ગંભીરા બ્રીજ તૂટશે તેની કોઈને ગંભીરતા જ ન હતી : દુર્ઘટનામાં મૃત્યુઆંક 14એ પહોંચ્યો, હજુ 6 લોકો લાપતા
રાજ્યમાં બનેલી વધુ એક બ્રીજ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના બુધવારે સવારે વડોદરા અને આણંદ વચ્ચે આવેલા ગંભીરા બ્રીજ તૂટવાને લીધે બની હતી. આ બ્રીજના વચ્ચેથી જ બે કટકા થઇ ગયા હતા અને આ સમયે બ્રીજ ઉપરથી પસાર થતા અડધો ડઝન જેટલા વાહનો નીચે મહી નદીમાં ખાબક્યા હતા. આ ઘટનામાં સૌથી મોટી અને ચોંકાવનારી વાત એ છે કે, 40 વર્ષ જુનો આ ગંભીરા બ્રીજ જર્જરિત થઇ ગયો છે તે સરકારી તંત્ર જાણતુ હતુ, ભૂતકાળમાં આ બ્રીજ તુટવા જેવો છે અને તૂટે તો સરકારી તંત્ર જવાબદાર રહેશે તેવી રજુઆતો પણ જવાબદાર વ્યક્તિઓ દ્વારા થઇ હતી આમ છતાં ગુનાહિત બેદરકારી રાખવામાં આવી હતી અને બુધવારે સવારે 14 લોકોનો ભોગ લેવાઈ ગયો હતો. આ દુર્ઘટના પછી રાબેતામુજબ સરકાર દ્વારા વળતરની અને ઉચ્ચ કક્ષાએ તપાસની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. સરકારે તો એવો બચાવ પણ કર્યો છે કે આ બ્રીજ જોખમી હોવાથી અહી કરોડોના ખર્ચે નવો બ્રીજ બનાવવાની મંજુરી પણ આપી દેવામાં આવી છે.

અહી પ્રશ્ન એ થાય છે કે, સૌરાષ્ટ્રને મધ્ય ગુજરાત સાથે જોડતો આ ગંભીરા બ્રીજ ખખડધજ છે અને તૂટી શકે છે તે બધાને ખબર હતી આમ છતાં તેના ઉપરથી વાહનો શા માટે ચાલવા દેવાતા હતા. ઘણા લોકોએ એવું કહ્યું કે, આ બ્રીજ ઉપરથી ભારે વાહન પસાર થાય એટલે તેમાં ધ્રુજારી આવતી હતી. આ પ્રકારની ધ્રુજારી જ તૂટી પડવાના લક્ષણ છે.હવે માર્ગ મકાન વિભાગે આ દુર્ઘટનાની તપાસ માટે છ સભ્યોની કમિટી બનાવી છે પણ આ કમિટી કાંઇ ઉકાળી શકશે નહી તે બધાને ખબર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકનિકલ નિષ્ણાતોને ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતના કારણની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આ પણ વાંચો : રાજકોટ કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાઇ માર્ગ સલામતી સમિતિની બેઠક : પેચવર્ક-રિસરફેસિંગની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તાકીદ
ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનામાં જે ગંભીર હકીકતો બહાર આવી છે તે અત્યંત સ્ફોટક છે. જિલ્લા પંચાયતના એક સભ્ય હર્ષદસિંહ ચંદુભાઈ પરમારે 2022માં આ પુલની કથળેલી સ્થિતિ અંગે રાજ્ય સરકારને પત્ર લખીને જાણ કરી હતી છતાં આજ સુધી કોઈ નક્કર પગલાં નહીં લેવાતા 14 વ્યક્તિઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.આ દુર્ઘટના પછી હર્ષદસિંહે કહ્યું છે કે, સરકારે જાણીજોઈને લોકોના જીવ લીધા છે. હું માંગ કરું છું કે આ ઘટના માટે જવાબદાર અધિકારીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવે.

દરમિયાન, રાજ્ય સરકાર દ્વારા આ ઘટનાના પીડિતો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના X હેન્ડલ ઉપર આ જાહેરાત કરતાં કહ્યું કે, દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને ચાર (4) લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે. તેમજ, દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ પ્રત્યેકને 50,000 રૂપિયાની સહાય, ઉપરાંત તમામ સારવાર વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.
પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ પુલ 1985માં બનાવવામાં આવ્યો હતો, જેની સમયાંતરે જાળવણી કરવામાં આવતી હતી.રાજ્ય સરકારે આ બ્રિજના સ્થાને નવો બ્રીજ બનાવવાની મંજુરી પણ આપી દીધી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વીટ કર્યું,
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વીટ કર્યું, ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ અકસ્માતમાં અનેક લોકોના મોતના સમાચાર અત્યંત દુ:ખદ છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. મારી પ્રાર્થના છે કે આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકો ઝડપથી સ્વસ્થ થાય.

વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માત પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી જાનમાલનું નુકસાન અત્યંત દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
વિરોધ પક્ષે સરકાર ઉપર માછલા ધોયા
આ બ્રીજ દુર્ઘટના પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ સરકાર ઉપર ટીકાઓનો વરસાદ કર્યો છે. વિપક્ષના નેતા અમિતા ચાવડા, આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યુ છે કે, સરકાર પ્રજાના જાનમાલના રક્ષણમાં નિષ્ફળ ગઈ છે.
