રાઇડ્સ સંચાલકોના કારણે રાજકોટનો લોકમેળો ચકડોળે ચડયો : રાઇડ્સ સંચાલક લોબીએ SOP હળવી કરવા પોલિટિકલ દબાણ શરૂ કર્યું
રાજકોટના લોકમેળામાં એસઓપી પાલન સાથે જ રાઇડ્સ સંચાલન મુદ્દે સર્જાયેલ મળાગાંઠ વચ્ચે રાઇડ્સ સંચાલક લોબી કોઈપણ પણ ભોગે જનતાના જીવના જોખમે એસઓપીમાં છૂટછાટ માટે પ્રયત્નશીલ છે ત્યારે રાઈડ વગર પણ લોકમેળો યોજવા મક્કમ જિલ્લા કલેકટરે હવે લોકમેળામાં ખાણીપીણી, રમકડાં અને નાની રાઇડ્સ માટે મેળાના દસ દિવસ બાકી હોય ત્યાં સુધીની મુદતમાં ફોર્મ આપવા અને સ્વીકારવાનું જાહેર કરી જાણીતા સિંગરોને મેળામાં બોલાવી મેળામાં જમાવટ કરવા તૈયારી શરૂ કરી છે. સાથે જ જિલ્લા કલેકટરે ઉમેર્યું હતું કે,સરકાર જે સૂચના આપે તે મુજબ મેળો યોજવામાં આવશે.જો કે, બીજી તરફ રાઇડ્સ સંચાલક લોબીએ હાલમાં ગાંધીનગરમાં પોલિટિકલ લોબીના જોરે એસઓપીમાં છૂટછાટ માટે ખેલ શરૂ કર્યા હોય હાલમાં રાજકોટનો મેળો ચકડોળે ચડ્યો છે.

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આગામી તા.14થી 18 ઓગસ્ટ વચ્ચે યોજાનાર લોકમેળા આડે હવે માત્ર 27 દિવસ જ બાકી રહ્યા હોવા છતાં મેળાના નક્કર આયોજનની દિશામાં તંત્ર મક્કમપણે આગળ વધી શકતું નથી.ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ગુજરાત સરકારે ગેમઝોન, લોકમેળા, બોટિંગ સહિતની બાબતોને લઈ કડક એસઓપી અમલી બનાવતા નવનિયુક્ત જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે એસઓપી પાલન સાથે જ લોકમેળો યોજવામા આવશે અને મોટી રાઇડ્સ વગર પણ મેળો યોજાશે જ તેવો સ્પષ્ટ સંદેશ આપતા દર વર્ષે મેળામાં કરોડોની મલાઈ તારવી લેતી રાઈડ્સ સંચાલક લોબી હવે કલેકટર પાસે દાળ નહીં ગળે તેવું જણાતા ગાંધીનગરની વેટ પકડી પોલિટિકલ પ્રેસર લાવવા અને એસઓપીમાં છૂટછાટ માટે પ્રયત્નશીલ બની છે.
આ પણ વાંચો : પૂર્વ CM ભૂપેશ બઘેલને ત્યાં EDના દરોડા : દારૂ કૌભાંડ અંગે કાર્યવાહી, ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત
બીજી તરફ જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે પત્રકારો સાથેની વાતચીતમાં રાજકોટના લોકમેળા અંગે જણાવ્યું હતું કે, લોકમેળામાં લોકોના મનોરંજન માટે પ્રસિદ્ધ કલાકારોને બોલાવી આકર્ષણ ઉભા કરવામાં આવશે. સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય આયોજન પણ પ્લાન બી હેઠળ ઘડી કાઢવામાં આવ્યા હોવાના સંકેત આપ્યા હતા. બીજી તરફ લોકમેળામાં સ્ટોલની સંખ્યા જેટલા ફોર્મનું વિતરણ ન થવા અંગેનો જવાબ આપતા તેમને ઉમેર્યું હતું કે, મેળાના દસ દિવસ બાકી હશે ત્યાં સુધી નાની ચકરડી, ખાણીપીણી અને રમકડાના સ્ટોલ-પ્લોટ માટે ફોર્મ વિતરણ ચાલુ રાખી ફોર્મ પરત લેવામાં આવશે.
આ પણ વાંચો : રાજકોટના નબીરાએ ગાંધીનગરમાં બેફામ કાર ચલાવી વૃધ્ધનો જીવ લીધો : પોલીસે કરી ધરપકડ
જો કે, લોકમેળાને લઈ અધિકારીઓ અસમંજસમાં હોવાના નિર્દેશ આપતા એક ઉચ્ચ અધિકારીએ ઉમેર્યું હતું કે,વર્તમાન સ્થિતિમાં ગાંધીનગર સુધી રાઇડ્સ સંચાલકોની રજુઆત અને પોલિટિકલી પ્રેસર જોતા લોકમેળા માટે કલાકારોને બુક કરવામાં પણ નિર્ણય લેવામાં મુશ્કેલી અનુભવાઈ રહી છે. કારણ કે, જો સરકાર છૂટછાટ આપે અને રાઇડ્સ શરૂ થાય તો બુક કરાયેલા કલાકારો માટે શું નિર્ણય લેવો તે મોટો પ્રશ્ન હોય હાલના સંજોગોમાં તો લોકમેળા સમિતિ માટે મેળાની સ્થિતિ અસમંજસ ભરી હોવાનું ફલિત થઇ રહ્યું છે.