દેશમાં 2 વર્ષમાં 3.5 કરોડ નોકરીનું સર્જન કરવાની તૈયારી : કેન્દ્રીય કેબિનેટે યોજનાને આપી મંજૂરી
કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે 3 મોટી યોજનાઓને મંજૂરી આપી હતી. રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી હતી. નવી રમતગમત નીતિ -2025 ને તેમજ સંશોધન વિકાસ યોજનાઓને પણ લીલીઝંડી આપી હતી. દેશમાં તમામ ક્ષેત્રોમાં રોજગાર ઉત્પન્ન કરવાની, રોજગાર ક્ષમતા વધારવાની અને સામાજિક સુરક્ષા વધારવાની યોજના છે. સરકાર આ યોજના હેઠળ 2 વર્ષમાં 3.5 કરોડથી વધુ લોકોને રોજગાર આપવાની યોજના ધરાવે છે. આ માટે રૂપિયા 1.07 લાખ કરોડની ફાળવણી થશે.

બીજી તરફ, સરકાર પહેલી વાર કામ કરતા કામદારોને બે હપ્તામાં એક મહિનાના પગાર જેટલી 15000 રૂપિયા સુધીની સબસિડી આપશે. આ યોજનાનો ઉદ્દેશ્ય ઉત્પાદન ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે પહેલી વાર કામ કરતા કામદારોને પ્રોત્સાહન આપવાનો છે. ઉપરાંત, દેશમાં બેરોજગારી ઘટાડવાનો પણ ઉદ્દેશ્ય છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ યોજના વિશે વિગતવાર માહિતી શેર કરી હતી. તેમણે કહ્યું કે આ યોજના બે વર્ષમાં 3.5 કરોડથી વધુ નોકરીઓના રોજગાર સર્જનને ટેકો આપવા માટે બનાવવામાં આવી છે, જેનો ખર્ચ 1 લાખ કરોડ રૂપિયા છે. આ યોજના બધા સાથે ચર્ચા કર્યા પછી તૈયાર કરવામાં આવી છે. આ યોજનાની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન કરી હતી.
સબસિડી બે હપ્તામાં આપવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેનું ધ્યાન ઉત્પાદન ક્ષેત્ર પર રહેશે. તેના બે ભાગ પ્રથમ વખત કામ કરનારાઓ અને ટકાઉ રોજગાર માટે બનાવવામાં આવ્યા છે. પ્રથમ વખત કામ કરનારાઓને નોકરી શોધવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી, પ્રથમ વખત કામ કરનારાઓ માટે સબસિડી મંજૂર કરવામાં આવી છે, જેમાં મહત્તમ 15000 રૂપિયા આપવામાં આવશે. આ બે હપ્તામાં આપવામાં આવશે. એક છ મહિના માટે અને બીજો 12 મહિના માટે… આ સબસિડીનો લાભ કંપનીઓને આપવામાં આવશે. આ અંતર્ગત, દરેક કર્મચારીને 2 વર્ષ માટે દર મહિને રૂ. 3000 ની સહાય આપવામાં આવશે. આનાથી રોજગારની વધુ તકો ખુલશે. આનાથી ટકાઉ વિકાસને પ્રોત્સાહન મળશે.

નવી રમતગમત નીતિ; ઓલિમ્પિક-2036નું આયોજન થશે
કેબિનેટે નવી રાષ્ટ્રીય રમતગમત નીટ-2025 ને પણ લીલીઝંડી આપી હતી. આ ક્ષેત્રમાં ભારતને વૈશ્વિક મહાશક્તિ બનાવવાનો હેતુ છે. સાથોસાથ ઓલિમ્પિક-2036 નું આયોજન પણ કરવામાં આવશે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પ્રતિભાઓની ઓળખ કરીને એમને પ્રોત્સાહન આપવામા આવશે. ખેલાડીઓ માટે દરેક પ્રકારની સહાયતા અપાશે. અલગ અલગ લીગ અને ટુર્નામેન્ટો શરૂ થશે.
આ પણ વાંચો : રાજકોટ પોલીસના બે પ્રેમીપંખીડા ઊડી ગયા! એક બ્રાંચ તથા એક પોલીસ મથકમાં ફરજ બજાવતા યુવા ત્રણ દિવસથી ફરાર
સંશોધન વિકાસ યોજના
વ્યૂહાત્મક અને ઉભરતા ક્ષેત્રોમાં સંશોધન, વિકાસ અને નવીનતા વધારવા માટે સંશોધન વિકાસ અને નવીનતા RDI યોજનાને મંજૂરી આપવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય ખાનગી ક્ષેત્રને ઉભરતા ક્ષેત્રો અને આર્થિક સુરક્ષા, વ્યૂહાત્મક ઉદ્દેશ્યો અને આત્મનિર્ભરતા સાથે સંબંધિત અન્ય ક્ષેત્રોમાં સંશોધન, વિકાસ અને નવીનતા વધારવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ ઉપરાંત, કેબિનેટે તમિલનાડુમાં 4-લેન પરમાકુડી – રામનાથપુરમ સેક્શન (46.7 કિમી) ના નિર્માણને પણ મંજૂરી આપી છે.