રાજકોટમાં 4 ચાર લોકોને બસ હેઠળ કચડી નાખનાર ડ્રાઈવરની પોલીસે કરી ધરપકડ : હજુ પણ બ્રેક ફેઈલ થઈ ગયાનું રટણ
રાજકોટના ઈન્દીરા સર્કલ નજીક ગત બુધવારે સિટી બસ હેઠળ ચાર લોકોને કચડી નાખવાની ઘટના હજુ પણ જનમાનસમાંથી દૂર થવાનું નામ લઈ રહી નથી. બીજી બાજુ આ અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને હાજર લોકોના ટોળાએ બેફામ માર મારતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તબીબોના જણાવ્યા પ્રમાણે શિશુપાલને નાક ઉપર તેમજ ડોકના ભાગે વધુ ઈજા પહોંચી હતી. સઘન સારવાર મળી જતાં તેની તબિયત સુધારા ઉપર જણાતાં જ તેને ગાંધીગ્રામ પોલીસ મથકને લઈ જઈને કડક પૂછપરછ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
શિશુપાલસિંહ રાણાને ચાર દિવસ સુધી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના ઉપર કોઈ હુમલો ન કરે તે માટે પોલીસ ઉપરાંત સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. તેની તબિયતમાં સુધારો આવી ગયો હોવાની જાણ હોસ્પિટલ દ્વારા પોલીસને કરવામાં આવતાં જ પોલીસે દોડી જઈને તેને ગાંધીગ્રામ પોલીસ મથકે લાવી હતી અને ત્યાં તેની પૂછપરછ શરૂ કરી હતી.
પૂછપરછ દરમિયાન હજુ પણ શિશુપાલસિંહ રાણા તે જે બસ ચલાવી રહ્યો હતો તેની બ્રેક ફેઈલ જ થઈ ગયાનું રટણ કરી રહ્યો હોવા ઉપરાંત લાયસન્સ રિન્યુઅલ મુદ્દે પણ ગલ્લા-તલ્લા કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. બીજી બાજુ પોલીસ દ્વારા શિશુપાલસિંહની તબિયતને ધ્યાનમાં રાખી કડક હાથે કામ લેવાનું ટાળવામાં આવી રહ્યાનું પણ જાણવા મળી રહ્યું છે.
ગાંધીગ્રામ પોલીસ મથકના PIએ યોજી પત્રકાર પરિષદ
4 લોકોને કચડી નાખનાર ડ્રાઈવરને આજે ગાંધીગ્રામ પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે પોલીસ મથકના PIએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે આ મામલે ડ્રાઈવરનું નિવેદન લેવામાં આવ્યું છે. તેના નિવેદન મુજબ હું બસને બ્રેક મારતો હતો પરંતુ બ્રેક લગતી નહોતી અને આ અકસ્માત સર્જાયો હતો. RTO દ્વારા બસનો રિપોર્ટ આપી દેવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે બસની બ્રેક ફેલ નહોતી અને કોઈ મેકેનિકલ ખામી પણ નહોતી. ડ્રાઈવરની ભૂલના લીધે જ આ અકસ્માત સર્જાયો છે. ડ્રાઈવરનું લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે પોલીસ દ્વારા RTOને રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. ડ્રાઈવર પીધેલો હતો કે કેમ તે બાબતે તેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે તેમજ તે FSLમાં પણ મોકલવામાં આવ્યા છે.