રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠિયા પર ED કરશે કાર્યવાહી : મની લોન્ડરિંગનો કેસ ચલાવવા RMC સ્ટેન્ડિંગ કમિટીની લીલીઝંડી
રાજકોટ મહાપાલિકામાં આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં નવું ફાયર સ્ટેશન બનાવવા, ફાયર વિભાગમાં એડિશનલ ચીફ ફાયર ઓફિસરની ભરતી કરવા સહિતની 63 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. જેમાંની એક દરખાસ્ત પૂર્વ TPO મનસુખ સાગઠિયા સામે ગુન્હો નોંધવા ED દ્વારા દરખાસ્ત મૂકવામાં આવી હતી.

મહાપાલિકાના તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) એમ.ડી.સાગઠિયા (મનસુખ ધનજીભાઈ સાગઠિયા) સામે કાયદાનો ગાળિયો વધુને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યો છે. ટીઆરપી ગેઈમઝોન અગ્નિકાંડમાં સાગઠિયા એન્ડ ટીમની વરવી ભૂમિકા ખુલ્યા બાદ હાલ સાગઠિયા સહિતના જેલમાં બંધ છે. આ પછી એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા સાગઠિયાની બેનામી સંપત્તિ શોધી શોધીને બહાર લાવ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પણ આ તપાસમાં ઝંપલાવીને સાગઠિયાની કરોડો રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધા બાદ હવે તેની સામે નાણાંની હેરફેરનો ગુનો નોંધવાનો માર્ગ પણ મોકળો થઈ જતાં ટૂંક સમયમાં આ કાર્યવાહી પણ કરાશે.
ED દ્વારા સાગઠિયા વિરુદ્ધ નાણાંની ગેરકાયદે હેરફેર મતલબ કે મની લોન્ડ્રીંગનો ગુનો નોંધવા માટે મહાપાલિકાની મંજૂરી શહેરી વિકાસ વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ મારફતે માંગવામાં આવી હતી. આ દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામાં આવતાં બુધવારે મળેલી કમિટીની બેઠકમાં સાગઠિયા વિરુદ્ધ ગુનો નોંધવા માટેની પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી હતી. આ દરખાસ્ત મંજૂર થયા બાદ આ મહિને જ મળનારા જનરલ બોર્ડમાં પણ આ અંગે ઠરાવ પસાર કરાયા બાદ ઈડીને તે અંગેની પત્ર મારફતે જાણ કરાશે. જનરલ બોર્ડની મંજૂરી મળી જતાંની સાથે જ ગુનો નોંધાશે જેથી સાગઠિયાએ છેક દિલ્હી સુધી લાંબું થવું પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે એમ.ડી.સાગઠિયા વર્ગ-1ના અધિકારી તરીકે ફરજ બજાવતો હોય તેની નિમણૂક કરવાની સત્તા સામાન્ય સભાને હોવાથી તેની મંજૂરી જરૂરી બની જાય છે.

કમિટી ચેરમેન જયમીન ઠાકરના વડપણ હેઠળ મળનારી આ બેઠકમાં વોર્ડ નં.17માં વિરાટનગર, પારડી રોડ ઉપર 21.55 કરોડના ખર્ચે ગ્રાઉન્ડ ફ્લોર+સાત માળનું 2 બીએચકેના 46 અને 3 બીએચકેના 4 સ્ટાફ ક્વાર્ટર્સ સહિતની સુવિધા ધરાવતું ફાયર સ્ટેશન બનાવવાની દરખાસ્ત પર નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફાયર શાખામાં એડિશનલ ચીફ ફાયર ઓફિસરની ભરતી તેમજ વધુ બે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ભરતી કરવાની દરખાસ્ત પર નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દરખાસ્તને મંજૂરી મળી ગઈ ત્યાર બાદ ફાયર વિભાગમાં સ્ટાફનું સેટઅપ 696માંથી 699 થશે.

જો કે એ વાત પણ નોંધવી રહી કે હજુ સુધી મહાપાલિકાને કાયમી ચીફ ફાયર ઓફિસર પણ મળ્યા નથી. આ ઉપરાંત ટીઆરપી ગેઈમઝોન અગ્નિકાંડના જવાબદાર તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા સામે એસીબી દ્વારા ઈડીમાં મની લોન્ડરિંગનો ગુનો દાખલ કરાવ્યા બાદ આ કેસ ચલાવવાની મંજૂરી આપવાની દરખાસ્ત પણ કરવામાં આવી હતી જે મંજૂર કરવામાં આવી છે.