તો ભરોસો કોણ કરશે? રાજકોટમાં DCBના નંબર પર ફરિયાદ નોંધાવનારને મળી ધમકી, વાંચો સમગ્ર ઘટના
રાજકોટ શહેરના દેવપરા વિસ્તારના ઈન્દિરાનગરમાં રહેતા ઓઈલ પેઈન્ટના કર્મચારી ધવલ નરેશભાઈ ખીચી નામના યુવક માટે પોલીસ (DCB)ના ફોન નંબર પર ગુપ્તતા સાથે નોંધાવેલી ફરિયાદમાં ઉલ્ટાના ‘લેને કે દેને પડ ગયે’ જેવું થયું. યુવકે જેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી તે જેનીશ ઉર્ફે જેનીયાએ ધોકાથી હુમલાનો પ્રયાસ કરી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ ભક્તિનગર પોલીસ મથકે નોંધાયો છે.આરોપીની સામે પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદી યુવક ધવલ ગતરાત્રે ઘરે હતો ત્યારે તેના નજીકના સગા આશિષનો ફોન આવ્યો હતો કે જેનીશ ઉર્ફે જેનીયો રજપૂત તને ભવનાથ મંદિરે બોલાવે છે જેથી યુવક ત્યાં ટુ-વ્હિલર પર પહોંચ્યો હતો. જેનીશ હાજર ન્હોતો જેથી આશિષને પૂછ્યું કે જેનીશ ક્યાં છે ? જેનીશ ગાડી લઈને નીકળી ગયાનું આશિષે જણાવ્યું હતું. એ સમયે જ ધવલનો પિતરાઈ ભાઈ મોટા બાપુનો પુત્ર અશોક રમેશભાઈ ત્યાં આવ્યો હતો.થોડીવારમાં હાથમાં ધોકા સાથે જેનીશ ધસી આવ્યો હતો અને ધવલ પર હુમલાનો પ્રયાસ કરતાં અશોક વચ્ચે પડ્યો હતો જેથી જેનીશે આજે તું બચી ગયો, હવે તું મારી વિરૂધ્ધ કોઈ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ કહી ધમકી આપીને જતો રહ્યો હતો.

યુવકે તુરંત પોલીસ કન્ટ્રોલરૂમમાં જાણ કરતાં ભક્તિનગર પોલીસ આવી પહોંચી હતી અને યુવકે જેનીશ વિરૂધ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જે કારણ દર્શાવ્યું તે આશ્ચર્યજનક બન્યું હતું. ધવલે નવેક દિવસ પહેલાં ક્રાઈમ બ્રાન્ચ (DCB)એ જાહેર કરેલા વોટ્સએપ નંબર પર જેનીશ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી જે બાબતે જેનીશે ખાર રાખીને ધોકો લઈને હુમલો કરવાનો પ્રયાસ કરી ખૂનની ધમકી આપી હોવાનો ઉલ્લેખ કરાયો છે.
આ પણ વાંચો : બોમ્બ નહીં શોધી શકો એટલે કોર્ટ જ ખાલી કરજો…રાજકોટની કોર્ટને ઉડાવી દેવાના મેઈલથી બધા ધંધે લાગ્યા
DCB દ્વારા જે નંબર જાહેર કરાયો છે તે નંબર પર ફરિયાદ મેસેજ કરનારના નામ ઓળખ ગુપ્ત રહેશે તેવું જાહેર કરાયું હતું તો સવાલ એ ઉઠે કે જો જેનીશને કેમ ખ્યાલ પડયા કે ધવલે ડીસીબીના નંબર પર ફરિયાદ કરી હતી ? શું ત્યાંથી કોઈએ માહિતી લીક કરી હશે ? અથવા ફરિયાદ આધારે જેનીશને લવાયો હશે ત્યારે કોઈ પોલીસ કર્મીએ કહી દીધું હશે ? જો આવું થયું હોય તો ગંભીર કહેવાય અને તો કોઈ ભરોસો પણ કેમ કરશે ? પોલીસ પરનો વિશ્વાસ તૂટશે, ગુપ્ત નંબર પર ફરિયાદ કરતા લોકો અચકાશે. ખરેખર જો ડીસીબીના નંબર પર ફરિયાદના કારણે જ યુવકને ધમકી આપી હોય તે કારણ સત્ય હોય તો ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ કરાવવી જોઈએ કે કોણે નામ લીક કર્યું ?