ટ્રાફિક નિયમનો ભંગ કરનાર ૮૫,૯૬૩ વાહન ચાલકોને કોર્ટમાં હાજર થવા ફરમાન
૮ સપ્ટેમ્બર સુધી દંડની રકમ ભરપાઈ કરવા તાકીદ
વન નેશન વન ચલણ સીસ્ટમ અંતર્ગત પણ ઇ-મેમો નહિ ભરનારના કેસ ટ્રાફિક કોર્ટમાં મોકલાશે
રાજકોટમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર અને ઇ-મેમોના દંડની રૂ.6.45 લાખ જેટલી રકમ ભરપાઈ કરેલ ના હોય તેવા કુલ ૮૫,૯૬૩ વાહન ચાલકોને કોર્ટ નોટીસ પાઠવાઇ અને આગામી 9 સપ્ટેમ્બરના રોજ આ તમામ વાહન ચાલકોને કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો છે.
શહેર વિસ્તારમાં પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની ટીમ દ્વારા મોનીટરીંગ કરી જે લોકો ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે તેવા લોકોને ઇ-મેમો ઇશ્યુ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ઘણા લોકો આ મેમો આવ્યા બાદ દંડ ભરતા નથી. જેથી આવા લોકો વિરૂદ્ધ કાયદેસર ના પગલા લેવાનો નિર્ણય લેવાયો છે. શહેરમાં ટ્રાફિક નિયમો ભંગ કરનાર અને ઇ-મેમોના દંડની ભરપાઈ કરેલ ના હોય તેવા કુલ ૮૫,૯૬૩ વાહન ચાલકોને કોર્ટ નોટીસ પાઠવાઇ છે. તેમની સામે ૯ સપ્ટેમ્બર-૨૦૨૩ ના રોજ લોક અદાલતમાં કાર્યવાહી થશે. જો કોઇ વાહન ચાલક બાકી રહેતા ઇ-મેમો ભરવા ઇચ્છતા હોય તો તા.૦૮/૦૯/૨૦૨૩ સુધી ભરવા તાકીદ કરાઇ છે.
ત્યારબાદ આગામી તા.૦૯/૦૯/૨૦૨૩ ના રોજ પ્રિ-લીટીગેશન લોક અદાલતનું આયોજન કરાયું છે. જેમાં રાજકોટ શહેર પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ દ્વારા સને-૨૦૨૨ માં ઇશ્યુ કરવામાં આવેલ ઇ-મેમો પૈકી જે વાહન ચાલકોના ઇ-મેમાના દંડ આજ દિન સુધી ભરાયા નથી તેવા વાહન ચાલકો સામે જીલ્લા કાનુની સેવા સતા મંડળ, રાજકોટ શહેર દ્વારા રૂ. ૬,૪૫,૧૦,૭૦૦ જેટલી રકમ વસુલવા માટે કુલ ૮૫,૯૬૩ વાહન ચાલકોને નોટીસ પોસ્ટ તેમજ એસએમએસ દ્વારા મોકલવામાં આવી છે. આથી જે વાહન ચાલકોને દંડ ભરવાનો બાકી હોય તેમને તા.૦૮/૦૯/૨૦૨૩ સુધીમાં ટ્રાફિક શાખા, જામટાવર ચોક પાસે, રૂડા બિલ્ડીંગની બાજુમાં રાજકોટ શહેર ખાતે ભરી શકાશે. આ ઉપરાંત https://rajkotcitypolice.co.in પર ઓનલાઇન ભરી શકાશે અને તા.૦૯/૦૯/૨૦૨૩ નારોજ જે.એમ.એફ.સી ટ્રાફિક કોર્ટ, રૂમ નં-૭૧૫, સાતમો માળ, સીવીલ કોર્ટ બિલ્ડીંગ, હોસ્પિટલ ચોક, રાજકોટ શહેર ખાતે પણ ભરી શકાશે. વધુમાં ૧૬/૦૧/૨૦૨૩ થી રાજકોટ શહેર ખાતે વન નેશન વન ચલણ સીસ્ટમ અંતર્ગત ઇ-મેમો ઇસ્યુ કરવામાં આવે છે, જે ઇ-મેમો ૯૦ દિવસની અંદર ભરવામાં નહિ આવે તો તેવા ઇ-મેમો વર્ચ્યુઅલ કોર્ટ/ ટ્રાફિક કોર્ટમાં મોકલી આપવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે ઇ-મેમોની વિગતો https://echallan.parivahan.gov.in પર ચેક કરી શકાય છે.
