રાજકોટના રેસકોર્સની ચકરડીમાં બેસો’ને કંઈ થાય તો જવાબદારી તમારી રહેશે! વિવાદ શરૂ થતાં જ મનપા કમિશનરે ગ્રાઉન્ડ ખાલી કરાવવા આપ્યો આદેશ
એક બાજુ રાજકોટના રંગીલા લોકમેળામાં આ વખતે ફજેતફાળકા સહિતની રાઈડસ મુકાશે કે નહીં તેને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યાં હવે રેસકોર્સમાં ભરાતાં મિનિ રાઈડમેળાને લઈને નવો વિવાદ શરૂ થઈ ચૂક્યો છે. આ આખોયે વિવાદ મહાપાલિકા દ્વારા લગાવાયેલા બોર્ડને કારણે થયો છે. એકંદરે આ બોર્ડમાં તંત્રએ વાલીઓને ચેતવતાં લખ્યું છે કે અહીં ગેરકાયદે ઉભી રહેતી ચકરડીમાં બેઠા બાદ કોઈ પ્રકારની ઘટના બને તો તેની જવાબદારી મહાપાલિકા તંત્રની રહેશે નહીં ! આ બોર્ડ મુકાતાં જ વિરોધ શરૂ થઈ જવા પામ્યો હતો.

દબાણહટાવ અધિકારીએ કહ્યું, અમે ત્યાંથી દંડરૂપી ભાડું નથી લેતાં પણ એકવાર ગ્રાઉન્ડ ખાલી કરાવીએ એટલે થોડી જ વારમાં બધું ફરીથી ગોઠવાઇ જાય છે! આ ગ્રાઉન્ડમાં કોઈપણ રાઇડ્સ/ચકરડીની મંજરી રાજકોટ મહાનગરપાલિકા તરફથી આપેલ નથી. રાઇડ્સમાં બેસતા ગ્રાહકોની સેફ્ટી/સિક્યુરીટીની જવાબદારી પોતાની રહેશે ફનવર્લ્ડની બાજુમાં જ્યાં લોકમેળો ભરાય છે તે ગ્રાઉન્ડમાં વર્ષોથી ચકરડીવાળા ઉભા રહે છે. નાની રાઈડ હોવાથી વાલીઓ બાળકોને લઈને ત્યાં મોટી સંખ્યામાં જાય છે.

જો કે આ ચકરડી ગેરકાયદેસર રીતે ઉભી રહેતી હોવાથી દબાણ હટાવ શાખા વારંવાર ત્યાં જઈને બધાને બહાર કાઢે છે પરંતુ જેવી ટીમ ત્યાંથી રવાના થાય એટલે ચકરડીવાળા ફરીથી ગોઠવાઈ જતા હોવાને કારણે જોઈએ તેવી અસર થઈ રહી ન હોવાથી જવાબદારીથી છટકવા માટે મહાપાલિકાએ બોર્ડરૂપી રસ્તો શોધી કાઢ્યો હતો. આ અંગે દબાણ હટાવ અધિકારી બારૈયાનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું કે ટીઆરપી ગેઈમઝોન અગ્નિકાંડ સર્જાયા બાદ ચકરડીવાળાઓ પાસેથી કોઈ પ્રકારનું ભાડું લેવામાં આવી રહ્યું નથી. અગાઉ તમામ પાસેથી ૫૦૦ રૂપિયાનો દંડ વસૂલાતો હતો. આ તમામ રાઈડસ ગેરકાયદેસર હોવાને કારણે ત્યાં આ પ્રકારનું બોર્ડ લગાવ્યું છે.
આ પણ વાંચો : સ્વચ્છતામાં (ઉલ્લુ બનાવવામાં) રાજકોટ 19મા ક્રમે : લોકોના ફિડબેક લેવામાં રમાઇ ‘રમત’ !? આવતાં વર્ષે ટોપ-5માં રાજકોટ હશે તેવો દાવો

વિવાદ શરૂ થતાં જ મ્યુનિસિપલ કમિશનરે ગ્રાઉન્ડ ખાલી કરાવવા આપ્યો આદેશ
મહાપાલિકાએ લગાવેલા બોર્ડને લઈને વિવાદ વકરતાં મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ તાત્કાલિક ગ્રાઉન્ડ ખાલી કરવાનો આદેશ આપતાં દબાણ હટાવ શાખાએ ચકરડી, જનરેટ સહિતનો સામાન જપ્ત કરવાનું શરૂ કરી દેતાં ચકરડીધારકોમાં દેકારો બોલી ગયો હતો. આ અંગે મ્યુ.કમિશનરે જણાવ્યું કે બોર્ડમાં અમુક લખાણ વાંધાજનક લાગતું હોય તો તે દૂર કરાશે પરંતુ ચેતવણી આપતું બોર્ડ તો ત્યાં યથાવત જ રહેશે. સાથે સાથે એમ પણ જણાવ્યું કે અમે 24 કલાક દબાણ હટાવ શાખાને ત્યાં તૈનાત રાખી શકીએ તેવી સ્થિતિમાં ન હોવાથી આ પ્રકારે બોર્ડ લગાવ્યું છે.