રાંકના રતનની મહેનત રંગ લાવી : કડીયાકામ કરતા પિતાની પુત્રી IAS તો ચાની લારીવાળાનો પુત્ર CA બનશે
12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે જેમાં અનેક તેજસ્વી તારલાઓ ઝગમગ્યા છે. જેમાં 12 કોમર્સની વિદ્યાર્થિનીને 99.39 પર્સન્ટાઇલ આવેલા છે. તે સવા વર્ષની હતી ત્યારે માતાનુ પેટમાં ગાંઠને કારણે અવસાન થયું હતુ. જે બાદ તેમનાં પિતાએ કડિયા કામ કરી દીકરીને ભણાવી અને હવે આ દીકરી UPSC ક્રેક કરી IAS અધિકારી બનવા માંગે છે.
ધો. 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ક્રિષ્ના મનાણીએ જણાવ્યું હતું કે, 12 કોમર્સમાં 99.39 પર્સન્ટાઇલ આવેલા છે. સ્કૂલે જે ભણાવવામાં આવતું હતું તે ઘરે જઈને ફરી રિવિઝન કરતી હતી. રાત્રે ત્રણ વાગ્યા સુધી વાંચન કરતી હતી. અમારી સ્કૂલમાં દરરોજ પરીક્ષા લેવામાં આવતી હતી અને તે તમામ પરીક્ષાઓ આપતી હતી અને તેમાં ખૂબ જ સારા માર્ક પણ મળતા હતા.
મારા પિતાનું નામ મનસુખભાઈ મનાણી જે તેઓ કડિયા કામ કરે છે. પિતાએ મને કાયમ સપોર્ટ કર્યો છે અને તેમને એક પણ વખત એવું કહ્યું નથી કે નથી ભણવું.. હું ભણવાની સાથે સાથે દરરોજ ઘરકામ કરતી હતી સવારે 9:00 વાગ્યાથી ઘરકામ પૂર્ણ કરી બપોરે 12:00 વાગે સ્કૂલે આવતી હતી. જે બાદ સ્કૂલનુ હોમવર્ક અને રિવિઝન પણ કરતી હતી. યોગ્ય રીતે ટાઈમ મેનેજમેન્ટ કરી હું ભણતી હતી. આગળ હું યુપીએસસી ક્લિયર કરવા માગું છું અને મારા પિતાનું નામ રોશન કરી તેમની દીકરી નહીં પરંતુ દીકરો બનવા માગું છું.
કોરોનામાં પિતાની છત્રછાયા ગુમાવતી દીકરી ધો. 12 સા. પ્ર. માં ધાર્મી કથિરિયા 99.99 PR સાથે બોર્ડ ફર્સ્ટ

રાજકોટની ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતી ધાર્મી કથિરિયાએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.99 PR મેળવીને પરિવારનું અને શાળાનું નામ રોશન કર્યું છે.કોરોનમાં પિતાની છત્રછાયા ગુમાવી પણ દિકરીએ હાર ન માની અને પિતાના સપનાને પુરા કરવા માટે બોર્ડમાં 99.99 PR મેળવ્યાં. જ્યારે જીલ સેદાણીને એકાઉન્ટ – સ્ટેટેસ્ટીકમાં 100 માંથી 100 માર્ક સાથે 99.97 PR આવ્યા છે. ધાર્મી કથિરિયાના માતા બીનલબેન કહે છે કે મારા પતિનું કોરોનાકાળ દરમિયાન અવસાન થયું હતું.જે બાદ પરિવારની જવાબદારી અમારા પર આવી પડી હતી.મારે બે સંતાન છે અને અમને અમારા પરિવારનો સપોર્ટ છે.મારી દિકરી અને દિકરાને ભણાવવામાં મારા પતિના મોટાભાઈનો ખુબ જ મોટો સપોર્ટ છે.અમારી દિકરી આગળ જઈને સારી એવી જોબ મેળવે અને તેમના પિતાનું સ્વપ્ન સાકાર કરે તે જ છે.ધાર્મીના માતાએ કહ્યું કે હું ઈમિટેશનનું નામ કરૂ છું.અને પરિવારનું ભરણપોષણ કરૂ છું.
જીલ સેદાણીને 99.97 PR: IIM માં MBA કરવાનુ સ્વપ્ન
જીલ સેદાણીએ જણાવ્યું હતું કે,ધોરણ 12 કોમર્સમાં મારે 99.97 પર્સન્ટાઈલ આવ્યા છે. મારા માતા – પિતાનો ખુબ જ સપોર્ટ હતો. મારે નિરમામાંથી BBA તથા IIM માંથી MBA કરવું છે. પિતા મયુરભાઈ સેદાણીએ જણાવ્યું હતું કે, મારે યાર્ડમાં બિઝનેસ છે. દીકરીને અમે ભણવામાં તમામ પ્રકારની મદદ કરતા હતા અને હવે જે રીતે તે આગળ વધવા માગતી હશે તે રીતે તેને પૂરેપૂરો સપોર્ટ કરીશું.
પિતાને કરિયાણાની દુકાન, પુત્રને 99.99 PR આવ્યા

રાજકોટની સ્કૂલના વિદ્યાર્થી બિરેન રાજવીરે જણાવ્યું હતું કે, મારે ધોરણ 12 કોમર્સમા 99.99 PR આવ્યા છે. મારા પિતાનું નામ નરેન્દ્ર ભાઈ રાજવીર છે અને તેમને કરિયાણાની દુકાન છે. મારા માતાનું નામ આરતીબેન છે અને તે હાઉસવાઈફ છે. મારો મોટો ભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને હું પણ હવે CA બનવા માંગુ છું.
99.99 પર્સેન્ટાઇલ મેળવતા રાજ પરમારનુ CA બનવાનું સ્વપ્ન

મોદી સ્કૂલના વિદ્યાર્થી રાજ પરમારને 99.99 PR આવ્યા છે. જેમના પિતાને ચાની લારી છે. અભ્યાસની સાથે ચા ની લારીએ પિતાને મદદ કરતા પુત્રએ ઉજ્જવળ પરીણામ હાંસલ કરતા પરિવારમાં હર્ષનો માહોલ છે અને હવે આ દીકરો ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવા માંગે છે.
રાજકોટ શહેરની મોદી સ્કૂલમાં અભ્યાસ કરનારા તેમજ ચાની લારી ચલાવનારા પિતાનો પુત્ર બોર્ડ પ્રથમ આવ્યો છે.રાજ પરમારે જણાવ્યુ હતું કે, મારે એકાઉન્ટ, અર્થશાસ્ત્ર તેમજ SP & CC જેવા વિષયમાં 100 માંથી 100 માર્ક્સ આવ્યા છે. મારા પિતા નારણભાઈ છેલ્લા 7 વર્ષથી ચાની લારી ચલાવે છે જણાવે છે કે, હું દરરોજ બે થી ત્રણ કલાક મારા પિતા જે ચા ની લારી ચલાવે છે તેમને ત્યાં તેમની મદદ અર્થે પણ રોજ જતો હતો. તેમજ સ્કૂલ સિવાય ઘરે 6 થી 7 કલાક જેટલું વાંચન પણ કરતો હતો. આગામી સમયમાં મારે સીએ બનવું છે.
