમાં 15મા સ્થાને પહોંચી ગયો છે. સિરાજના દમ પર જ ભારતે છેલ્લી ટેસ્ટ મેચ છ રનથી જીતી હતી, જેના કારણે ભારત શ્રેણી 2-2થી ડ્રો કરવામાં સફળ રહ્યું હતું.

સિરાજે 12 સ્થાનનો ઉછાળો નોંધાવ્યો
સિરાજે પાંચમી ટેસ્ટ મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી, જેના કારણે તે 12 સ્થાનનો ઉછાળો નોંધાવીને 15મા ક્રમે પહોંચ્યો હતો. પાંચમી ટેસ્ટ મેચના છેલ્લા દિવસે ઇંગ્લેન્ડને મેચ અને શ્રેણી જીતવા માટે 35 રનની જરૂર હતી, જ્યારે ભારતને શ્રેણી ડ્રો કરવા માટે 4 વિકેટની જરૂર હતી. ત્યારબાદ સિરાજે જવાબદારી સંભાળી અને 3 વિકેટ લઈને ઇંગ્લેન્ડને જીતતા અટકાવ્યું. અગાઉ, સિરાજની ટેસ્ટ કારકિર્દીનો શ્રેષ્ઠ રેન્કિંગ 16 હતો, જે તેણે આ વર્ષે જાન્યુઆરીમાં હાંસલ કર્યો હતો.

બુમરાહ ટોચ પર યથાવત
વર્કલોડ મેનેજમેન્ટને કારણે શ્રેણીની ત્રણ મેચ રમનાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 889 પોઈન્ટ સાથે રેન્કિંગમાં ટોચ પર છે. પ્રસિદ્ધ ક્રિષ્ના પણ કારકિર્દીના શ્રેષ્ઠ 59મા રેન્કિંગ પર પહોંચી ગયો છે.
આ પણ વાંચો : વાહન વીમો, ડ્રાઈવિંગ લાયસન્સ-સ્પીડ લિમિટ માટે આવશે નવા નિયમો : ઇન્સ્યોરન્સ વગર વાહન ચલાવશો તો 5 ગણા દંડની જોગવાઈ
યશસ્વી ટોપ 5માં પાછો ફર્યો
બેટ્સમેનોમાં, ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ ઓવલ ટેસ્ટમાં સદી ફટકારીને ટોચના પાંચમાં ફરી પ્રવેશ કર્યો છે. યશસ્વી ત્રણ સ્થાનના સુધારા સાથે પાંચમા સ્થાને પહોંચી ગયો છે.ઓવલ સેન્ચુરિયન યશસ્વી જયસ્વાલ 792 રેટિંગ પોઈન્ટ સાથે ત્રણ સ્થાન ઉપર આવી ગયા છે, જ્યારે રમતના અન્ય સેન્ચુરિયન જો રૂટ અને હેરી બ્રુક ICC મેન્સ ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં પ્રથમ બે સ્થાન પર મજબૂત રીતે યથાવત છે. કેન વિલિયમસન ત્રીજા નંબરે છે અને સ્ટીવ સ્મિથ ચોથા ક્રમે છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલ ટોપ 10માંથી બહાર થઈ ગયો છે. તે હવે 13મા ક્રમે આવી ગયો છે.
