રાજકોટ પોલીસના બે પ્રેમીપંખીડા ઊડી ગયા! એક બ્રાંચ તથા એક પોલીસ મથકમાં ફરજ બજાવતા યુવા ત્રણ દિવસથી ફરાર
કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે કહેના… ક્યા મૌસમ હે અરે ચલ કહી દૂર નિકલ જાયે… આવું જ કંઈક રાજકોટ શહેર પોલીસમાં એક બ્રાંચ તથા એક પોલીસ મથકમાં ફરજ બજાવતા બે યુવાહૈયા પ્રેમીપંખીડામાં બન્યું છે. લોગ (પોલીસ) જે કહેવું હોય તે કહે, મન મનાવીને બન્ને સંગાથે દૂર નીકળી ગયા છે. ત્રણેક દિવસથી ઊડી ગયેલા પ્રેમીપંખીડાની પ્રેમ કહાનીની રાજકોટ શહેર પોલીસમાં જાહેર ખાનગી જેવી ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે.

દો પ્રેમીની ચર્ચાતી વિગતો મુજબ રાજકોટ શહેર પોલીસની એક બ્રાંચમાં ફરજ બજાવતો પરાજિત જેવો નામધારી (નામ બદલાવ્યું છે) યુવક અત્યારે તો હજી ભરતીની શરૂઆતી મંઝીલ કાપીને કોન્સ્ટેબલ પણ નથી બન્યો. 2020 પછીની ભરતી હોય હજી તેને પોલીસમાં પાંચ વર્ષ પૂરા નથી થયા. તે અગાઉ શહેરના એક પોલીસ મથકમાં ફરજ બજાવતો હતો અને થોડા માસથી જ એક બ્રાંચમાં આવ્યો છે.
જ્યારે મહિલા પોલીસકર્મી સેજલ (નામ બદલાવ્યું છે) તેના પરિચિત એવા પરાજિતથી સિનિયર છે. તે એલઆરનો પડાવ પાર કરી ચૂકી છે. બન્ને વચ્ચે પોલીસમાં સાથે હોવાથી સમયાંતરે મળવાનું થતું. કોઈને કોઈ કામની બાબતે કે અન્ય રીતે પરિચય કેળવાયો હતો. પરિચય પ્રેમમાં પરિણમ્યો હોવાની ચર્ચા છે.

બન્ને વચ્ચે નજદીકીયા હોવાની કે પ્રેમીપંખીડામાં ગૂટરગૂ ચાલતું હોવાની થોડા વખતથી બન્નેના નજીકના પોલીસકર્મીઓ કે જાણકારોમાં ચર્ચા હતી. છેલ્લા ત્રણ દિવસથી યુવા પ્રેમી હૈયા તેમના ફરજના સ્થળે પણ નથી આવતા અને બન્ને પોતપોતાના ઘરે પણ ગેરહાજર છે. બન્નેના પરિવાર પણ પંખીડાને શોધી રહ્યા છે.
એવી પણ ચર્ચા છે કે યુવતીના પરિવારજન દ્વારા પુત્રીની ભાળ મેળવવા યુવક (પોલીસકર્મી)ના પરિવારના સભ્યને ધોલ-ધપાટ (મારામારી) કરીને ધમકી પણ અપાઈ છે. ત્રણ દિવસ જેવો સમય વિત્યે પોલીસના પ્રેમીપંખીડા હજી બન્નેની કોઈ ભાળ મળી નથી.

છાનેખૂણે પોલીસ અધિકારીઓ કે લાગતા વગળતા પોલીસકર્મીઓ પણ બન્નેને શોધી રહ્યા છે. જો મળી જાય તો “ઘર કી બાત ઘર મે’ રહી જાય જેવા પ્રયત્નો થઇ રહ્યા છે. અત્યારે તો રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા બે યુવા હૈયા સજોડે ભાગ્યા હોય તેવું ક્યાંય કાંઈ ઓનપેપર નથી. કોઈ ફરિયદ કે આવી છાની અરજી થઈ નથી. જેથી એવું માનવું પડે કે માત્ર ચર્ચા કે અફવા હોઇ શકે. બન્ને પોતાના અંગત કારણસર રજા પર ગયા હોય આવી બધી પરિકલ્પના કરવી રહી. એકના પરિવારજન પણ પોલીસબેડા સાથે સંકળાયેલા હોવાની વાત છે.
આ પણ વાંચો : લો બોલો! રાજકોટમાં જમાદાર સોનાનો ઢાળિયો ‘ઓળવી’ ગયાની 27 વર્ષે ખબર પડી, વાંચો શું છે સમગ્ર મામલો
સાહેબ પાસે લાંબી રજા માંગી પણ મળી નહીં!
ગમે તેવા લાખો, કરોડના કે આવા કિંમતી એકાઉન્ટ હોલ્ડ કરાવવાની પણ કામગીરીમાં નિપૂણ એવી એક બ્રાંચના એ પોલીસકર્મીએ કહેવાય છે કે તેના સાહેબ પાસે લાંબી રજા માંગી હતી. સાહેબને કદાચ આવી કોઈ ગંધ હશે અથવા તો આટલી બધી રજા કેમ આપવી તેવું હોઇ શકે તેમ એ યુવા હૈયાને આટલા બધા દિવસ રજા કેમ જોઈએ છે કોઈ સ્પષ્ટ કારણ આપવું પડે તેવા શબ્દો સાથે રજા નામંજૂર કરી દીધી અને ભાઈએ મન જ મનાવી લીધું હોય તેમ આવવાનું જ બંધ કરી દીધું હોવાની ચર્ચા છે.
બન્ને અપરિણીત અને બહારના જિલ્લાના વતની
ફરજ પરથી છેલ્લા ત્રણ દિવસથી ગેરહાજર અને સજોડે નાસી છૂટ્યા હોવાની ચર્ચા છે. એ બન્ને યુવા હૈયા રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવે છે પરંતુ બન્નેનું વતન અન્ય જિલ્લામાં છે. નગર જેવા નામ ધરાવતા જિલ્લાના બન્ને વતની હોવાનું અને અહીં નોકરી મળતા પરિવારના સભ્ય સાથે સ્થાયી થયા છે. બન્ને અપરિણીત છે. એવી પણ વાત છે કે યુવક તરફે તો તેમની પરિવાર ઢીલું મૂકવા તૈયાર છે પરંતુ યુવતીનો પરિવાર ટાઇટ છે. આ બધી હાલ તો ચર્ચા જ માનવી રહી.