કોહલીને બનાવાઈ રહ્યો છે બલીનો બકરો ?
ટીમ ઈન્ડિયા વર્લ્ડકપની તૈયારીમાં લાગેલી છે. ટૂંક સમયમાં ટીમનું એલાન પણ થઈ જશે. ટીમ પસંદગી પહેલાં એ વાત અત્યંત મહત્ત્વની છે કે ચોથા નંબરે બેટિંગ કરવા કોણ ઉતરશે. પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ કોહલીને ચોથા નંબરે ઉતારવાની વાત કરી હતી. જો કે શાસ્ત્રી સાથે જ રમી ચૂકેલા દિગ્ગજ ખેલાડી સંજય માંજરેકરનું માનવું છે કે કોહલીને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. માંજરેકરે કહ્યું કે તમે જેટલું ઈશાન કિશન જેવા વિકલ્પ અંગે વાત કરો છો એટલું જ વિરાટ કોહલીને નીચે કરતા જાવ છો. કોહલી એક પ્રકારે બલીનો બકરો બની ગયો છે. લોકોને લાગી રહ્યું છે કે કોહલી ચોથા નંબરે બેટિંગ કરશે તો બધી પરેશાનીઓ દૂર થઈ જશે પરંતુ એવું નથી. સચિન અને ગાંગૂલીની ઓપનિંગ જોડીને 2007ના વર્લ્ડકપ દરમિયાન તોડી નાખવામાં આવી હતી. સચિનને ત્યારે ચોથા નંબરે ઉતારવામાં આવ્યો હતો પરંતુ તે કશું ખાસ કરી શક્યો ન્હોતો. માંજરેકરને એ વાતનો જ ડર છે કે ક્યાંક આવી હાલત કોહલીની ન થઈ જાય. તેમણે કહ્યું કે આ ભારતીય ક્રિકેટની સમસ્યા છે. માંજરેકર ઉપરાંત પૂર્વ ભારતીય ખેલાડી ડોડા ગણેશે પણ કોહલીને ચોથા નંબરે ઉતારવાના નિર્ણયને ખોટો ગણાવ્યો છે.