નશાકારક દવાનું વેંચાણ તો નથી થતું ને? મેડિકલ સ્ટોર્સમાં રાજયવ્યાપી દરોડા, રાજકોટમાં 50થી વધુ ટીમો દ્વારા કાર્યવાહી
ગુજરાતમાં નાર્કોટિક્સ કે આવી ગેરપ્રવૃત્તિઓ ડામી દેવાના સરકારના આદેશના પગલે આજે રાજ્યભરમાં પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, આરોગ્ય વિભાગોની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. રાજ્યના ચાર મહાનગરો ઉપરાંત નાના શહેરોથી લઈ મોટા ગામો કે જ્યાં મેડિકલ સ્ટોર્સ કે દવાની દુકાનો આવેલી છે ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું. ચોક્કસ નશીલી દવાઓના સ્ટોક્સ, વેચાણ, બીલોની ચકાસણી કરાઈ હતી. જ્યાં ગેરરીતિ દેખાઈ કે મળી આવી તેમની સામે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પોલીસ સાથે મળીને ફરિયાદ સુધીની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાજ્યભરમાં અચાનક જ આજે ચેકિંગ ચાલુ થતાં દવાના ધંધાર્થીઓમાં વાત વાયુવેગે પ્રસરી ગઈ હતી. ગભરાહટ ફેલાયો હતો. તંત્ર દ્વવારા પણ સ્પષ્ટતા કરાઈ હતી કે જ્યાં બધું કાયદેસરતા મુજબ કામ, વેચાણ થાય તેવા કોઈ ધંધાર્થીઓએ ડરવાની જરૂર નથી.
રાજ્યમાં દવા કે શીરપના નામે નશાકારક ડ્રગ્સ, શીરપ, બોટલો વેચાતી હોવાના અને અગાઉ અનેક શહેર, સ્થળોએ આવી લાખો રૂપિયાની નશીલી દવાઓ, બોટલો પોલીસે પકડી હતી અને મેડિકલ કે દવાની આડમાં આવા નશીલા કેફી ડ્રગ્સ શીરપ બનાવતા શખસો સામે ગુનાઓ પણ નોંધાયા હતા. રાજકોટ શહેર-જિલ્લામાં પણ આવી લાખો રૂપિયાની બોટલો પકડાઈ ચૂકી હતી. ડીજીપી વિકાસ સહાયને એક્સ્ટેન્શન મળતા બે દિવસ પૂર્વે અમદાવાદમાં ક્રાઈમ કોન્ફરન્સ મળી હતી જેમાં નાર્કોટિક્સ, એનડીપીએસના કેસ અને આવા ધંધાર્થીઓને ડામવા સૂચના અપાઈ હતી. આજે રાજ્યસ્તરે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ તેમજ અન્ય મોટા શહેરોમાં શહેર, જિલ્લાની પોલીસ, અધિકારીઓ સાથેની ટીમ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી સ્ટાફ સાથે સંકલિતપણે આજે સવારે ઉઘડતી બજારથી જ મેડિકલ સ્ટોર્સ, દવાના હોલસેલર્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ, ધંધાર્થીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

અમદાવાદ તેમજ અન્ય મહાનગરોમાં બન્ને વિભાગ દ્વારા મેડિકલ સ્ટોર્સમાં વેચાતી કોડીન કે આવા નશાકારક શીરપ કે દવાના નામે વેચાતી આવી દવાઓનું વેચાણ કેટલ પ્રમાણમાં થાય છે ? સ્ટોક અને વેચાણ બીલ સહિતની બાબતો ચકાસવામાં આવી હતી. તબીબ પ્રિ-સ્ક્રીપ્શન વિના ક્યાંય આવી નશાકારક દવા, શીરપ વેચાણ છે કે કેમ ? તે પણ તપાસવામાં આવ્યું હતું.
રાજકોટમાં મોટા મેડિકલ સ્ટોર્સ, એસ્ટ્રોન ચોક, સરદારનગર, વિદ્યાનગર તેમજ હોસ્પિટલોમાં આવેલા મેડિકલ સ્ટોર્સ ઉપરાંત પંચનાથ વિસ્તાર દવાઓનું સ્ટોકિસ્ટો, હોલસેલર્સનું હબ હોય આવા સ્થળોએ પણ સંયુક્ત રીતે કાર્યવાહી કરાઈ છે.
રાજકોટમાં 150થી વધુ સ્થળોએ ચકાસણી કરાઈ હતી. આજી ડેમ વિસ્તારમાં એક સ્થળેથી વધારે પડતો સ્ટોક મળી આવ્યો હોવાનું અને અન્યત્ર પણ ક્યાંક કોઈ બીલ કે આવી ઉણપો પ્રાથમિક તબક્કે મળ્યાનું જાણવા મળે છે. સૌરાષ્ટ્રભરમાં જામનગર, જૂનાગઢમાં ૬૫થી વધુ, પાટણવાવમાં 60 જેટલા સ્ટોર્સ ચકાસવામાં આવ્યા હતા. ગોંડલથી લઈ ગીર સોમનાથ, મોરબી સહિતના સેન્ટરોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જે રીતે એક સાથે સમગ્ર રાજ્યમાં મેડિકલ સ્ટોર્સ, દવાના ધંધાર્થીઓને ત્યાં સરકારી તંત્રની ટીમો આવી ચડતા વેપારીઓ, ધંધાર્થીઓમાં ઉચાટ ફેલાયો હતો. આ અંગે એસો.ના પ્રમુખ જશુભાઈ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે નાર્કોટિક્સ અને કોડીન કે આવા શીરપ નસીલા દવાનું વેચાણ સંદર્ભે ચેકિંગ છે. ગભરાવવાની કોઈ જરૂર નથી. બે-પાંચ, પંદર બોટલો હોય સ્ટોક હોય તે બતાવી આપવા સાથે તંત્રને પણ કોઈ ખોટી કનગડત ન થાય તે જોવા ટકોર કરાઈ હતી.
આ પણ વાંચો : પુલની કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ : ગુજરાતમાં ત્રણ વર્ષમાં નાના મોટા પુલ તૂટવાની દસ ઘટના, પ્રજા ભગવાન ભરોસે
રાજકોટમાં શાળા, કોલેજો નજીક પણ ચેકિંગ કરાયું
રાજકોટ શહેરમાં આજે બપોરે સ્કૂલ, કોલેજના છૂટવાના કે બપોરની શીફ્ટ શરૂ થવાના સમયે બારેક વાગ્યા બાદ રાજકોટ સિટી પોલીસ દ્વારા સામૂહિક ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી. શાળા, કોલેજો, શૈક્ષણિક સંકૂલો પાસે પડ્યા રહેતા લફંગાઓકે ટીનએજર્સને ફસાવીને નશાની હાલત લગાડનારા ડ્રગ્સ વેચનારા, પેડલર્સ પર પોલીસે લાલ આંખ કરી છે. શાળા-કોલેજ નજીક પડ્યા રહેતા આવા તત્વોને શોધવા માટે શહેરભરમાં અલગ-અલગ ટીમો ફરી વળી હતી. જો કે સમીસાંજ સુધી પોલીસ દ્વારા કામગીરી બાબતનો સત્તાવાર કોઈ આંક જાહેર થયો ન હતો. આવી ડ્રાઈવ લોકલ લેવલે સમયાંતરે રહેવી જોઈએ તો જ શાળા-કોલેજો પાસેથક્ષ આવા ન્યૂસન્સ દૂર થઈ શકશે. નહીં તો બે-પાંચ દિવસ ગૂમ રહ્યા બાદ ફરી આવી ચડશે.
