રાજકોટ વોર્ડ નં.2 : વરસાદમાં રામેશ્વર ચોક બની જાય છે ‘રામેશ્વર લેઈક’, જાણો શું કહે છે વોર્ડના કોર્પોરેટર
ધારાસભ્ય, મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના દંડક સહિતના ટોચના પદાધિકારીઓ જે વોર્ડમાંથી ચૂંટાઈને આવ્યા છે તે રાજકોટના વોર્ડ નં.2ની વસતી તંત્રના ચોપડે 70143 લોકોની છે પરંતુ આ 70143 લોકોમાંથી 50,000થી વધુ લોકો વરસાદ બને છે ત્યારે રીતસરના `પીડિત’ બની જતાં હોવાનો સિલસિલો વર્ષોથી ચાલ્યો આવે છે. આમ તો ચોમાસા દરમિયાન લગભગ દરેક વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાઈ જાય છે પરંતુ સૌથી વધુ સમસ્યા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર જ્યાં રહે છે તે રામેશ્વર ચોકમાં સર્જાઈ રહી છે. એકંદરે ચોમાસામાં રામેશ્વર ચોક જાણે કે ‘રામેશ્વર લેઈક’ બની જતો હોય તેવી રીતે અહીં પાણી વહેવા લાગતાં લોકોનું નીકળવું દુષ્કર બની જાય છે. જો તંત્રવાહકો દ્વારા અત્યારથી જ આગોતરી તૈયારી કે સચોટ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ વર્ષે પણ સ્થિતિ એમની એમ જ રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
એકંદરે રામેશ્વર ચોક સહિતના વિસ્તારોમાં ઢોળાવ ઉપરાંત વોંકળા આવેલા હોવાથી પાણી વહી તો જાય છે પરંતુ ફ્લો વધુ હોવાથી તેમાં વાહન કે પગપાળા ચાલવામાં સહન ન કરી શકાય અથવા ડર લાગે તેવી પરેશાની વેઠવી પડે છે. આ પાછળ સૌથી મોટું કારણ જો કોઈ જવાબદાર હોય તો એ છે વોંકળાની જેમ-તેમ થતી સફાઈ છે. જો વ્યવસ્થિત રીતે અથવા તો પદાધિકારી-અધિકારીની ઉપસ્થિતિમાં વોંકળાને સાફ કરવામાં આવે તો અહીં પાણીના તલાવડા ભરાતાં અટકાવી શકાય તેમ છે પરંતુ ત્યાં હાજરી આપવાનો કોઈ પાસે સમય ન હોવાને કારણે 70143 લોકોએ દર વર્ષે આ સમસ્યા વેઠવી પડે છે. આ ઉપરાંત અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરભ સોસાયટી, જૂના એરપોર્ટ રોડ, ભોમેશ્વર, રેસકોર્સ રિંગરોડ, બજરંગવાડી સહિતના અનેક વિસ્તારોમાં વર્ષોથી પાણી ભરાઈ રહ્યું છે પરંતુ જ્યારે જ્યારે તંત્રવાહકોને પૂછવામાં આવે એટલે `આવતાં વર્ષે નહીં ભરાય’ તેવા બણગા ફુંકવા સિવાય તેમની પાસે કોઈ જ `રસ્તો’ હોતો નથી !
શું કહે છે વોર્ડના કોર્પોરેટર?
આ અંગે વોર્ડ નં.2ના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે રામેશ્વર ચોક, સુભાષનગર સહિતના વિસ્તારો કે જ્યાં હદ બહારનું પાણી ભરાઈ રહ્યું છે ત્યાં પાછલા વર્ષો જેવી સ્થિતિ નિર્માણ ન પામે એટલા માટે અત્યારથી જ યુદ્ધના ધોરણે વોંકળાની સફાઈ કરવામાં આવી રહી છે. જો વોંકળામાં અવરોધ વગર પાણી વહેવા લાગે તો વધુ સમય સુધી રસ્તા પર પાણી ટકતું નથી અને સરળતાથી વહી શકે છે એટલા માટે જ વોંકળામાં કોઈ પ્રકારનો અવરોધરૂપ કચરો ન જમા થઈ જાય તે માટે અધિકારીઓને રાઉન્ડ ધ ક્લોક અને સ્થળ પર હાજર રહીને સફાઈ કરવાનો આદેશઆપવામાં આવ્યો છે. આ ઉપરાંત ન્યુસન્સ પોઈન્ટ કે જ્યાં કચરાને કારણે પાણી થંભી જાય છે તેને પણ દૂર કરવાનું શરૂ કરી દેવાયું છે. જ્યારે શાસક પક્ષના દંડક અને વોર્ડ નં.2ના કોર્પોરેટર મનિષભાઈ રાડિયાએ જણાવ્યું કે વોર્ડ નં.2ના અલગ-અલગ વિસ્તારોમાં 17 જગ્યાએ સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન છે જેના મેનહોલની સફાઈની કામગીરી ચાલી રહી છે. એકંદરે મેનહોલમાં જમા થયેલો કચરો બહાર કાઢવામાં આવી રહ્યો છે અને વધુ પડતું પાણી જમા થઈ જાય ત્યારે મેનહોલનું ઢાંકણું ખોલી નાખવા અને જેવો વરસાદ રોકાઈ જાય એટલે સચોટતાથી ઢાંકણું બંધ કરવાની જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે જેના કારણે પાછલા વર્ષે ગાંધીગ્રામમાં અકસ્માતને કારણે યુવકના મોત જેવી ઘટના અટકાવી શકાય.
વરસાદમાં મુશ્કેલી પડે તો તુરંત જ કોર્પોરેટરનો સંપર્ક કરજો
- ડૉ.દર્શિતાબેન શાહ
મો.98242 01234 - મીનાબા અજયસિંહ જાડેજા
98791 10499 - જયમીનભાઈ ઠાકર
98798 00001 - મનિષભાઈ રાડિયા
98245 81999
