સરકારનું મફત અનાજ મેળવતા માલદારોનો ભાંડો ફૂટ્યો : રાજકોટમાં 1 લાખ ધનિકો મેળવે છે મફતના ઘઉં-ચોખા
પાણીદાર કરોડો રૂપિયાની જમીન હોય, કરોડો-અબજોના કારખાના હોય, મોટા-મોટા શોરૂમ હોય અને ઇન્કમટેક્સ તેમજ જીએસટી રિટર્ન ભરતા હોય તો પણ સરકાર તરફથી મફત મળતા અનાજનો લાભ લેતા હોય તેવા રેશનકાર્ડ ધારકો ઉપર ટૂંક સમયમાં જ તવાઈ ઉતરવાની છે. તાજેતરમાં રેશનકાર્ડની E-KYCની કાર્યવાહી બાદ ભારત સરકારે ગુજરાતમાં 55 લાખ રેશનકાર્ડ ધારકો માલદાર હોવા છતાં એનએફએસએ એટલે કે, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળના રેશનકાર્ડ ધરાવતા હોવાની યાદી તૈયાર કરી ગુજરાત સરકારને તપાસ કરવા આદેશ કરતા રાજ્યભરના પુરવઠા અધિકારીઓ દ્વારા નોટિસો ફટકારવા તજવીજ શરૂ કરી છે. રાજકોટ જિલ્લામાં આવા 1,02,096 રેશનકાર્ડ ધારકો એનએસએફએ યાદીમાં સમાવિષ્ઠ હોય તમામ તાલુકામાં તપાસના આદેશ છૂટયા છે.

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ-2013 (NFSA-2013) હેઠળ નોંધાયેલ લાભાર્થીઓ કે જેઓ જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત વાજબી ભાવે અથવા વિનામૂલ્યે અનાજ મેળવે છે, તેમની ખરાઈ કરવા બાબતે સરકારે સૂચના જારી કરી છે. ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, ઇન્કમટેક્સ વિભાગ, અને GST વિભાગના ડેટા આધારે શંકાસ્પદ લાભાર્થીઓની યાદી તૈયાર કરી છે, જેમાં વાર્ષિક આવક 6 લાખથી વધુ આવક ધરાવતા લોકો તેમજ કંપનીમાં ડાયરેક્ટર તરીકે નોંધાયેલ વ્યક્તિઓની ઓળખ કરી આવા લાભાર્થીઓની ખરાઈ કરવા આદેશ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં આવા 1,02,096 એનએફએસએ રેશનકાર્ડ ધારકો લાભાર્થીની તપાસ માટે તખ્તો ઘડાયો છે.
આ પણ વાંચો : કેશોદ એરપોર્ટ પરથી AB-320 ટાઇપના વિમાનો ઉડાન ભરશે : રનવે 2500 મીટર સુધી લંબાવવામાં આવશે, જાણો કેટલો થશે ખર્ચ
બીજી તરફ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર ચેતનભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે, રેશનકાર્ડ E-KYC થયા બાદ ભારત સરકાર દ્વારા આધારકાર્ડના ડેટાના આધારે રાજ્યમાં 55 લાખ રેશનકાર્ડ ધારકો સસ્પેક્ટેડ હોવાની યાદી મોકલવામાં આવી છે. જે યાદીને આધારે રાજ્યના તમામ જિલ્લામાં જિલ્લા પુરવઠા અધિકારીઓને તેમના જિલ્લામાં નોંધાયેલ એનએફએસએ રેશનકાર્ડ ધારકો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાનો લાભ મેળવે છે કે,કે કેમ તેની ખરાઈ કરવા કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : રાજકોટ એરપોર્ટ પર આજથી ડોમેસ્ટિક કાર્ગો સેવાનો પ્રારંભ: 10,000થી વધુ વેપારીઓ એરલાઇન્સ મારફત મોકલી શકશે પાર્સલ, ઉદ્યોગપતિઓને પણ ફાયદો
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારની આ ઉદારનીતિનો ખોટો લાભ મોટી સંખ્યામાં માલદાર કુટુંબો પણ મેળવી રહ્યા હોવાનું અને ગરીબોના હિસ્સાનું અનાજ મેળવી લઇ બારોબાર રોકડી કરી લેવાની સાથે અનેક કિસ્સામાં માલદાર પરિવારના ઘેર કામ કરતા ચોકીદાર-કામવાળાઓને આવા અનાજનો લાભ આપી સરકારી ચોપડે ગરીબ હોવાનો ઢોંગ કરવામાં આવી રહ્યો છે.જો કે, છેલ્લા બે વર્ષથી રાજ્ય સરકાર દ્વારા તમામ કેટેગરીના રેશનકાર્ડ ધારકોનું E-KYC કરતા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે અને પાત્રતા ધરાવતા ન હોવા છતાં મોટા પ્રમાણમાં લોકો સરકારની યોજનાનો ગેરલાભ લઇ રહ્યા હોવાનું સામે આવતા હાલમાં રાજકોટ જિલ્લામાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
