પુતિનના વિરોધનો એક જ અંજામ – મૌત
બેગનર ચીફ યેવગેની જીવે છે કે મરી ગયા?કોઈને ખબર નથી.
રશિયામાં પુતીન સામે બળવો કરનાર ખાનગી સૈન્ય વેગનર ગ્રુપના ચીફ યેવગેની પ્રિગોઝીન વાસ્તવમાં માર્યા ગયા છે કે જીવે છે,કે જાતે ગુમ થઈ ગયા છે કે ગુમ કરી દેવાયા છે તે કોઈ જાણતું નથી.રશિયાએ સતાવાર રીતે તો માત્ર એટલી જ જાહેરાત કરી છે કે સાત પેસેન્જર અને ત્રણ ક્રૂ મેમ્બર્સ સાથેના અકસ્માતગ્રસ્ત વિમાનના મુસાફરોની યાદીમાં યેવગેનીનું નામ હતું.અન્ય મુસાફરોમાં વેગનરના ડેપ્યુટી ચીફ,લોજિસ્ટીક ચીફ અને એક બોડીગાર્ડનો સમાવેશ થાય છે.વેગનર ગ્રુપની ટેલીગ્રામ ચેનલે એ વિમાન રશિયન સેનાએ તોડી પાડ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.એ ઘટના બાદ મોસ્કો ખાતેના વેગનર ગ્રુપના હેડ ક્વાર્ટર માં બતીઓ બુઝાવી દઈને અંધારું કરી દેવામાં આવ્યું હતું.
રહસ્ય ઘેરું બન્યું છે.રશિયા માટે એમ કહેવાય છે કે સત્ય શું છે એ કોઈ જાણી શકતું નથી અને સાથે જ કંઈ પણ બની શકે એ સંભવ છે.આ યેવગેની 2019માં પણ એક વખત ‘મરી’ ગયા હતા.કોંગોમાં પ્લેન ક્રેશમાં તેમનું મૃત્યુ થયાનું જાહેર કરી દેવાયું હતું પણ ત્રણ દિવસ પછી તેઓ સાજા નરવા પ્રગટ્યા.આ વખતે શું થયું તે રહસ્ય છે.નિષ્ણાતોનો એક વર્ગ માને છે કે યેવગેની એ બળવો કર્યો ત્યારે જ તેમનું ડેથ વોરંટ લખાઈ ગયું હતું,માત્ર તારીખ લખવાની બાકી હતી.
રશિયાનો ઇતિહાસ ભેદ ભરમ ભરેલા મૃત્યુઓ થી ભરપુર છે.માનવ અધિકાર સંગઠનોએ 2022 સુધીમાં પુતિન ના કાર્યકાળ દરમિયાન થયેલા 38 સંદિગ્ધ મોત અને હત્યાઓની યાદી જાહેર કરી હતી.તેમાંથી રશિયાની બહાર અન્ય દેશોમાં બનેલી ભેદી ઘટનાઓ ની યાદી પણ ખૂબ મોટી છે અને તેમાં ભારત પણ બાકાત નથી.ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં ઓડિસાના રાયગઢમાં રશિયાના સાંસદ પોવેલ એન્ટોવનો લોહીથી લથબથ મૃતદેહ તેઓ જ્યાં ઉતર્યા હતા એ હોટલમાંથી મળી આવ્યો હતો.પોવેલ રશિયાના પ્રથમ 100 અબજોપતિઓમાં સ્થાન ધરાવતાં હતાં. તેમણે યુક્રેન ઉપરના આક્રમણ બદલ પુતિનની ટીકા કરી હતી.તેમનું મૃત્યુ ત્રીજા માળની બારીમાંથી પડી જવાને કારણે થયું હોવાનું જાહેર કરાયું હતું.વાત આટલેથી નથી પૂરી થતી.એ ઘટના બની તેના બે દિવસ પહેલા તેમના સાથી વાલદીમીર બીડેનોવનું પણ એ જ હોટેલમાં મૃત્યુ થયું હતું. તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાનું જાહેર થયું છે. બે દિવસમાં એક જ હોટેલમાં બે બે રશિયન નાગરિકોના મૃત્યુ થવા એ યોગાનુયોગ હોવાનું માનવું થોડું મુશ્કેલ છે.
પુતિનના વિરોધીઓ તેમ જ ઉચ્ચ સત્તાધીશોના રહસ્યો સંઘરીને બેઠા હોય તેવા લોકોની ભેદી હત્યાઓ થવાનો સિલસિલો ખૂબ જૂનો છે. રશિયન કોમ્યુનિસ્ટ પાર્ટીના ભૂતપૂર્વ નેતા ડેનિસ વોરામેનકોવ પુતિન ના પ્રખર ટીકાકાર હતા. રશિયામાં જીવ ઉપર જોખમ દેખાતા તેમણે 2016માં યુક્રેનમાં રાજ્યાશ્રય મેળવ્યો હતો પણ 24મી માર્ચ 2017ના રોજ કિવ માં અજાણ્યા હુમલાખોરોએ ધોળે દિવસે તેમનું શરીર ગોળીઓથી વીંધી નાખ્યું હતું. રશિયામાં એક સમયે બોરિસ નેમોત્સોવ પુતિન માટે રાજકીય પડકાર બની ગયા હતા.2015ના ફેબ્રુઆરી મહિનામાં તેઓ એક સભા સંબોધી રહ્યા હતા ત્યારે જ તેમની અંધાધૂંધ ગોળીબાર કરી હત્યા કરી દેવાઈ હતી. રશિયન અબજોપતિ બોરિસ બેઝકોવસકી એક સમયે પુતિનના જમણા હાથ જેવા હતા.બાદમાં તેઓ વિરોધી બની ગયા. 2013માં યુકેમાં તેમના બંગલાના બાથરૂમમાંથી તેમની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.ચેચેનયાના અત્યાચારો વિષે લેખો લખનાર મહિલા પત્રકાર નાટાલ્યા એઝીતેમિરોવાનું 2009માં તેના ઘરેથી અપહરણ થયા બાદ નજીકના જંગલમાંથી તેની લાશ મળી આવી હતી. ‘પુતિન રશિયા’ નામનું પુસ્તક લખનાર અન્ના પોલિત કોવાસકયા નામની પત્રકાર-લેખિકાને તેના એપાર્ટમેન્ટની લિફ્ટમાં ગોળીએ દઈ હત્યા કરવામાં આવી હતી. રશિયાની સ્પેસ એજન્સીના ભૂતપૂર્વ એકક્ઝિક્યુટિવ ડાયરેકટર વાલદિમીર એવોદિકોમેવ સામે 3.5 મિલિયન ડોલરનું કૌભાંડ કરવાની ફરિયાદ થઈ હતી. તેની ટ્રાયલ શરૂ થાય તે પહેલાં જ 18 માર્ચ 2017ના દિવસે જેલમાં જ તેમની હત્યા થઈ ગઈ હતી.
ઓડિશામાં ભેદી રીતે ત્રીજા માળેથી પડવાને કારણે પોવેલના રામ રમી ગયા તેવી અન્ય પાંચ ઘટનાઓ 2022ના એક જ વર્ષ દરમિયાન બની હતી.જોવાની ખૂબી એ છે કે મોટાભાગના મૃત્યુના તાર રશિયાની સૌથી મોટી સરકાર સંચાલિત ગેસ કંપની ગાઝપૉર્મ તેમ જ એવિએશન,બેંક અને ડિફેન્સ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અબજોપતિઓ હતા.કેટલાકે જાહેરમાં પુટિનની નિતિઓનો વિરોધ કર્યો હતો તો કેટલાક સરકારમાં ઉચ્ચ સ્થાને બેઠેલા લોકોના અનેક રહસ્યો જાણતા હતા.
કોર્પોરેટ ફાઇનાન્સ ના વ્યવસાય સાથે સંકળાયેલા ડેન રેપોપોર્તએ પૂટિનના સબળ હરીફ એલેક્સિ નેવાલનીનો તેણે સમર્થન જાહેર કર્યું હતું.બાદમાં ખતરો ભાળી ગયેલો ડેન 2012માં અમેરિકા રહેવા માટે આવી ગયો હતો પણ 14 ઓગસ્ટ 2022ના રોજ વોશિંગટનના વેસ્ટ એન્ડ વિસ્તારમાં તેના વૈભવશાળી એપાર્ટમેન્ટની બહાર તેની લાશ મળી આવી હતી.તેનું મૃત્યુ બારીમાંથી પડી જવાને કારણે થયું હોવાનું જણાવી કેસ બંધ કરી દેવાયો હતો.તેના એક મહિના બાદ રશિયાની સૌથી મોટી ખાનગી ઓઇલ એન્ડ ગેસ કંપની લુકઓઈલના 67 વર્ષના ચેરમેન રેવિલ મેગેનોવનું ગત વર્ષે તા.1 સપ્ટેમ્બરે મોસ્કોની હોસ્પિટલના છઠા માળની બારીમાંથી પડી જવાને કારણે મૃત્યુ થયું હતું.આ કંપનીએ યુક્રેન ઉપરના હુમલાની ટીકા કરી હતી.12મી સપ્ટેમ્બરે એવિએશન ક્ષેત્ર સાથે સંકળાયેલી કોર્પોરેશન ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ફાર ઇસ્ટ એન્ડ આર્કટિકના મેનેજીંગ ડાયરેકટર ઇવાન પેકોરિનની લાશ બેરેગોવેઓ નામના ગામડા નજીક પાણી માંથી મળી આવી હતી.તેમનું મૃત્યુ બોટમાંથી પડી ગયા બાદ ડૂબી જવાને કારણે થયું હોવાનું જાહેર કરાયુ હતું.આ ઘટના તાજી હતી ત્યાં 21મી સપ્ટેમ્બરે મોસ્કો એવિએશન ઇન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ વડા એનેલોયેલી ગેરસ્કેનકોનું એ જ સંસ્થાના દાદરા ઉપરથી પડી જતા મૃત્યુ થયું. એવિએશન સાથે સંકળાયેલી આ બન્ને સંસ્થાઓ રશિયન ડિફેન્સ મિનિસ્ટ્રી સાથે ડીલિંગ કરતી હતી.માત્ર 9 દિવસમાં એ ક્ષેત્રના બે બે અબજોપતિ માંધાતાઓના મૃત્યુ થાય અને બન્ને મૃત્યુ પાછા પડી જવાને કારણે થાય એ તો ગજબ કહેવાય ને? હજુ આ યાદી પુરી નથી થઈ.ગાઝપૉર્મ સંચાલિત એસ્તોસેડોક સ્કી રિસોર્ટના જનરલ ડાયરેકટર એન્દ્રેઈ કુકોવસકીની એ જ રિસોર્ટમાંથી 1લી મે ના રોજ લાશ મળી હતી.તેઓ હાઇકિંગ કરતી વખતે શિખર ઉપરથી ગબડી પડતા મોત થયાનું જાહેર થયું હતું. 2022માં જ તા.30 જાન્યુઆરીના રોજ લીઓનીડ સુલમાન નામના ગાઝપૉર્મના ટ્રાન્સપોર્ટ ડિવિઝનના હેડ લેનિનગાર્ડ નજીકના લેનીનસ્ત નામના ગામડાની તેની વિલામાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા.એ પછી એક મહીના બાદ તા.25 ફેબ્રુઆરીના રોજ એ જ ગામમાં 61 વર્ષના અલેકઝાન્ડર તામુલિકોવનો મૃતદેહ તેના ગેરેજમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો. અલેકઝાન્ડર પણ ગાઝપોર્મ ના ટોપ એક્ઝિક્યુટિવ હતા.18મી એપ્રિલે ગાઝપોર્મ બેંકના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ વલાદીસલાવ એવાયેવના મોસ્કો ખાતેના એપાર્ટમેન્ટમાંથી તેમની અને તેમની પત્ની અને 13 વર્ષની પુત્રીની લાશો મળી આવી હતી.
એવાયોવનો પનારો ખાનગી બેંકો સાથે હતો. એટલે કે રશિયાના વીઆઇપીઓ સાથે ડીલ કરતા હતા. રશિયાના ઉચ્ચ સત્તાધીશોના રહસ્યો તેઓ જાણતા હતા અને એટલે કાયમી ધોરણે તેમને શાંત કરી દેવાયા હોવાનું માનવામાં આવે છે. એ બનાવના બીજા જ દિવસે એ જ ઘટના સાથે આબેહૂબ સામ્ય ધરાવતો વધુ એક બનાવ બન્યો. રશિયાની ટોચની ગેસ ઉત્પાદક કંપની નોવાટેકના તાર પણ ગાઝપોર્મ સાથે જોડાયેલા છે. એ કંપનીના 433 મિલિયન ડોલરની મિલકત ધરાવતા ભૂતપૂર્વ અધિકારી સેરેગા પ્રોટોસેનયાની લાશ તેમની સ્પેનની વિલાના ગાર્ડનમાંથી મળી આવી હતી. તેમની પત્ની અને 18 વર્ષની પુત્રીની લોહીલુહાણ લાશો વીલાની અંદર પડી હતી. સેરેગા એ પત્ની અને પુત્રીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હોવાનો ચુકાદો રશિયન પોલીસે રજૂ કરી દીધો છે. આ બધી ઘટનાઓના તાણાવાણા એક યા બીજી રીતે ગેસ અને ઓઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા એ પણ એક ગજબનાક યોગાનુયોગ હતો.તા.28 ફેબ્રુઆરીના રોજ રશિયન ઓઇલ અને ગેસ ટાઈકુન તરીકે ઓળખાતા મિખાઇલ વેટફર્ડ નામના રશિયન અબજોપતિ ઇંગ્લેન્ડમાં સરે ખાતેના તેમના બાંગ્લામાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા.
રશિયાના લોખંડી પડદા પાછળ શુ બને છે એ કોઈ જાણતું નથી.સતામાં બેઠેલાઓ ભયંકર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે.રશિયાના મોટાભાગના અબજોપતિઓ પુટિનની નજીકના ગણાય છે. તેમાં મતભેદો થાય તો સદા માટે મોઢું બંધ કરી દેવાય છે. આ હત્યાઓ,કથિત આપઘાતો અને કથિત આકસ્મિક મૃત્યુઓના રહસ્ય વણઉકેલ રહ્યાં છે. આ બનાવો પાછળની તાકાતો એટલી શક્તિશાળી છે કે સત્ય કદી બહાર આવતું નથી. વેગનર ચીફ યેવગેની જિંદા છે કે ગુજરી ગયા છે તે ભેદ પણ કદી ઉકેલાશે કે નહી તે જાણવા માટે પ્રતીક્ષા કરવી પડશે.
