રાજકોટમાં 18.95 લાખની ચોરીના ડિટેકશનમાં સાચું કોણ, DCB કે LCB ? વાંચો શું છે સમગ્ર મામલો
રાજકોટના ભગવતીપરા વિસ્તારના બંધ મકાનમાં ત્રણ દિવસ પહેલાં થયેલી 18.95 લાખની માલમત્તાની ઘરફોડી રાજકોટ પોલીસે કલાકોમાં ડિટેક્ટ કરી નાખી છે એ સારી વાત છે પણ જે તસ્કર બેલડી પકડાઈ છે તેમાં એલસીબી ઝોન-1 ટીમને બગાસુ ખાતા પતાસુ આવી ગયાનું ખરી મહેનત તો ડીસીબી (ક્રાઈમ બ્રાન્ચ)ની હોવાના ડીસીબીના અધિકારીઓના કથનથી બન્ને એજન્સીમાં સાચું કોણ ? તેવા સવાલો વહેતા થયા છે.

ભગવતીપરામાં રહેતા પરિવાર ગત તા.18ના રાત્રે મકાન બંધ કરીને ધાર્મિક પ્રસંગમાં ગયો હતો. સવારે પરત ફરતા ખબર પડી કે ઘરમાં તસ્કરોએ પગલાં પાળી 9.60 લાખની રોકડ, સોનાના ઘરેણા મળી 18.95લાખની માલમત્તાની ચોરી કરી છે. લાખોની ચોરીના પગલે પ્ર.નગર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી ઝોન-1ની ટીમો તસ્કરોને શોધવા કામે લાગી હતી. સીસીટીવીમાં ત્રણ તસ્કર કેદ થયા હતા જેના આધારે પગેરૂ દબાવવા અને ત્રિપુટી સુરેન્દ્રનગરની હોવાની માહિતી આધારે ક્રાઈમ બ્રાન્ચની ત્રણ ટીમે સુરેન્દ્રનગરમાં ડેરાતંબુ નાખ્યા હતા.
દરમિયાનમાં ગઈકાલે એલસીબી ઝોન-1ની ટીમે સુરેન્દ્રનગર પંથકના ભોલો કેશુભાઈ સરવૈયા (ઉ.વ.24)ને ચોક્કસ માહિતીના આધારે રાજકોટમાં ભગવતીપરામાં નદીકાંઠે રેલવે પુલ નીચેથી 3.72 લાખની રોકડ તથા ઘરેણા મળી 15,69,200ના મુદ્દામાલ સાથે પકડી પાડયાનું ઓનપેપર બતાવ્યું છે.
આ પણ વાંચો : રાજકોટમાં દોઢ વર્ષથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો બોગસ ડૉક્ટર પકડાયો : ઈન્જેક્શન, ટેબ્લેટ, સીરપ સહિતની દવાનો જથ્થો જપ્ત
સામે ડીસીબીની ટીમે પણ ત્રિપુટી પૈકી એક શખસ મયુર નવઘણ મકવાણા (ઉ.વ.20, રહે.સુરેન્દ્રનગર)ને સુરેન્દ્રનગરમાંથી 1,46,349ની રોકડ તથા ચોરીમાં ઉપયોગમાં લીધેલી જી.જે.13-એ.વી.6822 નંબરની રિક્ષા સાથે પકડી પાડ્યાનું જાહેર કર્યું છે.
તસ્કર ત્રિપુટી પૈકી બે શખસો હાથ લાગ્યા છે. ત્રીજા રાકેશ સરવૈયાની શોધ ચાલુ છે. એ દરમિયાન ડિટેક્શનમાં ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા એવો ફણગો ફોળાયો છે કે એલસીબીની ટીમે જે તસ્કર ભોલાને ઝડપી પાડયાનું બતાવાયું છે તે બગાસુ ખાતા પતાસુ આવ્યા જેવું છે. ભગવતીપરાના પુલ પાસે ન્હોતો પણ સિવિલ હોસ્પિટલમાંથી પકડાયો હતો અને એ પણ અન્ય પોલીસના હાથે. જસ એલસીબીએ લઈ લીધો કહેવાય.
આ પણ વાંચો : રાજકોટના રૈયા રોડ પર દોઢ મહિનાથી ધમધમતું કુટણખાનું પકડાયું : ગોરખધંધો ચલાવતી મહિલા અને દલાલની ધરપકડ
ભોલો ઝડપાયાની ક્રાઈમ બ્રાન્ચના અધિકારીગણે વર્ણવેલી સ્ટોરીમાં ખરેખર ભોલો સિવિલ હોસ્પિટલમાં દવા લેવા આવ્યો હતો. ત્યાં ભોલાને નાસતા ફરતા સ્કવોડના એક પોલીસકર્મી સાથે બોલાચાલી થઈ હતી. ભોલાએ કોઈ સામાન્ય વ્યક્તિ હશે તેમ માની ડરાવવા પોલીસમેન સામે છરી કાઢી હતી. પોલીસમેન દ્વારા તુરંત જ પ્ર.નગર પોલીસને જાણ કરાઈ હતી. પ્ર.નગરની પોલીસની ટીમ આવી જતાં ભોલાને સોંપ્યો હતો અને તેની પાસે રહેલું પોટલું – શકાસ્પદ હોવાની તે દરમિયાન પણ પોલીસમેને વાત કરી હતી.
ભોલા પાસે રહેલા પોટલામાં રોકડ અને સોનાના ઘરેણા નીકળતા પૂછતાછ કરાઈ હતી. તેણે રોકડ અને ઘરેણા બે દિવસ પહેલાં ભગવતીપરામાં બંધ મકાનમાં બે સાગરીતો મયુર અને રાકેશ સાથે મળીને ચોરી કર્યાની કેફિયત આપી હતી. જેને લઈને એલસીબી ઝોન-1 ટીમે -ભોલાને પકડી પાડ્યાનો લીંબડ જશ લીધાની વાત -ક્રાઈમ બ્રાન્ચની કચેરીમાં વહેતી કરાઈ છે.