શ્રાવણમાં સરવડા નહી, સાંબેલાધાર : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ, નડિયાદમાં 10.43 ઈંચ વરસાદથી જળબંબાકાર
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવડા એટલે કે ઝાપટાં જ વરસતા હોય છે પરંતુ મોન્સુનની સાયકલ બદલાઈ ગઈ હોય તેમ આ વખતે સરવડાને બદલે મેઘરાજાએ સટાસટી બોલાવી છે.હાલમાં ગુજરાત ઉપર વરસાદ લાવતી 4 સિસ્ટમ એક્ટિવ થઇ હોવાથી અત્યારે સર્વત્ર જળબંબાકાર ની સ્થિતિ થઇ હોવાનું હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેડાના નડિયાદમાં 10.43 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે અમદાવાદના દસ્ક્રોઈમાં 10.35 ઈંચ, મહેમદાવાદ 9.37 ઈંચ, માતરમાં 8.03 ઈંચ, મહુધામાં 7.05 ઈંચ, વાસોમાં 6.22 ઈંચ, કઠલાલમાં 5.31 ઈંચ, ઉમરેઠમાં 5.28 ઈંચ, સાણંદમાં 4.96 ઈંચ અને ખેડામાં 4.96 ઈંચ નોંધાયો છે. બીજી તરફ સોમવારે (28મી જુલાઈ) ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો
રવિવારે સૌરાષ્ટ્રને બાદ કરતા સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો અને સર્વત્ર જળબંબાકાર થઇ ગયુ હતુ. સૌથી વધુ વરસાદ અમદાવાદના દસક્રોઈ અને બનાસકાંઠાના વડગામમાં દસ-દસ ઇંચ નોંધાયો હતો. આ સિવાય મહેમદાબાદ અને નડિયાદમાં પણ સાતથી આઠ ઇંચ અને માતરમાં સાત ઇંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં પણ છ ઇંચ પાણી પડી ગયુ હતું અને આખું શહેર પાણી પાણી થઇ ગયુ હતુ.

રવિવારે અમદાવાદ, ખેડા, અરવલ્લી, બનાસકાંઠા, આણંદ, દંગ, વડોદરા, નવસારી, મહેસાણા, ભરૂચ, સુરત, પંચમહાલ, નર્મદા, સાબરકાંઠા, વલસાડ, પંચમહાલ, તાપી, સુરત, દાહોદ, છોટાઉદેપુર જિલ્લામાં અનેક સ્થળે ભારે વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં બે-ત્રણ સ્થળે સામાન્ય ઝાપટા પડ્યા હતા.
આ પણ વાંચો : આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર : મહાદેવના દર્શન કરવા ભાવિકો ઉમટ્યા,’હર હર મહાદેવ’ના નાદથી મંદિરો ગુંજ્યાં

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદે તબાહી મચાવી
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદે તબાહી મચાવી છે, જેના કારણે પાલનપુર-મહેસાણા હાઇવે પર પાણી ભરાતાં વાહનોની કિલોમીટરો સુધી લાંબી લાઇનો લાગી હતી. વડગામ પંથકમાં 10 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં ખેરાલુ-વડગામ હાઇવે સહિત અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. પાલનપુર-અમદાવાદ સ્ટેટ હાઈ-વે ઉપર 20 કિલોમીટરનો ટ્રાફિક જામ થયો હતો. વડગામથી ખેરાલુને જોડતો મુખ્ય માર્ગ પણ પાણીમાં ડૂબી ગયો છે, જેના લીધે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લાના 20 ગામોનો બાહ્ય વિશ્વ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. કોઝવે અને રસ્તાઓ પર પાણી ભરાતાં અનાપુર, માંડલ, કુંડી, વાસડા, ડેટા, ઋણી, નેગાળા, ગોળીયા અને રવિયા સહિતના ગામોનો સંપર્ક કપાઈ ગયો હતો. ધાનેરા પંથકમાં પણ અનેક માર્ગો બંધ થઇ ગયા હતા.

અમદાવાદમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ખાસ કરીને મણિનગર, જશોદાનગર, દાણીલીમડા, લાંભા, નારોલ, ખોખરા, પાલડી, આનંદનગર, વેજલપુર, જીવરાજ પાર્ક, શાહઆલમ, નિકોલ, નરોડા, સરસપુર, રખિયાલ, અજીતમિલ, ઓઢવ, વટવા, વસ્ત્રાલ, અસલાલી, મકરબા, ઠક્કરનગર, બાપુનગર, હાટકેશ્વર, CTM, ઘોડાસર, ઇસનપુર, થલતેજ, ગોતા, શીલજ, શેલા, સાયન્સ સિટી, મોટેરા, સાબરમતી, જગતપુર. આ તમામ વિસ્તારોમાં માર્ગો પર ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા. અનેક દુકાનોમાં અને સોસાયટીઓમાં પણ ઘૂંટણસમા પાણી ભરાતા ઘરવખરીને મોટું નુકસાન થયું હતું.
પાલનપુર-અમદાવાદ સ્ટેટ હાઈવે ઉપર મહાજામ

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડેલા ભારે વરસાદની અસર પાલનપુર-અમદાવાદ સ્ટેટ હાઈવે ઉપર પણ પડી હતી અને ઓછામાં ઓછો 20 કિલોમીટરનો ટ્રાફિક જામ થયો હતો.
હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આવનારા ત્રણ-ચાર દિવસ સુધી કેટલાક જિલ્લામાં ભારે તો કેટલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ છે. ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતાને જોતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે.બંગાળની સિસ્ટમ પૂર્વ મધ્ય પ્રદેશ તરફ આવી રહી છે, મધ્ય પ્રદેશથી સિસ્ટમ મધ્ય ગુજરાત તરફ આવશે,સિસ્ટમ મજબૂત થતા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડશે તેવી આગાહી છે.