રાજકોટ સિવિલમાં પ્રસૂતિ દરમિયાન વધુ પડતું લોહી વહી જતા સગર્ભાની હાલત ગંભીર : 17 દિવસની સારવાર બાદ બોટાદની મહિલાને મળ્યું નવજીવન
રાજકોટ સિવિલ હોસ્પિટલ જ્યાં માત્ર રાજકોટના જ નહિ સૌરાષ્ટ્રભરના લોકો સારવાર માટે આવતા હોય છે ત્યારે આજે રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક સરાહનીય કામગીરી સામે આવી છે. તારીખ 14 જુલાઈ,2025ના રોજ બોટાદના 27 વર્ષીય સગર્ભા ગીતા જયદેવભાઈ પ્રસુતિ અર્થે દાખલ થયા હતા. ગાયનેક વિભાગ દ્વારા તે જ રાતે આશરે પોણા દસ વાગ્યે સગર્ભાની પ્રસૂતિ કરવામાં આવી હતી. પ્રસૂતિ દરમિયાન વધુ પડતું લોહી વહી જવાથી સગર્ભાની હાલત અચાનક ગંભીર બની હતી. પરંતુ સિવિલમાં ડોકટર્સની ટીમે રાત્રીના સમયે ખડેપગે હાજર રહી સ્થિતિ સંભાળી હતી.

વધુ પડતું લોહી વહી જવાથી સગર્ભાની હાલત ગંભીર બની
આ કેસ અંગે વાત કરતા ગાયનેક આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. હેમાલી નેનુજીએ જણાવ્યું હતું કે, પ્રસુતિ બાદ વધુ પડતું લોહી વહી જવાથી સગર્ભાની હાલત ગંભીર બની હતી અને હદયના ધબકારા ઓછા થઈ ગયા હતા. શ્વાસ લેવામાં તકલીફ થવા સાથે તેમનું બ્લડ પ્રેશર પણ ઘટી ગયું હતું. વધુમાં કિડની અને લિવર ફંકશન ઉપર પણ અસર થઈ હતી. લોહીનું સર્ક્યુલેશન વ્યવસ્થિત ન થવાને ઘણીવાર દર્દી મૃત્યુના મુખ સુધી પણ પહોંચી જતો હોય છે. પરંતુ આ કેસમાં ગાયનેકની સાથે મેડિસીન અને એનેસ્થેસિયા વિભાગના તબીબોએ દર્દીને બચાવવાના સંયુક્ત પ્રયાસ હાથ ધર્યા હતા અને તેમને મૃત્યુના મુખમાંથી પરત લઈ આવ્યા હતા.

દર્દી સારવાર માટે ICU માં આવ્યા ત્યારે તેની સ્થિતિ ખુબ ગંભીર હતી
ટીમ વર્કના કારણે સગર્ભાની સ્થિતિને સંતુલિત કરવામાં મળેલી સફળતા અંગે વાત કરતાં એનેસ્થેસિયા વિભાગના ડો. દિપા ગોંડલીયાએ જણાવ્યું હતું કે, દર્દી જ્યારે સારવાર માટે ICUમાં આવ્યા ત્યારે તેની સ્થિતિ ખુબ ગંભીર હતી. દર્દીની પલ્સ અને બ્લડ પ્રેશર પણ રેકોર્ડ થઈ શકતું નહોતું. ઘણીવાર મલ્ટીપલ ઓર્ગન્સ ફેલ્યોરની સ્થિતિ પણ ઉભી થતી હોય છે. આવી સ્થિતિમાં સમય સાચવીને દર્દીને વેન્ટીલેટર ઉપર રાખીને હદયની સેન્ટ્રલ લાઈન સુધી જરૂરી દવાઓ પહોંચાડવામાં આવી હતી અને ત્યારબાદ મેડિસિન વિભાગ સાથે સંકલન કરીને આગળની સારવાર શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : રાજકોટમાં IPOમાં રોકાણના નામે છેતરપિંડી : ઊંચુ વળતર આપવાની લાલચ આપી વધુ એક વૃદ્ધને ‘શિકાર’ બનાવ્યા
દર્દીનાં લિવર, કિડની અને ફેફસા ડેમજ થયા હતા
આ ઓપરેશનમાં જોડાયેલા મેડિસિન વિભાગના ડોક્ટર ધવલ અજમેરાએ જણાવ્યું કે, દર્દીનાં લિવર, કિડની અને ફેફસા ડેમજ થયા હતા. જેને કારણે ડાયાલિસિસ કરવાની ફરજ પડી હતી. પરંતુ બીપી ઓછું હોવાથી ખાસ સ્લેટ ડાયાલિસિસની 9 સાયકલ કરવામાં આવી હતી તેમજ સતત વેન્ટિલેટરના કારણે ન્યુમોનિયાની અસર ન થાય તેની પણ તકેદારી રખાઈ હતી. આ રીતે દર્દીની કિડની, લિવર અને ફેફસાના ચેપની સારવાર કરી ડોક્ટર્સની સંયુક્ત ટીમે સગર્ભાને ક્રિટિકલ સ્થિતિમાંથી બહાર લાવ્યા હતા. 15 સભ્યોની ટીમે 17 દિવસ સુધી સઘન સારવાર આપ્યા બાદ હાલ માતા અને નવજાત શિશુ બંને સંપૂર્ણ સ્વસ્થ છે અને પોતાના વતન બોટાદ પરત ફર્યા છે.
આ પણ વાંચો : એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક નિવૃત : 80 એન્કાઉન્ટર કર્યાનો રેકોર્ડ, દાઉદની ગેંગના 22, છોટા રાજનની ગેંગના 20 ગેગસ્ટરને માર્યા હતા
ઉલ્લેખનીય છે કે, આવી સ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાં આશરે રૂ. 8 થી 10 લાખનો ખર્ચ થતો હોય છે. જ્યારે સરકારની ‘જનની શિશુ સુરક્ષા યોજના’ હેઠળ સિવિલ હોસ્પિટલમાં નિ:શુલ્ક સારવાર અપાતા દર્દી અને તેમના પરિવાર ઉપર આર્થિક ભારણ પણ રહેતું નથી. આમ આ કેસમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ બોટાદની સગર્ભાની જનેતા બની હતી.
