રાજકોટ રૂરલ પોલીસ ગોંડલ-રીબડા પ્રકરણમાંથી જ નવરી પડતી નથી! અનિરૂધ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલપંપ પર ફાયરિંગ થતા પોલીસને પડકાર
રાજકોટ રૂરલ પોલીસ માટે વધુ એક પડકારજનક ઘટના ગતરાત્રે બની હતી. ગોંડલ-રીબડા જૂથની વોર વચ્ચે રીબડામાં અનિરૂધ્ધસિસંહ જાડેજાના મોટા ભાઈના પુત્ર (ભત્રીજા)ના પેટ્રોલપંપ પર સરાજાહેર ફાયરિંગના બનાવથી ફરી આ પંથકમાં ગરમાવો આવ્યો છે. ગતરાત્રે એકાદ વાગ્યાના અરસામાં બાઈક પર આવેલી બેલડીએ પેટ્રોલપંપની ઓફિસ પર એક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. પંપના કર્મચારી સામે ગન તાકીને બન્ને નાસી છૂટ્યા હતા. પોલીસ ફરિયાદમાં ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ફાયરિંગ કરાવ્યાની શંકા દર્શાવાઈ છે.

રાજકોટ રૂલરમાં પોલીસને પડકાર
ફાયરિંગ બાદ ધોરાજીના અડવાળ ગામના વતની અને મર્ડરમાં પેરોલ જમ્પ બાદ ફરાર હિસ્ટ્રિશીટર હાર્દિક સિંહ હરદેવસિંહ જાડેજાએ સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ કરીને પોતે ફાયરિંગ કરાવ્યાની જવાબદારી સ્વીકારતા પોલીસે અજાણ્યા બે શખસો અને હાર્દિકસિંહને શોધવા માટે દોડધામ આદરી છે. ગૃહમંત્રીના આગમનની કલાકો પૂર્વે જ બનેલી ફાયરિંગની ઘટનાથી પોલીસને પણ જાણે લપડાક કે પડકાર ફેંક્યો હોય તેમ પોલીસની અગ્નિપરીક્ષા થઈ છે.

જયરાજસિંહ જાડેજાના રીબડાના પેટ્રોલપંપમાં ફિલરમેનની નોકરી કરે છે
પોલીસ ફરિયાદની વિગતો મુજબ કોઠારિયા સોલવંટ વિસ્તારમાં રહેતો જાવેદ રહીમ ખોખર (ઉ.વ.38) નામનો યુવક જયરાજસિંહ ભગીરથસિંહ જાડેજાના રીબડા ગામમાં આવેલા પેટ્રોલપંપમાં ફિલરમેન તરીકે નોકરી કરે છે. ગતરાત્રે જાવેદ તથા પંપના મેનેજર જગદીશસિંહ ચંદુભા ગોહિલ (રહે.મવડી ચોકડી-રાજકોટ) બન્ને પંપની ઓફિસમાં હતા. જગદીશસિંહ આરામ કરવા જતાં રહેલા. જાવેદ ઓફિસમાં બાકડા પર સુતો હતો. મોબાઈલમાં ગેઈમ રમી રહ્યો હતો એ દરમિયાન ઓફિસના કાચના દરવાજા પર એક રાઉન્ડ ફાયર સાથે ગોળી ઓફિસમાં રહેલા મંદિરના ખુણા પર લાગી હતી અને લાકડાનો ટૂંકડો તૂટીને નીચે પડ્યો હતો.

દરવાજો ખોલી બહાર નીકળતા ત્યાં બાઈક પર બુકાનધારી બે શખસો હતા
અવાજ થતાં જાવેદ તુરંત જ ઉભા થઈ દરવાજો ખોલી બહાર નીકળતા ત્યાં બાઈક પર બુકાનધારી બે શખસો હતા. જેણે જાવેદ સામે ગન તાકી હતી. મોં પર રૂમાલ બાંધેલી બેલડીએ ગન તાકતા ડરી ગયેલો જાવેદ અંદર ઓફિસમાં જતો રહ્યો. ફાયરિંગનો અવાજ સાંભળીને મેનેજર જગદીશસિંહ પણ બાજુના રૂમમાંથી બહાર દોડી આવ્યા હતા. બન્ને શખસો બાઈક પર નાસી છૂટ્યા હતા. તુરંત જ જાણ કરતાં પંપના માલિક જયદીપસિંહ તથા અનિરૂધ્ધસિંહના પુત્ર સત્યજીતસિંહ પણ દોડી આવ્યા હતા. ઓફિસના બહારના ભાગે ફાયર થયેલા કાર્ટિસનું ખાખી ખોખું મળી આવ્યું હતું.

હાર્દિકસિંહ જાડેજા નામના શખસે ઈન્સ્ટાગ્રામ પર ચાર જેટલા વીડિયો મુક્યા
બનાવ અંગે ફિલરમેન જાવેદ સંધીએ નોંધાવેલી ફરિયાદમાં બે બુકાનીધારી બાઈકસવાર શખસો મારી નાખવાના ઈરાદે ઓફિસમાં ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા. આ અજાણ્યા શખસો પાસે જયરાજસિંહ ટેમુભા જાડેજા ગોંડલવાળાએ ફાયરિંગ કરાવ્યું હોય તેવી મને શંકા છે. અજાણ્યા માણસો તથા તપાસમાં ખુલે તેની સામે આરોપ મુકાયો છે. પીઆઈ એ.ડી. પરમાર તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંદાજે 25 થી 30 વર્ષની વયના મધ્યમ બાંધાના પેટ્રોલપંપ પર ફાયરિંગ થયાની ઘટના બાદ હાર્દિકસિંહ જાડેજા નામના શખસે ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. પર ચાર જેટલા વીડિયો મુક્યા હતા જેમાં તેણે જ ફાયરિંગ કરાવ્યાનું સ્વીકાર્યુ છે. રાજદીપસિંહ રીબડા અને તેના પિતા અનિરૂધ્ધસિંહને વીડિયોમાં ચેલેન્જ પણ ફેંકાઈ છે.
પિન્ટુ ખાટડીને પણ ધમકી આપી
આ ઉપરાંત અન્ય વીડિયોમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા ઉર્ફે પિન્ટુ ખાટડી રાજકોટ તારો પણ હવે વારો હોવાની ધમકી આપી છે. રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, એસ.પી. હિમકરસિંહના માર્ગદર્શન તળે ગોંડલ ડીવાયએસપી ઝાલા, એલસીબી, એસઓજીની ટીમ તથા ગોંડલ પોલીસની અલગ-અલગ ટીમોએ આરોપીઓને શોધવા દોડધામ કરી છે. હાર્દિકસિંહ જાડેજાએ રાજકોટમાં 2022ની સાલમાં અમીન માર્ગ પર નાણાકીય ડખ્ખામાં ભોલા સાકરિયા નામના યુવકની હત્યા, લુંટ સહિતના ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. થોડા વખત પૂર્વેની આર્થિક લેતી-દેતીના વહિવટમાં ચાલતી માથાકુટમાં ફાયરિંગ થયાની ચર્ચા છે.
આ પણ વાંચો : સાયબર ફ્રોડ કરનારાઓની ખેર નહિ! રાજકોટ રેન્જ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
રાજકોટ રૂરલ પોલીસ માટે આકરો ટાસ્ક
રાજકોટ રૂરલ પોલીસ માટે આકરો ટાસ્ક છેલ્લા એકાદ વર્ષના સમયગાળાથી ગોંડલ અને રીબડાનો બેલ્ટ બની ગયો છે. આ બન્ને વચ્ચે કાંઈકને કંઈક બનતું જ રહે છે અને પોલીસ જાણે ગોંડલ અને રીબડાના પ્રકરણોમાંથી નવરી પડવી ન હોવાનો અધિકારીઓથી લઈ સ્ટાફમાં ગણગણાટ હશે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા વચ્ચે કદાચિત રીબડામાં પડેલી રેઈડ, નિખિલ દોંગા ગ્રુપ અને આવી બાબતોથી તિરાડ વધુ મોટી બની હતી.
આ પણ વાંચો : તંત્રની બેદરકારીથી બાળકોએ જીવ ગુમાવ્યા : રાજસ્થાનના ઝાલાવાડમાં સ્કૂલ ઇમારત ધરાશાયી થતા 6 બાળકોનાં મોત, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
સમયાંતરે નવા-જૂની થયા કરતી. ગત ધારાસભાની ચૂંટણી વખતથી વેરઝેરની ખાઈ વધુ ઉંડી બની હતી. ચૂંટણી જીત્યા બાદ ગોંડલ જૂથ દ્વારા રીબડામાં સભા રખાઈ હતી. રીબડામાં ગાડીઓને મોટો રસાલો નીકળ્યો હતો. ચૂંટણી જ સેન્સેટિવ હતી. જો કે હો-હા, હાકલા પડકારા સાથે ચૂંટરી સાંગોપાંગ ઉતરી જતા જે તે સમયે પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે ત્યારબાદ રૂરલ પોલીસને ગોંડલ-રીબડાના પ્રકરણોમાં રાહત મળી ન હોય તેમ થોડા-થોડા દિવસે નવા-નવા પ્રકરણો બહાર આવ્યા રાખે છે.
જૂનાગઢમાં દલિત યુવક સાથેની માથાકૂટ બાદ ગોંડલમાં સંમેલન
જૂનાગઢમાં દલિત યુવક સાથેની માથાકૂટ બાદ ગોંડલમાં સંમેલન મળ્યું, સંમેલન મળવાનું હતું એ પૂર્વે રૂરલના અધિકારીઓથી લઈ સ્ટાફમાં ઉચાટ હતો. સંમેલન પત્યું, ત્યારબાદ જૂનાગઢ પોલીસ દ્વવારા રાજુ અને તેના પરિવાર સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી થઈ. એમાંથી પોલીસ માંડ પરિવારી ત્યાં પાટીદાર અગ્રણીઓના ગોંડલ બાબતે સોશિયલ મીડિયામાં સ્ટેટમેન્ટ, ગોંડલમાં રેલીરૂપે નીકળ્યા જમાં પણ સામસામા પોલીસ કેસ નોંધાયા, ધરપકડો થઈ. એ પ્રકરણ હળવું પડ્યું અને પોલીસ હાથ કરીને હાશકારો લીધો હશે.
આ પણ વાંચો : શ્રાવણ માસે “શિવમય’ સૌરાષ્ટ્ર : હર હર મહાદેવના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા, સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર
રીબડાના અમિત ખૂંટ આપઘાત
ત્યાં ફરી રાજકોટમાં સગીરા પર રીબડાના અમિત ખૂંટ દ્વારા ગુજારાયેલા દુષ્કર્મ બાદ મામલો ગરમાયો હતો. ગોંડલ અને રીબડા જૂથ વચ્ચે ફરી એ જ જૂની અદાવત ઉખડવા લાગી. શોધ, પ્રતિશોધરૂપે અમિત ખૂંટના આપઘાતમાં રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા, તેના પુત્ર રાજદીપસિંહ, જૂનાગઢના ઈકબાલ સગીરા, અન્ય યુવતી, બે એડવોકેટ દિનેશ પાતર, સંજય પંડિતના નામો ખૂલ્યા, ધરપકડ થઈ. જ્યારે આ ગુનામાં અનિરૂધ્ધસિંહ તેના પુત્ર રાજદીપસિંહ અને જૂનાગઢનો ઈકબાલ વોન્ટેડ છે. પોલીસ શોધી રહી છે. સગીરાએ પણ જયરાજસિંહ તેમના પુત્ર ગણેશભાઈ સહિતના સામે ગોંડલ કોર્ટમાં ફરિયાદ કરી કોર્ટે પોલીસ પાસે સીસીટીવી માંગ્યા. આ પ્રકરણ હળવું થયું કે તપાસ ચાલતી હતી ત્યાં રાજકોટની એડવોકેટ ભૂમિ પટેલ સામે સગીરાની ઓળખ બતાવવા અંગે ગત સપ્તાહે ગુનો નોંધાયો હતો. ફરી ગતરાત્રે રીબડામાં ફાયરિંગની ઘટના બનતા રાજકોટ રૂરલના ઉચ્ચ પોલીસ અધિકારીઓથી લઈ ટીમની ગતરાતથી ફરીઉંઘ ઉડી છે અને આરોપીઓને શોધવા દોડધામ થઈ રહી છે. હવે કદાચ પોલીસમાં ગણગણાટ હશે કે ગોંડલ અને રીબડા વચ્ચેના પ્રકરણોએ થકવાડ્યા. આ બન્નેમાંથી નવરા થતા નથી. આવું વધુ પડતું ગોંડલ સિટી કે ગોંડલ તાલુકા પોલીસને રહેતું હશે ને પોલીસમાં જ આંતરિક ગણગણાટ ચાલી રહ્યો છે.
