હજુ આજે પણ રાજકોટ માટે હીટવેવનું ઓરેન્જ એલર્ટ : અમદાવાદમાં 44.8 ડિગ્રી
રાજકોટ : રાજકોટમાં ગઈકાલે 46.2 ડિગ્રી ગરમીએ છેલ્લા 21 વર્ષનો રેકોર્ડ તોડયા બાદ મંગળવારે પણ મહત્તમ તાપમાન 44.9 ડિગ્રી એટલે કે, 45 ડિગ્રી નજીક પહોંચી ગયું હતું.હવામાન વિભાગે રાજકોટ માટે ગરમીનું હીટવેવ એલર્ટ વધુ તીવ્ર દર્શાવી યલોમાંથી ઓરેન્જ કર્યું છે. ગઈકાલ બાદ આજે પણ રાજકોટ માટે હીટવેવનું ઓરેન્જ એલર્ટ હોય ગરમી ભુક્કા બોલાવશે. નોંધનીય છે કે, મંગળવારે સવારથી જ વાતાવરણમાં ગરમાવો જોવા મળ્યો હતો અને સવારે 8.30 કલાકે જ મહત્તમ તાપમાનનો પારો 30 ડિગ્રીએ પહોંચી ગયા બાદ સાંજ સુધીમાં 14.9 ડિગ્રી વધી ગયો હતો.
ચાલુ વર્ષે એપ્રિલ મહિનો સૌથી ગરમ સાબિત થઇ રહ્યો છે ત્યારે મંગળવારે સમગ્ર રાજ્યમાં ગરમીનો તીવ્ર પ્રકોપ જોવા મળ્યો હતો. હવામાન વિભાગે મંગળવારે કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર માટે હીટવેવનું યલો એલર્ટ અને રાજકોટ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું હતું. સાથે જ આજે પણ રાજકોટ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હોય ગરમી તોબા પોકારાવે તેવા સંકેત છે. દરમિયાન મંગળવારે રાજ્યમાં સૌથી ઉંચુ તાપમાન રાજકોટમાં 44.9 ડિગ્રી નોંધાયું હતું.જયારે અમદાવાદમાં 44.8, અમરેલીમાં 44.5, ગાંધીનગરમાં 44.0, વડોદરામાં 42.4, ભુજમાં 41.8, ડીસા અને ભાવનગરમાં 41.6, પોરબંદરમાં 37.1, નલિયામાં 36.8 અને કંડલામાં 36.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
