બાળકોની ભણવાની ઉંમરમાં છૂટછાટ : જુનિયર, સિનિયર કે.જી અને બાલવાટિકા માટે નવા નિયમો લાગુ
રાજ્ય સરકારે પ્રી-પ્રાઇમરી શાળાઓ (ખાનગી શાળાઓ) માં બાળકોને જુનિયર કે.જી., સીનીયર કે.જી અને બાલવાટિકામાં પ્રવેશ માટેની વયમર્યાદામાં ફેરફાર કર્યા છે. સરકારે તમામ ખાનગી પ્રી-પ્રાઇમરી શાળાઓ માટે ફરજિયાત નોંધણી કરાવવાનો અને વાલી શિક્ષણ મંડળ (PTA) ની રચના કરવાનો નિયમ પણ લાગુ કર્યો છે. આ નવા નિયમોનો હેતુ શિક્ષણ પ્રણાલીમાં સુધાર લાવવાનો અને એકસૂત્રતા જાળવવાનો છે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પ્રી-પ્રાઇમરી શાળાઓમાં પ્રવેશ માટે જાહેર કરેલી નવી વયમર્યાદા મુજબ, 4 વર્ષ પૂર્ણ ન કરનાર બાળકને જુનિયર કે.જી., 4 વર્ષ પૂર્ણ કરનાર બાળકને સિનિયર કે.જી., અને 5 વર્ષ પૂર્ણ કરનાર બાળકને બાલવાટિકામાં પ્રવેશ મળશે. આ ઉપરાંત, તમામ ખાનગી પ્રી-પ્રાઇમરી શાળાઓ માટે ₹10,000 રજિસ્ટ્રેશન ફી ભરીને ઓનલાઈન ફરજિયાત નોંધણી કરાવવી પડશે. દરેક શાળાએ 12 સભ્યોનું વાલી શિક્ષણ મંડળ (PTA) બનાવવું અને ત્રિમાસિક બેઠકો યોજવી પણ ફરજિયાત છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 ના સરળ અમલીકરણ માટે રચાયેલી શાળા શિક્ષણ ટાસ્ક ફોર્સ સમિતિની ભલામણોના આધારે, પ્રી-પ્રાઇમરી શાળાઓ માટે નવા અને મહત્વપૂર્ણ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમો ખાસ કરીને બાળકોના પ્રવેશ માટેની વયમર્યાદા અને શાળાઓના સંચાલનને સ્પર્શે છે.

પ્રી-પ્રાઇમરી પ્રવેશ માટે શું ફેરફાર થયા
જુનિયર કે.જી.: જે બાળકોએ 4 વર્ષ પૂર્ણ કર્યા નથી, તેમને જુનિયર કે.જી.માં પ્રવેશ મળશે.
સિનિયર કે.જી.: 4 વર્ષ પૂર્ણ કર્યા હોય, પરંતુ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સિનિયર કે.જી.માં પ્રવેશ મળશે.
બાલવાટિકા : જે બાળકોએ 5 વર્ષ પૂર્ણ કર્યા હોય, પણ 6 વર્ષ પૂર્ણ ન થયા હોય, તેમને નર્સરીમાં પ્રવેશ મળશે.
આ પણ વાંચો : રાજકોટના ફઈ-ભત્રીજી અપહરણ કેસ : એકલી ‘લાપતા’ થઇ હોત તો ભાઈ પૈસા ન આપત એટલે 6 વર્ષની ભત્રીજીને ‘ઢાલ’ બનાવી !
શિક્ષણ વિભાગના અન્ય મહત્વના નિયમો
PTA ની રચના: દરેક શાળાએ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં વાલી શિક્ષણ મંડળ (PTA) ની રચના કરવી પડશે. આ મંડળમાં કુલ 12 સભ્યો હશે, જેમાં ઓછામાં ઓછા 75% સભ્યો વાલીઓ અને શિક્ષકો હશે. આ મંડળની ત્રિમાસિક બેઠક યોજવી અને તેનો રિપોર્ટ તૈયાર કરવો પણ ફરજિયાત છે.
ફરજિયાત નોંધણી: ગુજરાતમાં આવેલી તમામ હાલની અને નવી શરૂ થનારી બિન-અનુદાનિત પૂર્વ-પ્રાથમિક શાળાઓએ ફરજિયાત નોંધણી કરાવવી પડશે. આ માટે, dpe-preprimaryreg.gujarat.gov.in વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરીને અને ₹10,000 ની રજિસ્ટ્રેશન ફી ભરીને નોંધણીનું પ્રમાણપત્ર મેળવી શકાશે.