દોઢ ઈંચ વરસાદમાં માત્ર બે જ જગ્યાએ પાણી ભરાયા : રાજકોટ મનપાનું હળાહળ જુઠાણું, ભરચોમાસે કેવા હાલ થશે!?
રાજકોટમાં હજુ સત્તાવાર ચોમાસું બેઠું નથી પરંતુ ગુરૂવારે સાંજના સમયે અચાનક જ દોઢ ઈંચ કમોસમી વરસાદ વરસી જતાં મહાપાલિકાના પાપે શહેરીજનોની માઠી થવા પામી હતી. શહેરનો એક પણ વિસ્તાર એવો નહીં હોય જ્યાં એક કલાક કરતાં પણ વધુ સમય સુધી પાણી ભરાયેલું ન રહ્યું હોય આમ છતાં મહાપાલિકાના જવાબદારોને આ અંગે પૂછવામાં આવતાં તેમણે હળાહળ જુઠાણું ચલાવવાના સમ ખાઈ લીધાં હોય તેવી રીતે એવો બાલીશ જવાબ આપ્યો હતો કે માત્ર બે જગ્યાએ જ પાણી ભરાયા હતા અને તે પણ તુરંત જ મેનહોલ ક્લિયર કરાવી નાખતાં પાણી વહી જવા પામ્યું હતું !

સેન્ટ્રલ ઝોનના સિટી ઈજનેર અતુલ રાવલને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ગવલીવાડ સિવાય એક પણ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાનું તેમના ધ્યાન ઉપર આવ્યું ન્હોતું. જો કે કિસાનપરા, રેસકોર્સ રિંગરોડ, પોપટપરા, રેલનગર સહિતના વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા અને તે પણ એક કલાક કરતાં વધુ સમય સુધી યથાવત રહેતાં વાહનચાલકોને હાલાકી પડી તે અંગે તેઓ બિલકુલ અજાણ હતા.

વેસ્ટ ઝોનના સિટી ઈજનેર કુંતેશ મહેતાને પૂછવામાં આવતાં તેમણે મોદી સ્કૂલ પાણી ભરાયું હોવાનું કથન કર્યું હતું. જો કે કાલાવડ રોડ, કોટેચા ચોક, નિર્મલા રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવા છતાં તેઓ અજાણ હોવાનું સ્પષ્ટ થયું હતું. જ્યારે ઈસ્ટ ઝોનના સિટી ઈજનેર મનોજ શ્રીવાસ્તવનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવતાં તેઓ `આઉટ ઓફ ક્વરેજ’ રહ્યા હતા !

અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે હજુ તો રાજકોટમાં સત્તાવાર ચોમાસું બેઠું પણ નથી ત્યાં આવી હાલત છે ત્યારે એક સાથે પાંચ-દસ ઈંચ વરસાદ પડી જશે તો કેવી સ્થિતિ નિર્માણ પામશે તેની કલ્પના જ કરવી ઘટે. હજુ પણ સમય હોય મહાપાલિકા દ્વારા સચોટ કાર્યવાહી અને આયોજન કરવામાં નહીં આવે તો રાજકોટના અગણિત વિસ્તારો જળમગ્ન થઈ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. અધૂરામાં પૂરું મહાપાલિકા દ્વારા ડીઆઈ પાઈપલાઈન નાખવા માટે જ્યાં જગ્યા મળી ત્યાં ખોદકામ કરી નાખ્યું હોય આ ખાડા જો વરસાદ પહેલાં બૂરવામાં નહીં આવે તો મોટા અકસ્માત થતાં પણ કોઈ અટકાવી શકશે નહીં જેની જવાબદારી માત્રને માત્ર મહાપાલિકાની જ રહેશે તેવું રોષપૂર્વક શહેરીજનો જણાવી રહ્યા છે.

પ્રિ-મોન્સુન કામગીરીનું `નાટક’ કરવાની જગ્યાએ સચોટ કાર્યવાહી જરૂરી
મહાપાલિકાના અધિકારીઓને વરસાદી પાણી ભરાવાની સમસ્યા અંગે જ્યારે પણ પૂછવામાં આવે ત્યારે તેમનો એક જ રટણ કરેલો જવાબ હાજર જ હોય છે કે તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે જો સાચે જ આ પ્રકારે કામગીરી કરાતી હોય તો પછી શહેરમાં આટઆટલા પાણી શા માટે ભરાઈ રહ્યા છે ? અત્યારે વોંકળા સહિતની સફાઈ કરવામાં આવી રહી છે તેવો દાવો કરવામાં આવ્યો પરંતુ અનેક વોંકળામાં દોઢ ઈંચ વરસાદમાં પાણી ભરાઈ ગયા હોવાનું પણ ધ્યાન પર આવ્યું છે ત્યારે તંત્રએ માત્રને માત્ર `નાટક’ કરવાની જગ્યાએ સચોટ કાર્યવાહી કરવી જરૂરી બની જાય છે.
