આ વિસ્તારમાં રહેવું એ અમારી ભૂલ…! રાજકોટના મેયર જે વિસ્તારમાં રહે છે ત્યાંના લોકોએ કરી ‘મન કી બાત’
રાજકોટના પ્રથમ નાગરિક એટલે કે મેયર જે વિસ્તારમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે તે વોર્ડ નં.4ને વરસાદી શ્રાપ લાગી રહ્યો હોય તેવી રીતે ચોમાસામાં અહીંની સ્થિતિ બદથી બદતર થઈ જવા પામે છે. અહીંની 72287 લોકોની વસતી છે પરંતુ તેમાંથી મહત્તમ લોકો વરસાદને કારણે હેરાન થઈ રહ્યા છે. `વોઈસ ઓફ ડે’ દ્વારા વોર્ડ નં.4ના લોકોની `મન કી બાત’ જાણી તો મહત્તમ લોકોએ કહ્યું હતું કે અમારી ભૂલ એક જ છે કે અમે વોર્ડ નં.4માં રહીએ છીએ ! આ વાક્ય લોકોની પીડા, મુશ્કેલી, તકલીફ બધું કહી જાય છે. જો તંત્રવાહકોને આ વાક્યની `કદર’ થઈ રહી હોય તો તેમણે સમય રહેતાં અહીં પાણી ભરાવાની સમસ્યાનો તાકિદે નિકાલ કરવો જોઈએ.
માત્ર એ.સી. ચેમ્બરમાં બેસીને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવાથી અહીંની સમસ્યાનો નિકાલ નહીં આવે એ પણ યાદ રાખવાની શાસકો તેમજ અધિકારીઓને જરૂર છે. વાત જ્યારે મેયરના વોર્ડની આવે અને ત્યાં ચોમાસા દરમિયાન આ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી હોય તો પછી અન્ય વિસ્તારની હાલત કેવી હશે તે કહેવાની અત્રે જરૂર લાગતી નથી. `વોઈસ ઓફ ડે’ દ્વારા ચોમાસા દરમિયાન વોર્ડ નં.4માં પાણી ભરાવાના `હોટસ્પોટ’ જેમાં મોરબી રોડ પર જકાતનાકા પાસે ધોળકિયા સ્કૂલ નજીક, ભગવતીપરાનો પુલ ઉતરતાની સાથેનો જ વિસ્તાર અને ઓમનગર પાસે નાનું રેલવે ફાટક કે જ્યાંથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે ત્યાં પાણી ભરાવાની સૌથી વધુ સમસ્યા હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ અંગે મહાપાલિકાના જવાબદારોને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ઉપરોક્ત ત્રણેય વિસ્તાર આસપાસ વોંકળા પસાર થવા ઉપરાંત વિસ્તાર ઢોળાવવાળો હોવાને કારણે પાણી વધુ ભરાઈ રહ્યું છે. આગામી તા.2 જૂનથી 14 જૂન દરમિયાન અહીંના સાતેક જેટલા વોંકળાને સાફ કરવામાં આવશે. અત્રે મહત્ત્વનો પ્રશ્ન એ છે કે વોંકળા સાફ કરાશે તે સારી બાબત છે પરંતુ તેની સફાઈ સચોટ રીતે અને પાણી અવરોધાય નહીં તે પ્રકારે થાય છે કે નહીં તે જોવા માટે અધિકારીઓ કે પદાધિકારીઓએ સ્થળ પર હાજર રહેવું પણ એટલું જ જરૂરી છે. જો આ દિશામાં પૂરતું ધ્યાન નહીં અપાય તો પછી પાછલા વર્ષની જેમ જ આ વર્ષે પણ પાણીના તળાવમાંથી તરતાં તરતાં જ ઘર કે દુકાન સુધી પહોંચવા માટે `તૈયાર’ રહેવું પડશે !!
શું કહે છે મેયર નયનાબેન પેઢડિયા
આ અંગે વોર્ડ નં.4ના કોર્પોરેટર અને મેયર નયનાબેન પેઢડિયાને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ઉપરોક્ત ત્રણ જ નહીં બલ્કે વોર્ડ નં.4માં પાણી ન ભરાય તે માટે મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક કરવામાં આવી છે અને બને એટલી ઝડપથી વોંકળાની સંપૂર્ણપણે સફાઈ થાય તે માટે અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્ટોર્મ વોટર લાઈનની સફાઈ પણ કરાવાઈ રહી હોવાથી આ વર્ષે ચોમાસામાં લોકોને હાડમારી વેઠવી નહીં પડે. મારા માટે વોર્ડ નં.4 જ નહીં બલ્કે આખું રાજકોટ મહત્ત્વનું હોય અને ક્યાંય પણ પાણી ન ભરાય તે માટે અત્યારે પ્રિ-મોન્સુન અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે.
ભગવતીપરા પુલ ઉતરો એટલે સીધું જોવા મળે ‘ભગવતીપરા તળાવ’

ઓમનગરનું નાનું રેલવે ફાટકઃ અહીં ભરાય છે ગોઠણડૂબ પાણી

પાણી ભરાય એટલે તુરંત જ આમને કરજો ફોન
- નયનાબેન પેઢડિયા
મો.94282 33126 - કાળુભાઈ કુગસિયા
99094 77177 - પરેશ પીપળીયા
98252 14446, 97271 00003 - કંકુબેન ઉધરેજા
97121 64238, 99097 85543