નામ બડે ઔર દર્શન ખોટે : રાજકોટની ADB હોટેલમાં પનીર, ભારત બેકરીના ટોસ્ટ હલકા, ખાણીપીણીની 7 પેઢીને રૂ.6.60 લાખનો દંડ
નામ બડે ઔર દર્શન ખોટે ઉક્તિને સાર્થક કરી રહેલી રાજકોટની જાણીતી હોટલ, ડેરી, બેકરી, માર્કેટિંગ પેઢી સહિતના સ્થળોએથી લેવામાં આવેલ ઘી, પનીર અને દહીં સહિતની આઇટમો લેબોરેટરી પરીક્ષણમાં સબ સ્ટાન્ડર્ડ સાબિત થતા ફૂડ સેફટી અંગેના કેસ ચલાવી એજ્યુકેટિંગ ઓફિસર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજકોટ દ્વારા રાજકોટની નામાંકિત એડીબી હોટલ, ભારત બેકરી અને મસાલા ડાયરી સહિતના સંચાલકોને 25 હજારથી લઈ 1.75લાખ સુધીના દંડ ફટકારતા ધંધાર્થીઓમાં ફફડાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ મહાનગર પાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ રાજકોટ દ્વારા માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ શ્રીરામ માર્કેટિંગ, ભીલવાસમાં આવેલ ભારત બેકરી, રાજકોટ-મોરબી રોડ ઉપર આવેલ એડીબી એટલે કે અતિથિ દેવો ભવ: હોટલ, ખોડિયાર કાઠિયાવાડી સહિતના સ્થળોએથી જુદી જુદી ચીજવસ્તુના નમૂના લઈ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા જેમાં નમૂના સબ સ્ટાન્ડર્ડ આવતા ફૂડ સેફટી અંગેના કેસ રાજકોટ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ચલાવવામાં આવતા કુલ આઠ કેસમાં રૂપિયા 6.60 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : રાજકોટ-ધોરાજીનાં 200 શિક્ષકોનો ટેક્સ બચાવવા ‘દાન’નો ખેલ: 2 બેન્ક કર્મચારીઓ પણ ‘સાણસા’માં
જેમાં રાજકોટ યાર્ડ નજીક આવેલ શ્રીરામ માર્કેટિંગનો શુદ્ધ દેશી ઘાણીનું સીંગતેલ સબ સ્ટાન્ડર્ડ આવતા રૂ.1 લાખ, ભીલવાસમાં આવેલ ભારત બેકરીના સ્પેશિયલ ઈલાયચી રસ સબસ્ટાન્ડર્ડ આવતા દોઢ લાખ, રાજકોટ-મોરબી બાયપાસ ઉપર આવેલ અતિથિ દેવો ભવ એટલે કે, એડીબી હોટલમાં પનીર સબ સ્ટાન્ડર્ડ હોવાથી રૂ.75 હજાર, જામનગર રોડ ઉપર આવેલ ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં પનીર સબ સ્ટાન્ડર્ડ આવતા રૂ.25 હજાર, કુવાડવા રોડ ઉપર આવેલ જનતા મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટમાં ઘી સબ સ્ટાન્ડર્ડ આવતા રૂ. 50 હજાર તેમજ મલાઈ સબ સ્ટાન્ડર્ડ હોવાથી રૂ.50 હજાર, રાજકોટની મસાલા ડાયરીસ હોસ્પિટલીટીમાં દહીં સબ સ્ટાન્ડર્ડ આવા 1.75 લાખ તેમજ ખોડિયાર એન્ટરપ્રાઇઝ લોધિકા જીઆઇડીસીમાં વેજીટેબલ ફેટ્સ સબ સ્ટાન્ડર્ડ આવતા 35 હજારનો દંડ મળી કુલ 6.60 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.