રાજકોટ જિલ્લામાં 2 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોનું E-KYC બાકી : આ રીતે તમે ઘર બેઠા પણ કરી શકો છો E-KYC
ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા દોઢ વર્ષથી શરૂ કરવામાં આવેલ E-KYCની કામગીરી હાલમાં મહત્વપૂર્ણ તબક્કામાં પહોંચી છે. રાજ્યમાં સરેરાશ 88 ટકા E-KYC પૂર્ણ કરવામાં આવ્યા છે ત્યારે રાજકોટ જિલ્લામાં કુલ 13,24,287 રેશનકાર્ડ ધારક સભ્યો પૈકી 11,14,196 મેમ્બર્સનું E-KYC થતા 84.14 ટકા કામગીરી પૂર્ણ થયું છે અને હજુ પણ 2લાખ 10 હજારથી વધુ રેશનકાર્ડમાં સમાવિષ્ઠ લાભાર્થીઓના E-KYC બાકી હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા હાલમાં જિલ્લાની 11 મામલતદાર કચેરીઓ ઉપરાંત શહેરની ચાર ઝોનલ કચેરીમાં E-KYCની નિરંતર કામગીરી કરવામાં આવી રહી છે જેમાં સરેરાશ 1000 લોકોના E-KYC કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં E-KYCની સૌથી સારી કામગીરી 92 ટકાથી વધુ E-KYC સાથે જામકંડોરણા તાલુકો પ્રથમ ક્રમે છે જયારે જેતપુર તાલુકામાં 90 ટકાથી વધુ કામગીરી સાથે બીજા ક્રમે છે. આ ઉપરાંત અન્ય તાલુકાઓમાં પણ સરેરાશ 80થી 82 ટકા કામગીરી થઇ છે જેમાં રાજકોટની ઝોનલ-4 કચેરી 79.42 ટકા સાથે તળિયે છે.
આ પણ વાંચો : લો બોલો! રેસકોર્સનું ક્રિકેટ સ્ટેડિયમ જ્યાં વર્ષમાં 5 રાષ્ટ્રીય મેચ નથી રમાતી ત્યાં 5 કરોડના ખર્ચે નવું પેવેલિયન બનશે
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં કુલ 13,24,287 રેશનકાર્ડ ધારક સભ્યો પૈકી 11,14,196 મેમ્બર્સનું E-KYC પૂર્ણ કરવામાં આવ્યું છે અને હજુ પણ 2,10,091 રેશનકાર્ડ ધારક સભ્યોના E-KYC બાકી હોય 100 ટકા કામગીરી પૂર્ણ કરવા તમામ મામલતાર અને ઝોનલ કચેરી ઉપંરાત પોસ્ટ વિભાગ મારફતે તેમજ સસ્તા અનાજના વિક્રેતાઓ મારફતે E-KYCની કામગીરી કરવા પ્રયાસો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.
તમે ઘર બેઠા પણ કરી શકો છો EKYC
Ration Card E KYC કરવા માટેના પગલાં:
- Google Play Store માંથી my Ration app ડાઉનલોડ કરો.
- રેશનકાર્ડ ધારકનો મોબાઇલ નંબર દાખલ કરો અને ઓટીપી દાખલ કરીને વેરીફાઈ કરો.
- પ્રોફાઈલમાં જઈને પાસવર્ડ સેટ કરો અને રેશનકાર્ડ સાથે લિંક કરો.
- હોમ પેજ પર જાઓ અને આધાર E KYC ઓપ્શન પસંદ કરો.
- એક નવી વિન્ડો ખુલશે જેમાં આધાર ફેસ રીડર એપ્લિકેશનની લિંક મળશે. Google Play Store માંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
- ચેકબોક્સ પર ક્લિક કરો અને કાર્ડની વિગતો મેળવો.
- નવી વિન્ડો ખુલશે, જેમાં કોડ દાખલ કરો. પછી રેશનકાર્ડ અને તેના સભ્યોની વિગત દર્શાવશે.
- એક નાનું વિન્ડો ખૂલી જશે, જેમાં દર્શાવશે કે E KYC થયેલું છે કે નહીં.
- જે નામ સામે “NO” દેખાય, તે નામને E KYC માટે પસંદ કરો.
- નવી વિન્ડો ખૂલી જશે, ત્યાં ચેકબોક્સ પર ક્લિક કરીને OTP જનરેટ કરો અને વેરીફાઈ કરો.
- આધાર ફેસ રીડર એપ્લિકેશન ઓપન થશે, જે વ્યક્તિનું વેરીફાઈ કરવાનું છે તેની સેલ્ફી લો. આ સેલ્ફી લીલી સીમાની અંદર હોવી જોઈએ (આંખ ખૂલી રાખવી જરૂરી છે).
- ગ્રીન લાઈન થઈ ગયા બાદ, E KYC સફળતાપૂર્વક થશે અને તમે સબમિટ પર ક્લિક કરો.
- હવે, તમને “સક્સેસફુલ મેસેજ” મળશે.
- આ રીતે, તમારું રેશનકાર્ડ E KYC સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે.