પહલગામ હુમલાનો જડબાતોડ જવાબ : સિંધુ જળસંધિ પર રોક, પાકિસ્તાનીઓના વિઝા રદ
કાશ્મીરના પહેલગામમાં લોહી તરસ્યા આતંકવાદીઓએ ભયાનક હુમલો કરીને 26 ઘાટ ઉતારી બાદ ભારતે પાકિસ્તાન સામે ઉગ્ર પ્રતિક્રિયા આપી છે અને અસાધારણ તથા આક્રમક પગલાંની બુધવારે જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને મળેલી સુરક્ષા અંગેની કેબિનેટ કમિટીની બેઠકમાં પાકિસ્તાન વિરૂધ્ધ ભારે આકરાં પગલાંનો નિર્ણય લેવાયો હતો.
આ અંગેની માહિતી આપતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિક્રમ મિસરીએ પત્રકાર પરિષદમાં એવી જાહેરાત કરી હતી કે, વડાપ્રધાનના અધ્યક્ષપદ હેઠળની બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે, તમામ પાકિસ્તાનીઓના વીઝા રદ કરવામાં આવ્યા છે. અટારી વાઘા ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય થયો છે. ભારતમાં રહેલા પાકિસ્તાનીઓએ 48 કલાકમાં દેશ છોડીને પાકિસ્તાન ચાલ્યા જવાનું રહેશે. આજે સરકારે સર્વપક્ષિય યોજી છે. સૌથી મોટો અને અસરકર્તા નિર્ણય એવો લેવાયો છે કે, ભારતે ઇન્ડસ જળસંધિ પર રોક લગાવી છે જેના હેઠળ દર વર્ષે ભારતમાંથી 39 અબજ ઘનમીટર પાણી પાકિસ્તાનમાં વહે છે. પાકિસ્તાની નાગરિકોના ભારત પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. વીઝા સેવાઓ અને સરહદ પારની મુસાફરીની પરવાનગી બન્ને રદ કરાઈ છે.
એ જ રીતે નવીદિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનમાં તૈનાત તમામ લશ્કરી સલાહકારોને હાંકી કાઢવામાં આવ્યા છે. ભારતે પાકિસ્તાનને નવીદિલ્હીમાં તેની રાજદ્વારી હાજરીને ન્યૂનત્તમ સ્ટાફ સુધી એટલે કે 30 સુધી રાખવા જણાવ્યું છે જે હાલની 55ની ક્ષમતા છે. પાકિસ્તાનમાંથી ભારતીય રાજદ્વારીઓને પાછા બોલાવી લેવામાં આવશે. એ જ રીતે પાકિસ્તાને રાજદ્વારીઓને ભારત છોડી દેવા માટે એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં રહેલા ભારતીય દૂતાવાસના તમામ રાજદ્વારીઓને પણ ભારત પાછા બોલાવી રહ્યું છે. આમ, પાકિસ્તાનની સામે ભારતે આક્રમક ડિપ્લોમેટિક સ્ટ્રાઈક કરી દીધી છે અને તેને જડબાતોડ જવાબ આપવાની શરૂઆત કરી દીધી છે.