શું અદાલત રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના નિર્ણયને બદલી શકે? રાષ્ટ્રપતિ મુર્મુએ 14 સવાલો કરી સુપ્રીમ કોર્ટની માગી સલાહ
રાજ્ય સરકારોએ મોકલેલા વિધેયકો પર નિર્ણય લેવા માટે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરતા સર્વોચ્ચ અદાલતના આદેશ સંદર્ભે બંધારણીય જોગવાઇઓના અર્થઘટન મુદે જબરો કાનૂની જંગ શરૂ થવાના એંધાણ છે. આ મામલે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ બંધારણના આર્ટિકલ 143 હેઠળ 14 મહત્વના સવાલો સર્વોચ્ચ અદાલતને કર્યા છે.હવે, બે દિવસ પહેલા જ શપથ લેનાર નવા ચીફ જસ્ટિસ બી.આર. ગવઈએ આ સવાલોનો જવાબ આપવા માટે પાંચ કે તેથી વધુ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠ બનાવવી પડશે. આ મુદ્દો ન્યાયતંત્ર અને સરકાર વચ્ચેના સંબંધોને લઈને ચર્ચામાં છે, કારણ કે ગયા મહિને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સર્વોચ્ચ અદાલતના આવા નિર્ણયને “ન્યાયિક અતિક્રમણ” ગણાવ્યું હતું.
તમિલનાડુના રાજ્યપાલના કેસમાં સર્વોચ્ચ અદાલતે 12 એપ્રિલ 2025ના રોજ ચુકાદો આપ્યો હતો કે રાજ્યપાલે વિધેયકોને રાષ્ટ્રપતિને મોકલેલા હોય તો રાષ્ટ્રપતિએ ત્રણ મહિનામાં નિર્ણય લેવો જોઈએ.તેની સામે રાષ્ટ્રપતિએ સવાલ કર્યો છે કે બંધારણમાં આવી કોઈ સમયમર્યાદા નથી, તો અદાલત આવી મર્યાદા કેવી રીતે નક્કી કરી શકે?
રાષ્ટ્રપતિએ રાજ્યપાલના અધિકારો તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધ અંગે પણ સર્વોચ્ચ અદાલતની સલાહ માગતા સવાલ કર્યો છે કે રાજ્યપાલોને આર્ટિકલ 361 હેઠળ કેટલું રક્ષણ મળે છે? શું આ રક્ષણ ન્યાયિક સમીક્ષાને સંપૂર્ણપણે અટકાવે છે? શું કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેના વિવાદો ફક્ત આર્ટિકલ 131 હેઠળ દાવા દ્વારા જ ઉકેલી શકાય, કે અદાલત અન્ય રીતે પણ હસ્તક્ષેપ કરી શકે?
સર્વોચ્ચ અદાલતે અગાઉ ચુકાદામાં જણાવ્યું હતું કે બંધારણના આર્ટિકલ 200 મુજબ જ્યારે રાજ્ય વિધાનસભા વિધેયક પસાર કરે, ત્યારે રાજ્યપાલે તેને મંજૂરી આપવી જોઈએ, રાષ્ટ્રપતિને મોકલવું જોઈએ અથવા નકારવું જોઈએ.તેની સામે રાષ્ટ્રપતિએ સવાલ કર્યો છે કે શું રાજ્યપાલે આ નિર્ણય લેતી વખતે મંત્રી પરિષદની સલાહ માનવી જરૂરી છે? અને શું આ નિર્ણય અદાલતમાં પડકારી શકાય?
રાષ્ટ્રપતિની સત્તાઓ અને સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્ર અંગે સવાલ
સુપ્રીમ કોર્ટે જો રાજ્યપાલ વિધેયકને રાષ્ટ્રપતિને મોકલે, તો રાષ્ટ્રપતિ તેને મંજૂરી આપી શકે કે નકારી શકે તેમ જણાવ્યું હતું. એ સંદર્ભે રાષ્ટ્રપતિનો સવાલ એ છે કે શું રાષ્ટ્રપતિના આ નિર્ણયને અદાલતમાં પડકારી શકાય? અને શું અદાલત રાષ્ટ્રપતિ માટે પણ સમયમર્યાદા નક્કી કરી શકે? રાષ્ટ્રપતિએ એમ પણ પૂછ્યું છે કે શું અદાલત વિધેયક કાયદો બનતા પહેલાં તેની સામગ્રી પર નિર્ણય લઈ શકે? અથવા શું અદાલત રાજ્યપાલ કે રાષ્ટ્રપતિના નિર્ણયને બદલી શકે? શું સર્વોચ્ચ અદાલત બંધારણની જોગવાઈઓ વિ વિરુદ્ધ આદેશ આપી શકે?
રાષ્ટ્રપતિના 14 સવાલો
- વિધેયક આવે ત્યારે રાજ્યપાલ પાસે કયા વિકલ્પો હોય છે?
- શું રાજ્યપાલે મંત્રી પરિષદની સલાહ માનવી જરૂરી છે?
- શું રાજ્યપાલના નિર્ણયને અદાલતમાં પડકારી શકાય?
- શું રાજ્યપાલને બંધારણ ન્યાયિક સમીક્ષાથી સંપૂર્ણ રક્ષણ આપે છે?
- જો બંધારણમાં સમયમર્યાદા ન હોય, તો શું અદાલત રાજ્યપાલ માટે સમય નક્કી કરી શકે?
- શું રાષ્ટ્રપતિના વિધેયક સંબંધી નિર્ણયને અદાલતમાં પડકારી શકાય?
- શું અદાલત રાષ્ટ્રપતિ માટે સમયમર્યાદા નક્કી કરી શકે?
- રાજ્યપાલે વિધેયક રાષ્ટ્રપતિને મોકલ્યું હોય તો શું રાષ્ટ્રપતિએ અદાલતની સલાહ લેવી જરૂરી છે?
- શું વિધેયક કાયદો બનતા પહેલાં તેની સમીક્ષા અદાલત કરી શકે?
- શું અદાલત રાજ્યપાલ/રાષ્ટ્રપતિના નિર્ણયને બદલી શકે?
- શું રાજ્યપાલની મંજૂરી વિના વિધેયક કાયદો બની શકે?
- શું બંધારણીય પ્રશ્નો માટે પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ જરૂરી છે?
- શું અદાલત બંધારણની વિરુદ્ધ આદેશ આપી શકે?
- શું કેન્દ્ર-રાજ્ય વિવાદો ફક્ત દાવા દ્વારા જ ઉકેલાય?
શા માટે આ સવાલોના જવાબ ખૂબ મહત્વના ?
આ મામલો રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની સત્તાઓ, ન્યાયતંત્રની ભૂમિકા અને બંધારણના અર્થઘટનને લગતો છે. આના ચુકાદાથી ભવિષ્યમાં રાજ્યો અને કેન્દ્ર વચ્ચેના સંબંધો અને વિધેયકોને મંજૂરી આપવાની પ્રક્રિયા પર મોટી અસર પડી શકે છે. મુખ્ય ન્યાયાધીશ ગવઈની આગેવાની હેઠળ બંધારણીય ખંડપીઠ આ સવાલોની ચર્ચા કરશે અને રાષ્ટ્રપતિને તેનો અભિપ્રાય આપશે. આ ચુકાદો ભારતના બંધારણીય માળખાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
