46.2 ડિગ્રી ! રાજકોટમાં ગરમીએ રેકોર્ડ તોડયો
સવારે 8.30 કલાકે 30 ડિગ્રી : બપોરે 2.30 કલાકે 45.4 ડિગ્રી અને બપોરે 3 વાગ્યે 46.2 ડિગ્રી
2004માં 45.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું : બે દાયકા બાદ એપ્રિલ મહિનામાં પારો 46 ડિગ્રીને પાર થયો
રાજકોટ : ઓણસાલ ઉનાળામાં ગરમીએ ભુક્કા કાઢ્યા છે. એપ્રિલ મહિનામાં તો સૂરજદેવતા કોપાયમાન થયા હોય તેમ અગનવર્ષા વરસાવતા આકરા તાપમાં કાળામાથાનો માનવી તો ઠીક પશુપંખીઓ પણ અકળાઈ ઉઠયા છે. સોમવારે રાજકોટમાં રેકોર્ડબ્રેક 46.2 ડિગ્રી નોંધાતા બપોરના સમયે જનજીવન થંભી ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.નોંધનીય છે કે, તા.28 એપ્રિલે રાજકોટમાં નોંધાયેલ 46.2 ડિગ્રી ગરમીએ 21 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. છેલ્લે તા.05-05-2024ના રોજ રાજકોટમાં 45.8 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. મહત્વનું છે કે, આગામી બે દિવસમાં ગરમીમાં ઘટાડો થશે અને પાંચ દિવસ બાદ મહત્તમ તાપમાન નીચે ઉતરી 40 ડિગ્રી નજીક રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
વર્ષ 2025માં સમગ્ર રાજ્યમાં એપ્રિલ મહિનો ગરમા ગરમ રહ્યો છે ત્યારે 28 એપ્રિલે ગરમીએ છેલ્લા 21 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. હવામાન વિભાગે સોમવાર અને મંગળવાર માટે હીટવેવનું યલો એલર્ટ આપ્યું છે ત્યારે સોમવારે સમગ્ર રાજ્યમાં રાજકોટ 46.2 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજકોટમાં સોમવારે સવારે 8.30 કલાકે લઘુતમ તાપમાન 30 ડિગ્રી નોંધાયું હતું અને બપોરે 2.30 કલાકે મહત્તમ તાપમાનનો પારો 45,4 ડિગ્રીએ પહોંચી ગયો હતો. બાદમાં 3.30 કલાકે ગરમી ચરમસીમાએ પહોંચતા મહત્તમ તાપમાનનો પારો વધીને 46.2 ડિગ્રીએ સ્થિર થયા બાદ 5.30 કલાકે મહત્તમ તાપમાન ઘટીને 43.4 ડિગ્રીએ પહોંચ્યું હતું. આ ઉપરાંત રાજ્યમાં અમરેલીમાં 44.1, અમદાવાદમાં 44, ગાંધીનગરમાં 43.2, ભાવનગર અને ભુજમાં 42.2, ડીસામાં 41.6, વડોદરામાં 40.6, કંડલામાં 38.4, નલિયામાં 37.4, પોરબંદરમાં 35.2 અને સુરતમાં 33.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગામી બે દિવસમાં ગરમીમાં રાહતના સંકેત આપતા જણાવ્યું હતું કે, બે દિવસમાં મહત્તમ તાપમાનનો પારો બેથી ત્રણ દિવસ ઘટશે અને ત્યાર બાદ ઉતરોતર પારો ઘટતો જશે જે આગામી પાંચ દિવસ બાદ રાજકોટમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોંચતા ગરમીમાં રાહત મળશે. જો કે, હજુ આજે પણ હવામાન વિભાગે હીટવેવનું યલો એલર્ટ આપ્યું છે. મહત્વનું છે કે, રાજકોટમાં સોમવારે 46.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા સરેરાશ તાપમાનથી 5 ડિગ્રી વધુ રહ્યું હોવાનું હવામાન વિભાગે ઉમેર્યું હતું.
1. તા.1 એપ્રિલ – 42.2 ડિગ્રી
2. તા.2 એપ્રિલ – 42.1 ડિગ્રી
3. તા.3 એપ્રિલ – 42.7 ડિગ્રી
4. તા.4 એપ્રિલ – 42.9 ડિગ્રી
5. તા.5 એપ્રિલ – 43.2 ડિગ્રી
6. તા.6 એપ્રિલ – 43.9 ડિગ્રી
7. તા.7 એપ્રિલ – 44.2 ડિગ્રી
8. તા.8 એપ્રિલ – 44.0 ડિગ્રી
9. તા.9 એપ્રિલ – 45.2 ડિગ્રી
10. તા.10એપ્રિલ – 43.0 ડિગ્રી
11. તા.11 એપ્રિલ – 40.3 ડિગ્રી
12. તા.12 એપ્રિલ – 42.3 ડિગ્રી
13. તા.13 એપ્રિલ – 42.7 ડિગ્રી
14. તા.14 એપ્રિલ – 42.2 ડિગ્રી
15. તા.15 એપ્રિલ – 42.8 ડિગ્રી
16. તા.16 એપ્રિલ – 43.3 ડિગ્રી
17. તા.17એપ્રિલ – 42.9 ડિગ્રી
18. તા.18 એપ્રિલ – 42.8 ડિગ્રી
19. તા.19 એપ્રિલ – 41.2 ડિગ્રી
20. તા.20 એપ્રિલ – 41.7 ડિગ્રી
21. તા.21 એપ્રિલ – 42.0 ડિગ્રી
22. તા.22 એપ્રિલ – 43.0 ડિગ્રી
23. તા.23 એપ્રિલ – 43.5 ડિગ્રી
24. તા.24 એપ્રિલ – 42.2 ડિગ્રી
25. તા.25 એપ્રિલ – 43.0 ડિગ્રી
26. તા.26 એપ્રિલ – 43.9 ડિગ્રી
27. તા.27 એપ્રિલ – 44.4 ડિગ્રી
28. તા.28 એપ્રિલ – 46.2 ડિગ્રી
રાજકોટમાં 47.9 ડિગ્રી તાપમાનનો રેકોર્ડ
રાજકોટમાં ભુતકાળમાં વર્ષ 1907 અને 1977માં 47.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હોવાનો રેકોર્ડ છે. જો કે, ત્યાર બાદ છેલ્લા 21 વર્ષમાં મહત્તમ તાપમાનનો પારો 46 ડિગ્રીને પાર થયો નથી છેલ્લે વર્ષ 2004માં મહત્તમ તાપમાન 45.8 ડિગ્રી નોંધાયું હતું.
તા.02-05-1907 47.9 ડિગ્રી
તા.13-05-1977 47.9 ડિગ્રી
તા.30-04-2002 45.1 ડિગ્રી
તા.03-05-2002 45.0 ડિગ્રી
તા.05-05-2004 45.8 ડિગ્રી
તા.09-04-2025 45.2 ડિગ્રી