‘મમ્મી, મારી બોડી ઘરે આવે ત્યારે ગળે લગાડી લેજો’ 28 લાખનું દેણું થઈ જતાં ખાંભામાં યુવતીએ જિંદગી ટૂંકાવી
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાડ ગામની એક 25 વર્ષીય યુવતીએ અનાજમાં નાખવાની દવા ખાઈને આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. એ યુવતીએ તેની ઉપર 28 લાખ રૂપિયાનું થઈ ગયું હોવાથી આ અંતિમ પગલું ભર્યું હોવાનો સુસાઇડ નોટમાં ખુલાસો કર્યો હતો.

શું છે સમગ્ર મામલો ?
પ્રાપ્ત વિગતો મુજબ ખાંભાના ભાડ ગામે રહેતી ભૂમિકા હરેશભાઈ સોરઠીયા નામની 25 વર્ષની યુવતીખાંભાની એક ખાનગી ફાઈનાન્સ સર્વિસ કંપનીમાં નોકરી કરતી હતી. ગુરુવારે તેણે એ ઓફિસમાં જ બેસી અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા તેને હોસ્પિટલે ખસેડવામાં આવી હતી જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

જાણવા મળતી પ્રાથમિક વિગતો અનુસાર ભૂમિકા ટાસ્ક-બેઝ્ડ ફ્રોડનો શિકાર બની હતી.તેને ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ ચેનલો દ્વારા અલગ-અલગ ટાસ્ક આપવામાં આવતા હતા. શરૂઆતમાં નાના રોકાણમાંથી વધુ વળતર મળતા તેને વિશ્વાસ બેઠો હતો.બાદમાં વધુ નફાની લાલચ આપીને તેને એક વીઆઈપી ગ્રુપમાં સામેલ કરવામાં આવી હતી. ભૂમિકાએ કથિત રીતે લોન મેળવીને નાણા રોકવાનું શરૂ કર્યું હતું. આ બનાવટી ગ્રુપના સંચાલકો દ્વારા એક બનાવતી એકાઉન્ટ બનાવી તેને મોટો નફો મળ્યો હોવાનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું.જો કે પોતે છેતરપિંડીનો ભોગ બની છે તેનો ખ્યાલ આવ્યો ત્યાં સુધીમાં ભૂમિકા એ 28 લાખ રૂપિયાનું રોકાણ કરી દીધું હતું. આટલી જંગી રકમ ગુમાવવા કારણે આર્થિક અને માનસિક રીતે ભાંગી પડેલી, હતાશ થઈને હિંમત હારી ગયેલી ભૂમિકાએ અંતે જિંદગી ટૂંકાવી દીધી હતી.

સુસાઇડ નોટમાં વેદના વર્ણવી
આત્મહત્યા કરતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં ભૂમિકાએ દેવુ સહન થતાં આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. પોતાની વેદના વર્ણવતા તેણે લખ્યું.
આ પણ વાંચો : રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ટ્રાફિકજામની ફરિયાદ માટે 24 કલાક ઈમરજન્સી કંટ્રોલરૂમ કાર્યરત
” મમ્મી પપ્પા, હું સુસાઇડ કરું છું મને તમારાથી કોઇ વાંધો નથી. મારા પર 28 લાખ રૂપિયાનું દેવું થયું છે. એટલે આત્મહત્યા કરું છું. મારાથી આ દેવું સહન થતું નથી એટલે આ આ પગલું ભરું છું હું બસ તમારા માટે એક સારી જીંદગીનું પ્લાનિંગ કરતી હતી, પણ બધુ ઉંધુ થયું. મારા ઉપર દેવું થઇ ગયું. આ દેવું Shine.Com કંપનીમાંથી થયું છે. જો થાય તો ટ્રાય કરીને પૈસા પાછા લઇ લેજો. મારા મર્યા પછી IIFL માંથી તમને 5 લાખ રૂપિયા મળી શકશે. એની પ્રોસેસ કરીને લઇ લેજો. મને માફ કરી દેજો, મારા લીધે તમે હેરાન થશો. મમ્મી મારી છેલ્લી ઇચ્છા છે કે, મારી ડેડબોડી ઘરે આવે ત્યારે એકવાર મને ગળે લગાડી લેજો. પ્લીઝ મારી છેલ્લી ઇચ્છા છે કે પુરી દેજોને.
માફી સાથે
તમારી ભૂમિ “