સ્કાય વોક-ફૂટ ઓવરબ્રિજ, 3 નવી શાકમાર્કેટ,ઑક્સિજન પાર્ક હજુ ‘કાગળ’ ઉપર : RMCના બજેટમાં જાહેર કરેલી 20માંથી 12 યોજનાના કોઈ ઠેકાણા નથી
રાજકોટ મહાપાલિકાના શાસકો દ્વારા નવા નાણાકીય વર્ષે બજેટ જાહેર કરવામાં આવે છે અને તેમાં અનેક ફુલગુલાબી યોજનાઓની જાહેરાત કરી વાહવાહી મેળવવામાં આવે છે. 2025-26ના બજેટમાં જ્યારે સ્ટેન્ડિંગ કમિટીએ 20 નવી યોજનાની જાહેરાત કરી ત્યારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે સાકાર થઈ શકે તેવી યોજનાઓ જ બજેટમાં સામેલ કરાઈ છે પરંતુ શાસકોનો આ દાવો પોકળ સાબિત થઈ રહ્યો હોય તેવી રીતે જાહેર કરાયેલી 20માંથી 12 યોજના હજુ `કાગળ’ ઉપર જ રહી જવા પામી છે. વળી, અમુક યોજના જે સરળતાથી અમલી બનાવી શકાય તેમ હતી તે સડસડાટ કાર્યરત થઈ ગઈ છે પરંતુ લોકોને સીધી રીતે સ્પર્શતી યોજનાઓના હજુ ઠેકાણા પણ ન હોય લોકો રીતસરની હાંસી ઉડાવી રહ્યા છે.

શાસકો દ્વારા ત્રિકોણ બાગ, કાલાવડ રોડ-આત્મીય યુનિવર્સિટી તેમજ ક્રિષ્ના પાર્ક હોટેલ-ગોંડલ રોડ ચોકડી પાસે સ્કાય વોક-ફૂટ ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આ યોજના સાકાર થઈ શકે છે કે કેમ તે જાણવા માટે છ મહિનાની અંદર માત્ર અધિકારી નીમી શકાયા છે એ સિવાય કોઈ જ કાર્યવાહી આગળ કરવામાં આવી નથી. આ ઉપરાંત શહેરમાં ગ્રીનલેન્ડ ચોક, માધાપર ચોક, એસઆરપી કેમ્પ, બેડી ચોકડી પાસે મોડેલ એન્ટ્રી ગેઈટની યોજના પણ હજુ સુધી ગતિમાન થવા પામી નથી.

આ જ પ્રમાણે કાલાવડ રોડ પર અવધ નજીક થીમ બેઈઝડ ઑક્સિજન પાર્ક તેમજ મોડર્ન ફૂડ કોર્ટ બનાવવાનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો જેના માટેની ડિઝાઈન સહિતનું તૈયાર થઈ ચૂક્યું છે પરંતુ હજુ સુધી ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી. ત્રણ નવી શાક માર્કેટ બનાવવાની જાહેરાત કરાઈ હતી તેમાં એકમાત્ર સેન્ટ્રલ ઝોનમાં રેલનગર વિસ્તારમાં શાકમાર્કેટ બનાવવાનું ટેન્ડર પ્રસિદ્ધ થયું છે. આ સિવાય વેસ્ટ ઝોનમાં લક્ષ્મીનગર અને ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં.4માં સેટેલાઈટ ચોક પાસે શાક માર્કેટ માટે જગ્યા જ શોધાઈ રહ્યાનું ધ્યાન પર આવ્યું છે. આ જ પ્રમાણે જ્યુબિલી અને કનકનગર શાક માર્કેટના નવીનીકરણની કામગીરી પણ ઘોંચમાં પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

દર વખતના બજેટમાં સામેલ રહેવા માટે જાણીતા શ્રી રામનાથ મહાદેવ મંદિર બ્યુટિફિકેશનની આ વખતે પણ જાહેરાત કરાઈ પરંતુ શ્રદ્ધાળુઓનું દૂર્ભાગ્ય પણ આ દિશામાં પણ હજુ સુધી કશી જ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
આ સિવાય અન્ય યોજનાની વાત કરાય તો વોર્ડ નં.15માં અમુલ સર્કલથી નેશનલ હાઈ-વે સુધીના 80 ફૂટ રોડનું ડેવલપમેન્ટ, રાજકોટ મહાપાલિકાનું પહેલું પશુ દવાખાનું, વિદ્યાર્થિનીઓને સર્વાઈકલ કેન્સરની વિનામૂલ્યે વેક્સિન, મેમોગ્રાફી મશીન, રેસકોર્સ રિંગરોડ પર કાયમી સુશોભન માટે એલઈડી લાઈટ, લાખાજીરાજ શાકમાર્કેટ (ધર્મેન્દ્ર રોડ)માં ફ્રૂટ માર્કેટ તેમજ હોકર્સ ઝોન અને 100 વર્ષ જૂના એક રોડના ડેવલપમેન્ટની જાહેરાત પણ હાલ કાગળ ઉપર જ રહેવા પામી છે.

ચૂંટણીનું વર્ષ છતાં આટલી સુસ્તી ?
આ વર્ષના અંતમાં મહાપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે બજેટમાં જાહેર કરેલી યોજનાઓ ફટાફટ અમલી બનાવી એકંદરે મત અંકે કરવાની શાસકો પાસે તક રહેલી છે આમ છતાં આટલી બધી સુસ્તી ખુદ લોકોને પણ અકળાવી રહી છે. ચૂંટણી આડે હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે તે પહેલાં જો જાહેર કરેલી યોજનાઓ કાગળ પરથી બહાર નીકળી વાસ્તવિક નહીં બને તો લોકો 100% શાસકો પાસે `હિસાબ’ માંગશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
આ પણ વાંચો : “મેં અનેક દુષ્કર્મ પીડિત છોકરીઓ,મહિલાઓના શબોનો નિકાલ કર્યો છે.” મંદિરના ભૂતપૂર્વ સફાઈ કામદારની કબુલાતથી હડકંપ
શાસકોનું સંપૂર્ણ ધ્યાન અત્યારે ખાડા ઉપર…!
રાજકોટમાં સામાન્ય વરસાદની અંદર લગભગ દરેક રસ્તા ચીતરામણા એટલે કે બદસૂરત બની ગયા છે અને જ્યાં જુઓ ત્યાં ખાડા જોવા મળી રહ્યા હોય શાસકોનું સંપૂર્ણ ધ્યાન અત્યારે ખાડા ઉપર કેન્દ્રીત હોવાનું લાગી રહ્યું છે. જો કે ખાડા બૂરવા જેટલા જરૂરી છે એટલી જ જાહેર કરેલી યોજનાઓને સાકાર કરવી પણ જરૂરી હોવાનો લોકમત છે.