રાજકોટ લોકમેળાનું ચકડોળ ચાલ્યું : રાઇડ્સ માટે 28 ફોર્મ ઉપડયા
રાજકોટના ભાતીગળ જન્માષ્ટમી લોકમેળાની રંગતને ઝાંખપ લગાવવા રાઇડ્સ સંચાલકોની કાર્ટેલ સક્રિય બની હોવા છતાં પરિણામ શૂન્ય રહ્યું હોવાના સંકેતો વચ્ચે બુધવારે કુલ 25 ફોર્મ ઉપડ્યા હતા જેમાં યાંત્રિક પ્લોટ કેટેગરીમાં 2 ફોર્મ તેમજ અન્ય ધંધા માટે 23 ફોર્મ ઉપડ્યા હતા. આ સાથે જ લોકમેળામાં રાઇડ્સ માટે કુલ 28 અને અન્ય ધંધા માટે 29 ફોર્મ મળી છેલ્લા ત્રણ દિવસમાં કુલ 57 ફોર્મ ઉપડ્યા છે.

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તા.14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનાર ભાતીગળ જન્માષ્ટમી લોકમેળા માટે તા.9થી વિવિધ કેટેગરીમાં સ્ટોલ-પ્લોટ બુકીંગ માટે ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવતા પ્રથમ દિવસે 5, બીજા દિવસે 27 અને ત્રીજા દિવસે બુધવારે 25 ફોર્મ ઉપડ્યા હોવાનું લોકમેળા સમિતિ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. લોકમેળો-2025 માટે અત્યાર સુધીમાં કુલ 57 ફોર્મ ઉપડ્યા છે જેમાં અન્ય કેટેગરીમાં 29 અને યાંત્રિક કેટેગરીમાં 28 ફોર્મનો ઉપાડ થયો છે.નોંધનીય છે કે, લોકમેળામાં રાઇડ્સની આકરી એસઓપીના અમલને લઈ રાઇડ્સ સંચાલકોની કાર્ટેલે એક પણ ફોર્મ નહીં ઉપાડવાનું જાહેર કર્યું હતું, જોકે તંત્રનું નાક દબાવવા પ્રયાસ ક્રયોન હતો પરંતુ અન્ય યાંત્રિક ધંધાર્થીઓ મેદાનમાં આવતા બે દિવસથી રાઇડ્સ સંચાલકોની કાર્ટેલ નિષ્ક્રિય બની છે.
આ પણ વાંચો : રાઇડ્સ સંચાલકોને દુખે છે પેટ અને કૂટે છે માથું : કહેવાતા રાઇડ્સ સંચાલકો પાસે પોતાની રાઇડ્સ જ નથી
ઉલ્લેખનીય છે કે, રાજકોટના લોકમેળામાં આ વર્ષે કુલ 238 સ્ટોલ-પ્લોટ રાખવામાં આવ્યા છે જેમાં રમકડાં માટે 120 સ્ટોલ, નાની ખાણીપીણી માટે 6 પ્લોટ, મધ્યમ ચકરડી માટે 3 અને નાની ચકરડી માટે 12 પ્લોટના ડ્રો કરવામાં આવશે. આ ઉપરાંત ખાણીપીણીના 46 મોટા પ્લોટ, યાંત્રિક આઇટમો માટેના 34 પ્લોટ, આઈસ્ક્રીમ ચોકઠાં માટેના 16 પ્લોટ તેમજ ટી-કોર્નર માટેના એક પ્લોટની હરરાજી થશે જેમાં ઉંચી બોલી બોલનારને પ્લોટ ફાળવવામાં આવશે.