રાજકોટના નબીરાએ ગાંધીનગરમાં બેફામ કાર ચલાવી વૃધ્ધનો જીવ લીધો : પોલીસે કરી ધરપકડ
રાજકોટમાં યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક નજીક આવેલા બેસ્ટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા દીપકભાઈ કારિયાના પુત્ર વત્સલ કારિયાએ ગાંધીનગરમાં આજે વહેલી સવારે બીએમડબલ્યુ કાર પૂરપાટ ઝડપે ચલાવી એક્ટિવા સવાર વૃધ્ધને ફૂટબોલની માફક ફંગોળીને વૃધ્ધનો જીવ લીધાની ઘટના ગાંધીનગરના અડાલજ પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસે વત્સલની ધરપકડ કરી છે. ડ્રીંક કરેલો હોવાની આશંકાએ મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે.

શું છે સમગ્ર મામલો ?
બનાવની પોલીસ ફરિયાદની વિગતો મુજબ ગાંધીનગરના ઉવારસદ વિસ્તારના એફ/૩૦૪ પ્રમુખ એસોસિએશન સરગાસણમાં રહેતા મુકુલ રાજમોહન રામેશ્વરપ્રસાદ મિશ્રા આજે સવારે ઘરેથી દૂધ લેવા માટે આર.જે.૦1-એસ.એફ. 6734 નંબરના એક્ટિવા પર નીકળ્યા હતા.

ઘરથી થોડે આગળ જતા અનેંર્નીદશ બંગ્લોઝનજીકના રોડ પર બીએમડબલ્યુ કાર બેફામ ગતિએ ધસી આવી હતી અને એક્ટિવાને ઠોકરે લીધું હતું. અકસ્માતમાં એક્ટિવા અને વૃધ્ધ બન્ને ફૂટબોલની માફક ફંગોળાયા હતા. માથામાં ગંભીર રીતે ઈજા થતાં વૃધ્ધ મુકુલ રાજમોહનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. ધડાકાભેર ગમખ્વાર અકસ્માત થતાં અન્ય લોકો દોડી આવ્યા હતા. કારચાલક પણ ત્યાંથી જઈ શકે કે ભાગી શકે તેવી સ્થિતિમાં ન્હોતો (પીધેલો કે નશો કરેલો હોવાની ચર્ચા છે). બનાવના પગલે અડાલજ પોલીસનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો.
આ પણ વાંચો : પૂર્વ CM ભૂપેશ બઘેલને ત્યાં EDના દરોડા : દારૂ કૌભાંડ અંગે કાર્યવાહી, ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત

કારચાલકની પૂછતાછ કરતાં તેણે રાજકોટનો રહેવાસી હોવાનું પોતાનું નામ વત્સલ દીપકભાઈ કારિયા દર્શાવ્યું હતું. પોલીસની તપાસ દરમિયાન જીવલેણ અકસ્માત સર્જનાર નબીરાનો પરિવાર બેસ્ટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે વ્યવસાય ધરાવે છે. મૃતક વૃધ્ધના પુત્ર ભરત મોહન મિશ્રા (ઉ.વ.35)ની ફરિયાદ આધારે ગુનો નોંધીને આરોપી વત્સલ કારિયાની પોલીસે ધરપકડ કરી હતી.

મૃતક રાજસ્થાનના અજમેરના વતની હોવાનું અને ગાંધીનગરમાં પુત્ર પરિવાર સાથે રહેતા હતા. ઘરેથી સવારે સાતેક વાગ્યે દૂધ લેવા નીકળેલા વૃધ્ધના પરિવારને ક્યાં ખ્યાલ હશે કે બેફામ બનીને મોંઘી કારો લઈને દોડતા નબીરાઓ પૈકીનો એક ઈસમ પણ કાળમુખી બીએમડબલ્યુ કાર લઈને નીકળીને વૃધ્ધનો જીવ લઈ લેશે. અકસ્માત જોનારા લોકોએ પણ બેફામ દોડતા આવા નબીરાઓને નાથવા પોલીસે વધુ કડક બનવું જોઈએ તેવો ગણગણાટ કર્યો હતો.અકસ્માત એટલો ગંભીર કે કારની એટલી ઓવર સ્પીડ હશે કે અકસ્માત સર્જાયા બાદ કારની એરબેગ પણ ઓપન થઈ ગઈ હતી જે આધારે પોલીસે પ્રાથમિક અનુમાન લગાવ્યું છે કે 80થી વધુની સ્પીડ કાર દોડતી હશે.